ભરૂચ : માર્ગો પર જોખમી વળાંકોમાં રિફલેક્ટર્સ લગાડવા માટે સંબંધિત વિભાગોને સૂચના આપતા જિલ્લા કલેક્ટર…
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૦૫/૦૯/૨૦૨૪
ભરૂચ જિલ્લા કલેક્ટર-વ-રોડ સેફ્ટિ કાઉન્સિલના ચેરમેન તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. કલેક્ટર કચેરીના વીસીરૂમ ખાતે યોજાયેલી બેઠકમાં જિલ્લા કલેક્ટરે ગત બેઠકની સમીક્ષા સાથે આગામી સમયના આયોજન અને રોડ સેફ્ટીને લગતા કાર્યોની સમીક્ષા કરી હતી.
ભરૂચ જિલ્લા કલેક્ટરે જિલ્લાના માર્ગોને વધુ સલામત બનાવવા અને માર્ગ સુરક્ષાના કાયદાના અમલીકરણ અંગે સમિતિને માર્ગદર્શન અને દિશાનિર્દેશનો આપ્યા હતા. નેશનલ હાઇવે-માર્ગ મકાન વિભાગ રાજ્ય અને પંચાયતને તેમજ નગરપાલિકા ભરૂચ સહિતના સભ્યોને માર્ગ સલામતી માટેના કાર્ય સતત શરૂ રાખવા માટે સૂચન કર્યુ હતુ.
ભરૂચ જિલ્લા કલેક્ટર માર્ગ સુરક્ષા સલામતિ સમિતિના સભ્યોને તેમને સંબંધિત ક્ષેત્રોમાં માર્ગ સલામતી માટેની કાર્યવાહી કરવા માટે સૂચના આપી હતી. સમગ્ર જિલ્લામાં વરસાદ બાદ માર્ગોમાં સર્વે કરી જરૂર જણાય ત્યાં રિસર્ફેસીંગની કામગીરી હાથ ધરવા માટે સૂચના આપી હતી. બેઠકમાં, એ.આર.ટી.ઓ દ્વારા સમગ્રતયા અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જિલ્લામાં સંભવિત અકસ્માત ક્ષેત્રોમાં ક્રેશ બેરિયરની કામગીરી, સાઇનેઝ, અકસ્માતની સંભાવના વધુ રહેતી હોય તેવા માર્ગો પર સફેદ પટ્ટા લગાડવાની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ જિલ્લામાં રોડ સેફ્ટીને લગતા કાર્યોની અને ભવિષ્યના આયોજનની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા. આ બેઠકમાં અમરેલી એ.આર.ટી.ઓ, માર્ગ મકાન વિભાગ રાજ્ય અને પંચાયત, નેશનલ હાઇવે ઓથોરિટી, નગરપાલિકાના પ્રતિનિધિ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા
.