કાલોલ નાં એરાલ ગામે જૂની અદાવતમાં યુવક પર ધારિયા વડે જીવલેણ હુમલો,વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

તારીખ ૧૪/૦૬/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના એરાલ ગામે જૂની અદાવત રાખીને એક યુવક પર ધારિયા (વાંસી) વડે જાનલેવા હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે. કુદરતી હાજતે ગયેલા યુવકને એકલો જોઈ પાછળથી માથાના ભાગે ઘા ઝીંકી લોહીલુહાણ કરી દેવામાં આવ્યો હતો. આ અંગે વેજલપુર પોલીસ સ્ટેશનમાં આરોપી વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
એરાલ ગામના વાછાવાડની મુવાડી ફળિયામાં કેનાલ પાસે રહેતા બળવંતસિંહ ધુળાભાઈ રાઠોડ (ઉં.વ. ૫૫, ધંધો-ખેતી) ના જણાવ્યા અનુસાર, ગત તારીખ ૦૬/૦૬/૨૦૨૬ ના રોજ રાત્રિના આશરે સાડા આઠેક વાગ્યે તેમનો નાનો દીકરો ગોપાલસિંહ ઘર નજીક આવેલી કેનાલ તરફ કુદરતી હાજતે ગયો હતો.તે સમયે ગામના જ આરોપી પ્રવિણભાઈ ડાભઈભાઈ રાઠોડ ત્યાં હાથમાં ધારિયું (વાંસી) લઈને આવી પહોંચ્યો હતો. આશરે એકાદ વર્ષ પહેલાં બંને પરિવારો વચ્ચે ‘આંબલીના ઝાડ’ બાબતે બોલાચાલી થઈ હતી. આ બાબતની અદાવત મનમાં રાખીને આરોપી પ્રવિણભાઈએ ગોપાલસિંહને એકલો જોઈ, પાછળથી આવી કશું પણ કહ્યા વગર માથાના ભાગે ધારિયું મારી દીધું હતું. હુમલા બાદ આરોપી ગાળો બોલીને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો.ગોપાલસિંહ માથામાંથી લોહીલુહાણ હાલતમાં રડતો રડતો ઘરે પરત ફરતા પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા. માથાના ભાગે ગંભીર ઈજા હોવાના કારણે પિતા બળવંતસિંહ અને અન્ય સગા-સંબંધીઓ તેને તાત્કાલિક ખાનગી વાહન દ્વારા ગોધરાની ભાવસાર સર્જીકલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે ગોપાલસિંહના માથાના ભાગે ટાંકા લઈને વધુ સારવાર માટે દાખલ કર્યો હતો. ચાર દિવસની સારવાર બાદ યુવકને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જે બાદ તેઓના પિતા બળવંતસિંહ રાઠોડે વેજલપુર પોલીસ મથકે રૂબરૂ આવીને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.








