કાલોલ નગરમાં બોરૂ ઇન્ટેક વેલ ખાતેથી દસ હજાર ના સરકારી વાયરની ચોરી, નગરપાલિકાના વાયરો પણ ચોરાયાની ચર્ચા.

તારીખ ૦૫/૦૬/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગરમાં અને આસપાસના વિસ્તારોમાં દિન પ્રતિદીન ચોરીના બનાવો વધી રહ્યા હોવાની બૂમો ઉઠી રહી છે. તાજેતરમાં જ કાલોલના બોરૂ ઇન્ટેક વેલ ખાતેથી સરકારી વાયરની ચોરી થવાનો વધુ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે, જેને પગલે સમગ્ર પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા થયા છે.પ્રાપ્ત વિગતો અનુસાર, પાણી પુરવઠા વિભાગ (ગોધરા) ખાતે મદદનીશ ઇજનેર યાંત્રીક તરીકે ફરજ બજાવતા ટ્વીંકલબેન ફતેસિંહ પઢીયારે કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, કાતોલ બોરૂ ઇન્ટેક વેલ ખાતે નર્મદા કેનાલની પાળ ઉપર લગાડેલ આશરે ૨૫ મીટર જેટલો ઇલેક્ટ્રિક વાયર (કેબલ), જેની કિંમત રૂ. ૧૦,૦૦૦/- થાય છે, તે ગત તારીખ ૨૫/૦૫/૨૦૨૬ના રોજ રાત્રિના ૦૦:૦૦ વાગ્યાથી સવારના ૦૫:૦૦ વાગ્યાના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યો ચોર ઇસમ કાપીને ચોરી કરી ગયો હતો. સવારે ઓપરેટર શંકરભાઇ વણકરે વાયર ગાયબ હોવાની જાણ કરતાં આ સમગ્ર મામલો સામે આવ્યો હતો.ત્યારબાદ ઉચ્ચ અધિકારી નાયબ કાર્યપાલક ઇજનેર જે.બી. જાદવની સૂચનાથી ફરિયાદીએ ફરીયાદ આપતા કાલોલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ બી.એન.એસ. કલમ ૩૦૩(૨) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.કાલોલ નગરમાં ચાલતી ચર્ચાઓ મુજબ, માત્ર પાણી પુરવઠા વિભાગ જ નહીં પરંતુ કાલોલ નગરપાલિકાના વાયરો પણ આજ સ્થળોએથી ચોરાયા હોવાની વ્યાપક માહિતી મળી રહી છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે આ વાયર ચોરી પાછળ કોઈ સંગઠિત ગેંગ કામ કરી રહી હોઈ શકે છે. ત્યારે લોકમુખે એવા સવાલો પણ ઉઠી રહ્યા છે કે આ વાયર ચોરીના બનાવમાં સંડોવાયેલા તત્વો અગાઉ બનેલી બીજી કોઈ ચોરીની ઘટનાઓમાં પણ સંડોવાયેલા છે કે કેમ? નગરજનોની પ્રબળ માંગ છે કે જો પોલીસ આ મામલે ઊંડાણપૂર્વક અને અસરકારક તપાસ હાથ ધરે, તો કાલોલ પંથકમાં થયેલી અનેક નાની-મોટી ચોરીઓના ભેદ ઉકેલાય તેવી પૂરેપૂરી શક્યતા છે. હવે જોવાનું એ રહ્યું કે કાલોલ પોલીસ આ અજાણ્યા ચોરોને ક્યારે જેલના સળિયા પાછળ ધકેલે છે.






