વિધાનસભાના ઉપાધ્યાક્ષ શ્રી જેઠાભાઈ ભરવાડના હસ્તે રૂ. ૬૫ કરોડથી વધારેના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ભૂમિપૂજન
પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ આહીર (ભરવાડ) એ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, વિંઝોલ ખાતે ઉપસ્થિત રહીને રૂ. ૬૫ કરોડથી વધારેની રકમના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ભૂમિપૂજન કર્યું હતું. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહીને સૌને શુભેચ્છા પાઠવી હતી. યુનિવર્સિટીને વિદ્યા અને વિકાસનું કેન્દ્ર ગણીને શ્રી શાહે પંચમહાલના ઈતિહાસમાં આજના દિવસને મહત્વનો ગણાવ્યો હતો.
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અને પંચમહાલના લોકોને શુભકામના પાઠવીને શ્રી જેઠાભાઈ આહીરે જણાવ્યું હતું કે, આ યુનિવર્સિટીમાં દોઢ લાખથી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તેમને અને ભવિષ્યની પેઢીને આ પ્રકલ્પોનો લાભ મળશે. તેમણે શ્રી ગોવિંદ ગુરૂએ દેશ, સનાતન સંસ્કૃતિ અને આદિજાતિના ઉત્થાન માટે આપેલા ત્યાગ અને બલિદાનને યાદ કરીને શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની સ્થાપના માટે કરાયેલા સાર્થક પ્રયાસોની સ્મૃતિનું સ્મરણ કર્યું હતું.
યુનિ.ની સ્થાપના માટે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને તત્કાલીન મુખ્યમંત્રીશ્રી આનંદીબહેન પટેલનો આભાર વ્યક્ત કરી તેમણે ઉપસ્થિત વિદ્યાર્થીઓને દેશ માટે, રાજ્ય માટે અને સમાજ માટે કંઈક કરી છૂટવાનો ભાવ રાખવા અને વિકસાવવા જણાવ્યું હતું. આઈટીઆઈથી શરૂ થયેલી આ યુનિવર્સિટી સાથે આજે 315 કોલેજ સંલગ્ન છે અને આજે આ યુનિવર્સિટી વટવૃક્ષ બની ચૂકી છે, તેમ જણાવી શ્રી આહીરે યુનિવર્સિટીની સ્થાપના અને વિકાસ કરવામાં યોગદાન આપનાર નામી-અનામી વ્યક્તિત્વને યાદ કર્યા હતા. તેમણે સરકારની શિક્ષણલક્ષી યોજનાઓનો મહત્તમ લાભ લઈને અહીં ભણતા વિદ્યાર્થીઓને વિકસિત ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવા અથાગ મહેનત કરવા આહ્વાન કર્યું હતું.
શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોરે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને શ્રી ગોવિંદ ગુરુએ આપેલા સનાતન હિંદુ સંસ્કૃતિના મૂલ્યો, દેશપ્રેમ અને રક્ષા માટેના આદર્શો પર ચાલીને આદિજાતિ અસ્મિતા જાળવવા હુંકાર કર્યો હતો. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની સ્થાપના માટે થયેલા યથાર્થ પ્રયત્નો, ભવ્ય ઈતિહાસ અને વિકાસયાત્રાની ઝાંખી આપીને તેમણે વર્તમાન સમયમાં ઘર આંગણે મળતા ઉચ્ચ અભ્યાસ શિક્ષણની સુવિધાના લાભની વાતો કરી હતી. હવે આદિજાતિ વિસ્તારના બાળકોને ઘર આંગણે જ બાલવાટિકાથી ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન અને પીએચ.ડી. સુધીનું શિક્ષણ મળી રહે છે તેમ કહી તેમણે આદિજાતિ શિક્ષણ તથા આદિજાતિ વિકાસ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની નેતૃત્વવાળી રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આદિજાતિ સમાજનો સર્વાંગી વિકાસ થાય તેવી યોજનાઓ સરકારે અમલમાં મૂકી છે, તેનો મહત્તમ લાભ લઈને શ્રી ડીંડોરે રાષ્ટ્રનિર્માણમાં પોતાની સહભાગિતા આપવા અનુરોધ કર્યો હતો.
