MEHSANAVIJAPUR

વિજાપુર નગરપાલિકાને “એ” વર્ગનો દરજ્જો અપાવવા ધારાસભ્ય ડૉ. સી.જે. ચાવડાની મજબૂત રજૂઆત

વિજાપુર નગરપાલિકાને “એ” વર્ગનો દરજ્જો અપાવવા ધારાસભ્ય ડૉ. સી.જે. ચાવડાની મજબૂત રજૂઆત
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર નગરના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે ધારાસભ્ય ડૉ. સી.જે. ચાવડા સાહેબની દ્રઢ પહેલ અને સશક્ત નેતૃત્વ હેઠળ એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું હતું. વિજાપુર નગરપાલિકાને ખાસ કિસ્સામાં “એ” વર્ગનો દરજ્જો આપવામાં આવે તે માટે ધારાસભ્ય ડૉ. સી.જે. ચાવડા એ ગુજરાત રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ સાહેબ સમક્ષ અસરકારક અને મજબૂત રજૂઆત કરી હતી. આ મહત્વપૂર્ણ વિકાસલક્ષી પ્રયાસ સમયે શહેર ભાજપના પ્રમુખ અગનભાઈ બારોટ, તાલુકા ભાજપના પ્રમુખ હાર્દિકભાઈ પટેલ તેમજ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્યની રજૂઆતને પૂરું સમર્થન આપ્યું હતું. તાલુકાના વિકાસ માટે એકસૂત્રતા સાથે થયેલી આ રજૂઆત શહેરના ભવિષ્ય માટે આશાજનક માનવામાં આવી રહી છે.ધારાસભ્ય ડૉ. સી.જે. ચાવડાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પાઠવેલા પત્રમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં સરકાર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી વિજાપુર નગરપાલિકાની હદમાં વધારો કરવામાં આવ્યો છે અને નજીકના ઓ.જી. વિસ્તારનો સમાવેશ કરાયો છે. જેના પરિણામે વિજાપુરનું ભૌગોલિક વિસ્તાર નોંધપાત્ર રીતે વધ્યો છે તેમજ વસ્તીની સંખ્યામાં અંદાજે ૪૦ હજાર જેટલો વધારો થયો છે. હદ વિસ્તાર વધતા નગરપાલિકા વિસ્તારમાં નવા તેમજ જુના વિસ્તારોમાં સર્વાંગી વિકાસ માટે વિવિધ ગ્રાન્ટોની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વિજાપુર શહેરમાં વર્ષોથી પૂરતો વિકાસ થયો નથી. શહેરમાં બક્ષીપંચ તથા વિવિધ સમાજોની મોટી વસતિ હોવા છતાં માળખાગત સુવિધાઓના અભાવે લોકો અનેક મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે. હવે નગરપાલિકાની હદ વધતાં રસ્તા, ગટર, પાણી પુરવઠો, સ્ટ્રીટલાઇટ, ડ્રેનેજ સહિતની મૂળભૂત સુવિધાઓ મજબૂત કરવા માટે “ક” વર્ગની નગરપાલિકાને અપગ્રેડ કરી વડનગર અને માણસા નગરપાલિકાની જેમ “એ” વર્ગનો દરજ્જો આપવો અત્યંત જરૂરી હોવાનું તેમણે ભારપૂર્વક રજૂ કર્યું હતું. તાલુકા શહેર તથા આસપાસના વિસ્તારોમાં અનેક ધાર્મિક અને પર્યટન સ્થળો આવેલા છે. આ કારણે દરરોજ હજારો યાત્રિકો અને પર્યટકો શહેરમાંથી પસાર થાય છે. યાત્રિકોની સુવિધાઓમાં વધારો કરવા તેમજ શહેરના હિતમાં “એ” વર્ગનો દરજ્જો આપવો અનિવાર્ય બન્યો હોવાનું પત્રમાં જણાવાયું છે.
ઉપરાંત, જૈન ધર્મના પ્રખર મુનિ બુદ્ધિસાગર મહારાજ સાહેબનું જન્મસ્થાન હોવાના કારણે વિજાપુર, મહુડી અને આગલોડ જૈન તીર્થસ્થાનો તરીકે વિશેષ મહત્વ ધરાવે છે. ગુજરાત ઉપરાંત મુંબઈ, પુણે સહિતના શહેરોમાંથી પણ મોટી સંખ્યામાં જૈન ભાવિકો રોજબરોજ દર્શનાર્થે આવે છે. સાથે જ મહુડી અને આગલોડ ઘંટાકર્ણવીર તથા મગરવાડાવીરની તીર્થભૂમિ હોવાને કારણે અસંખ્ય હિંદુ ભાવિકો પણ અહીં દર્શનાર્થે આવે છે.તાલુકો શહેર ગાંધીનગરની ઘણું નજીક આવેલું છે.તેમજ ગાંધીનગર સાથે દૈનિક વ્યવહારો ધરાવતી નગરપાલિકા હોવાને ધ્યાનમાં લઈને ભવિષ્યમાં ગાંધીનગર સેટેલાઇટ ટાઉન વિકસે તો તેમાં પણ વિજાપુર તાલુકા ની મહત્વપૂર્ણ ભૂમિકા બની શકે તેમ હોવાનું ધારાસભ્ય ડૉ. સી.જે. ચાવડા એ રજૂઆતમાં જણાવ્યું હતું. ખાસ કિસ્સામાં વિજાપુર નગરપાલિકાને “એ” વર્ગમાં સામેલ કરવા કરાયેલી આ દ્રઢ રજૂઆતથી શહેરના વિકાસને નવી દિશા મળશે તેવી શહેરજનોમાં આશા વ્યક્ત થઈ રહી છે.

Back to top button
error: Content is protected !!