Rajkot: અટલ પેન્શન યોજનાની જાગૃતિ માટે રાજકોટમાં લીડ બેંક દ્વારા આઉટરિચ પ્રોગ્રામ યોજાયો

તા.30/10/2025
વાત્સલયમ્ સમાચાર
અટલ પેન્શન યોજના લોકોની સામાજિક સલામતી માટે ખૂબ મહત્વની, ગુજરાતમાં ૩૦ લાખ લોકો જોડાયા
Rajkot: લોકોને આર્થિક- સામાજિક સલામતી આપતી અટલ પેન્શન યોજનાની જાગૃતિ માટે આજે રાજકોટમાં “અટલ પેન્શન યોજના આઉટરિચ પ્રોગ્રામ” યોજવામાં આવ્યો હતો.
આ તકે પેન્શન ફંડ રેગ્યુલેટરી અને ડેવલપમેન્ટ ઓથોરિટીના ચીફ જનરલ મેનેજર શ્રી પ્રવીશકુમારે જણાવ્યું હતું કે, લીડ બેંક તથા સ્ટેટ લેવલ બેંકર્સ કમિટીના સહયોગથી આજે રાજકોટમાં અટલ પેન્શન અંગે જાગૃતિ લાવવા આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર દેશમાં ૮.૩૦ કરોડથી વધુ, ગુજરાતમાં ૩૦ લાખ જ્યારે રાજકોટમાં ૧.૪૮ લાખ લોકો અટલ પેન્શન યોજનામાં જોડાયેલા છે.
તેમણે ઉમેર્યું હતું કે, ભારત સરકારની આ મહત્વાકાંક્ષી અને ગેરંટેડ પેન્શન સ્કીમ છે. જે લોકોને પાછલી જિંદગીમાં આર્થિક સામાજિક સલામતી આપે છે.
આ કાર્યક્રમમાં બેન્કના વરિષ્ઠ અધિકારી શ્રી રાજેશજીએ સૌને સંબોધતા જણાવ્યું હતું કે, અટલ પેન્શન યોજના લોકોને સામાજિક સલામતી આપે છે. અનુભવી વૃદ્ધો એ દેશ માટે એસેટ સમાન છે અને તેમને સામાજિક સલામતી મળે તે જરૂરી છે. યુવા પેઢીમાં સેવિંગ કલ્ચર ઘટતું જાય છે અને જોબમાં અસલામતી વધી છે ત્યારે અટલ પેન્શન યોજના સામાજિક સલામતી માટે ખૂબ મહત્વની છે. તેમણે અટલ પેન્શન યોજનાનો લાભ સમાજના મહત્તમ લોકોને મળે તેવું આહવાન કર્યું હતું.
આ અવસરે અટલ પેન્શન યોજનામાં ઉત્તમ કામગીરી કરનારી ૧૧ બેંકના પ્રતિનિધિઓનું એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સ્ટેટ લેવલ બેંકર્સ કમિટીના શ્રી વીણાબહેન શાહ, રાજકોટ લીડ બેંકના મેનેજર શ્રી કરુણા બિશ્વાલ, વિવિધ બેન્કોના અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.








