વાગરામાં 45 લાખની ચોરી:સારણ ગામમાં મધરાતે તસ્કરો ત્રાટક્યા, સોનાના દાગીના અને રોકડ મળી 45 લાખની મતા લઇ ફરાર




સમીર પટેલ, ભરૂચ
વાગરા તાલુકાના સારણ ગામમાં ગુરુવારની મધરાતે તસ્કરો ત્રાટક્યા હતા અને 45 લાખથી વધુની કિંમતી માલમત્તા ચોરી ગયા હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગામના નિવાસી ઝુલ્ફીકાર કાસમરાજ રાત્રે પોતાના ઘર કામકાજ પૂરા કરીને પત્ની સાથે ઊંઘી રહ્યા હતા.આ દરમિયાન અજાણ્યા તસ્કરો તેમના મકાનના મુખ્ય દરવાજાનું નકુચું તોડી અંદર પ્રવેશ્યા હતા.તસ્કરો કબાટમાં રાખેલી સુટકેસમાંથી અંદાજે 30 થી 35 તોલા સોનાના દાગીના અને રૂ.10 લાખ રોકડ ચોરી ગયા હતા. કુલ ચોરી થયેલી માલમત્તાનો અંદાજ રૂ. 45 લાખથી વધુનો છે.
ઘટનાની જાણ થતા વાગરા પોલીસ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસ ટીમે ઘટના સ્થળની સ્થિતિનો અભ્યાસ કર્યો છે તેમજ આસપાસના વિસ્તારોમાં સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તપાસની દિશામાં આગળ વધવા પ્રયાસ હાથ ધર્યા છે. હાલ તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધાઈ આગળની તપાસ ચાલી રહી છે.




