ઝઘડિયાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાતા પંચાયત સભ્યએ વિરોધ વ્યક્ત કર્યો
ચુંટણી સમયે વેરા ઘટાડવાની લોકોની આશા પુર્ણ નહિ થઇ હોવાના આક્ષેપ સાથે ગ્રામ પંચાયતની સામાન્ય બેઠકમાં પંચાયત સભ્યનો વિરોધ
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાની રાજપારડી ગ્રુપ ગ્રામ પંચાયતના વોર્ડ નંબર ૨ ના સદસ્યએ ગ્રામ પંચાયત દ્વારા વેરા નહિ ઘટાડાયા હોવાની વાતે વિરોધ વ્યક્ત કરતા ચકચાર મચી જવા પામી હતી. મળતી વિગતો મુજબ આજરોજ તા.૩૧ મીના રોજ રાજપારડી ગ્રુપ ગ્રામ પંચાયતની યોજાયેલ સામાન્ય બેઠકમાં ગ્રામ પંચાયતના વોર્ડ નંબર બે ના સદસ્ય નિલેશભાઇ સોલંકીએ લેખિતમાં વિરોધ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેઓ રાજપારડી ગ્રુપ ગ્રામ પંચાયતના વોર્ડ નંબર બે માં સભ્ય તરીકે ચુંટાયેલા છે.વધુમાં પંચાયત સદસ્યે આક્ષેપ કર્યો હતો કે ગ્રામ પંચાયતના અગાઉના સરપંચે મનફાવે તે રીતે વેરા વધાર્યા હતા.રાજપારડીના ગ્રામજનો આ વધેલા વેરાથી થાકી ગયા હતા,ત્યારે ચુંટણીમાં હાલની સત્તાધારી પેનલને ખોબેખોબે મત આપીને જીતાડ્યા હતા.પરંતું ત્યારબાદ ગ્રામ પંચાયત દ્વારા વેરા ઘટાડાયા નહિ.પંચાયત સદસ્ય નિલેશ સોલંકીએ ગ્રામ પંચાયતને લેખિતમાં આપેલ વિરોધ પત્રમાં વધુમાં જણાવ્યું હતું કે તેમણે ઘણીવાર આ બાબતે રજુઆત કરવા છતાં ગ્રામ પંચાયતના હોદ્દેદારો દ્વારા આ બાબતે કોઇ ધ્યાન લેવામાં આવ્યું નથી.ઉપરાંત ગ્રામ પંચાયતની અગાઉની બેઠકમાં તેમણે આ સંદર્ભે કરેલ મૌખિક રજુઆતનું પણ કોઇ પરિણામ આવ્યું નહતું.તેથી પંચાયત સદસ્ય દ્વારા આજરોજ યોજાયેલ ગ્રામ પંચાયતની સામાન્ય બેઠકમાં ગ્રામ પંચાયતના સરપંચ અને ઉપસરપંચને વધેલા વેરા બાબતે યોગ્ય વિચાર કરીને તાકીદે યોગ્ય પગલા લેવા અનુરોધ કર્યો હતો. ગ્રામ પંચાયત સદસ્ય દ્વારા વધુમાં જણાવાયા મુજબ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ કેટલીક રહેણાંક સોસાયટીઓમાં આવેલ મકાનોના વેરાઓ પણ અલગઅલગ હોવાથી સ્થાનિક લોકો માટે મુશ્કેલીરૂપ બન્યું છે. રાજપારડી ગ્રુપ ગ્રામ પંચાયતના વોર્ડ સભ્યએ ગ્રામ પંચાયત દ્વારા વધેલા વેરા નહિ ઘટાડાયા હોવાનો આક્ષેપ કરતા આ વાતે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
ઈરફાનખત્રી
રાજપારડી



