GODHARAPANCHMAHAL

પંચમહાલમાં ચોરીની ઇકો કાર પર સ્ક્રેપ વાહનોના ચેસીસ નંબર લગાવી વેચવાના કૌભાંડનો પર્દાફાશ

 

પ્રતિનિધિ ગોધરા તા.16

 

નિલેશભાઈ દરજી શહેરા

 

પંચમહાલ એસ.ઓ.જી. પોલીસે ગોધરામાં ચોરીની ઇકો ગાડીઓ પર સ્ક્રેપ થયેલા વાહનોના ચેસીસ નંબર અને નંબર પ્લેટ લગાવીને વેચવાના એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ રેકેટમાં એક આરોપીની ધરપકડ કરી રૂ. ૧૦.૨૦ લાખની કિંમતની ૪ ચોરાઉ ઇકો કાર સહિત મોટા પ્રમાણમાં વાહનોના સ્પેરપાર્ટ્સ અને દસ્તાવેજો જપ્ત કર્યા છે.

 

એસ.ઓ.જી. પીઆઇ એમ.એ. વાઘેલાને મળેલી બાતમીના આધારે ગોધરાના સિમલા વિસ્તારમાં આવેલ ઉસ્માની સ્ક્રેપમાં દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસમાં સામે આવ્યું કે, આરોપી વસીમ સીદ્દીક સમોલ રહે. મુસ્લીમ સોસાયટી એ, ઝકરીયા મસ્જીદ પાસે, ગોધરા જૂની કે અકસ્માતગ્રસ્ત ઇકો ગાડીઓ તેની ઓરિજિનલ આર.સી. બુક સાથે ખરીદતો હતો. ત્યારબાદ તે ગાડીઓ સ્ક્રેપ કરી તેના ચેસીસ નંબરવાળી પ્લેટ ગેસ કટરથી કાપીને ચોરીની ઇકો ગાડીઓ પર લગાવી દેતો હતો. ચોરીની ગાડીઓ પર સ્ક્રેપ વાહનની નંબર પ્લેટ અને ઓરિજિનલ આર.સી. બુકનો ઉપયોગ કરી, કમિશન લઈને તે આ વાહનો અન્ય લોકોને વેચીને તેમના નામે ટ્રાન્સફર કરી આપતો હતો.

 

પોલીસે આરોપીની સઘન પૂછપરછ કરતાં જુદા-જુદા જિલ્લાઓમાંથી ચોરાયેલી ૪ ઇકો કાર કિંમત રૂ. ૧૦,૨૦,૦૦૦ રિકવર કરી છે. આ ઉપરાંત સ્થળ પરથી ૩૩ જુદા-જુદા ચેસીસ નંબર લખેલી લોખંડની પ્લેટો, ૩૪ આર.ટી.ઓ. રજીસ્ટ્રેશન નંબર પ્લેટો અને ૧૬ વાહનોની અસલ આર.સી. બુક મળી કુલ રૂ. ૧૦.૨૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ગોધરા રેન્જ ડીઆઇજી વિધી ચૌધરી અને પંચમહાલ એસપી ડૉ. હરેશભાઈ દુધાતના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ટીમે આ અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલ્યો છે.

Back to top button
error: Content is protected !!