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સમગ્ર મધ્ય ગુજરાત માટે ઉચ્ચ શિક્ષણનું એક મુખ્ય કેન્દ્ર બની રહી છે. આવનારા સમયમાં આ પ્રકલ્પો વિદ્યાર્થીઓને વધુ ઉત્તમ અને આધુનિક શિક્ષણ સુવિધાઓ પ્રદાન કરશે, તેમજ યુનિવર્સિટીનું શૈક્ષણિક સ્તર અને રાષ્ટ્રીય ઓળખ વધારશે, તેવો શ્રી ડીંડોરે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ પોતાના વર્ચ્યુઅલ સંબોધનમાં તમામ શુભકામનાઓ પાઠવી હતી અને જણાવ્યું હતું કે, આ યુનિવર્સિટીમાં દોઢ લાખથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને 315 કોલેજ સંલગ્ન છે. સામાજિક અને આર્થિક સુધારક શ્રી ગોવિંદ ગુરુના નામ પરથી રાખવામાં આવેલી આ યુનિવર્સિટીમાં લોકાર્પિત અને શિલાન્યાસ થયેલા વિકાસ પ્રકલ્પોનો લાભ પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર અને વડોદરા (ગ્રામ્ય) એમ કુલ પાંચ જિલ્લાના વિદ્યાર્થીઓને મળશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
રાજ્યસભાના સાંસદ શ્રી જશવંતસિંહ પરમારે આ કાર્યક્રમને શાળા પ્રવેશોત્સવની માફક આદિજાતિ વિદ્યાર્થીઓ માટે નવા યુગનો પ્રવેશોત્સવ ગણાવ્યો હતો. અને યુનિવર્સિટીમાં વૈશ્વિક કક્ષાની સુવિધાઓ ઉત્તરોત્તર વધતી રહે તેવી શુભકામના પાઠવી હતી. દાહોદના સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોરે રાજ્ય સરકાર દ્વારા આદિજાતિ કલ્યાણ માટે કરવામાં આવતા કાર્યો અને યોજનાઓના અમલીકરણની ઝાંખી આપી હતી. તેમજ આ વિસ્તારને યુનિવર્સિટી મળ્યા બાદ આવેલા હકારાત્મક નિરાકરણોની વિગતે વાત કરી હતી. યુનિવર્સિટીના કુલપતિ શ્રી હરિભાઈ કતારિયાએ સ્વાગત ઉદબોધનમાં કાર્યક્રમની રૂપરેખા આપી હતી. કુલચિવ ડો. અનિલ સોલંકીએ આભારવિધિ કરી હતી.
મહત્વનું છે કે, લોકાર્પિત થયેલા વિકાસ પ્રકલ્પોમાં રૂ. ૧૦ કરોડના ખર્ચે નિર્મિત સેન્ટર ઓફ એક્સેલન્સ, રૂ. ૧૫ કરોડના ખર્ચે બનેલ ઇન્ડોર મલ્ટીપર્પઝ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, રૂ. ૧૨ કરોડના ખર્ચે બનેલ સિન્થેટિક એથ્લેટિક ટ્રેક, ફૂટબોલ અને ક્રિકેટ ગ્રાઉન્ડ, રૂ. ૨ કરોડના ખર્ચે તૈયાર થયેલ કૃત્રિમ તળાવ, મિયાવકી વન કવચનો સમાવેશ થાય છે. આ સાથે જ વિધાનસભા ઉપાધ્યક્ષશ્રીએ રૂ. ૨૩ કરોડના ખર્ચે તૈયાર થનાર હોસ્ટેલ બિલ્ડિંગ તેમજ રૂ. ૩ કરોડના ખર્ચે તૈયાર થનાર એમિનિટી સેન્ટરનું વર્ચ્યુઅલી ભૂમિપૂજન કર્યું હતું.
લોકાર્પણ અને ભૂમિપૂજન સમારોહમાં પંચમહાલના સાંસદશ્રી રાજપાલસિંહ જાદવ, છોટા ઉદેપુરના સાંસદશ્રી જશુભાઈ રાઠવા, વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષી, પંચમહાલના ધારાસભ્યશ્રીઓ સાથે વડોદરા અને મહીસાગરના ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, યુનિવર્સિટીના સત્તાધીશો, જિલ્લા કલેક્ટરશ્રી, પદાધિકારીઓ, અગ્રણીઓ, યુનિવર્સિટીના પ્રાધ્યાપકો સહિત સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.



