
વાત્સલ્યમ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,વિસનગર
ગુજરાતના ખેડૂતોને પ્રવર્તમાન સમયને અનુરૂપ કૃષિ પદ્ધતિઓ અને નવતર અભિગમોથી પરિચિત કરાવવાના શુભ આશયથી સમગ્ર રાજ્યમાં રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજરોજ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ગુંજા ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતોની આવક વધે અને આધુનિક કૃષિ પદ્ધતિ તેમજ વિવિધ ખેતી વિષયક યોજનાઓની જાણકારી મળી રહે તે માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કૃષિ મહોત્સવની શરૂઆત કરાવી હતી. આ કૃષિ મહોત્સવના કારણે ખેડૂતો આજે સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ અને આધુનિક કૃષિ પદ્ધતિ અપનાવી મબલખ ઉત્પાદન મેળવી રહ્યા છે. જેના પરિણામે ગુજરાતનો કૃષિ વિકાસ દર સતત ડબલ ડિજિટમાં રહ્યો છે.
આરોગ્ય મંત્રી ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની અગત્યતા સમજાવતા જણાવ્યું હતું કે આજે યુરિયા, ડીએપી રાસાયણિક ખાતરોના વધુ પડતા ઉપયોગના કારણે જમીનમાં અળસિયાઓ અદ્રશ્ય થઈ ગયા છે અને ખાતર પેસ્ટીસાઈડસના કારણે રોગોનું પ્રમાણ વધ્યું છે. આથી ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે રાજ્યપાલએ પ્રાકૃતિક કૃષિની મુહિમ ચલાવી છે. આ મુહિમના કારણે ગુજરાતમાં આજે ઘણા ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળ્યા છે.
વધુમાં મંત્રીએ ઉમેર્યું હતું કે ખેડૂતોને સરકારી યોજનાઓની જાણકારી મળી રહે તેમજ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો આધુનિક કૃષિ પદ્ધતિ અંગે ખેડૂતોને માહિતગાર કરે તે માટે કૃષિ મહોત્સવ જેવા કાર્યક્રમો યોજવામાં આવે છે, અને આ કૃષિ મહોત્સવમાં વિવિધ યોજનાઓના સ્ટોલો પણ રાખવામાં આવે છે. જેથી ખેડૂતોને યોજનાકીય જાણકારી મળી રહે.
આ પ્રસંગે એપીએમસીના ચેરમેન પ્રિતેશભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધન કરી ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે મંત્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કૃષિ અને પશુપાલન વિભાગની વિવિધ સહાય યોજનાઓના લાભાર્થીઓને મંજૂરી સહાય હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આરોગ્ય મંત્રી વિવિધ વિભાગના સ્ટોલોની મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન વણકર, અગ્રણી સર્વ સતિષભાઈ પટેલ, જયંતીભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. હસરત જૈસમીન, પ્રાંત અધિકારી દેવાંગ રાઠોડ, જિલ્લા ખેતીવાડી અધિકારી અનીશ ભટ્ટ, તાલુકા વિકાસ અધિકારી સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.






