કાલોલ તાલુકા કક્ષાના વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત મેદાપુર અને તાલુકા પંચાયત પરિસરમાં વૃક્ષારોપણ કરાયું.

તારીખ ૦૫/૦૬/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સામાજીક વનીકરણ વિભાગ, ગોધરા વિસ્તરણ રેન્જ કાલોલ દ્વારા તાલુકા કક્ષાના વૃક્ષારોપણ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. પર્યાવરણની જાળવણી અને હરિયાળીના સંદેશ સાથે કાલોલ તાલુકાના મેદાપુર ગામે તેમજ કાલોલ તાલુકા પંચાયત કચેરીના પટાંગણના પાછળના ભાગમાં વ્યાપક વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.તાલુકા કક્ષાના આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં કાલોલ તાલુકાના નવનિયુક્ત પ્રમુખ જયપાલસિંહ રાઠોડ, ઉપપ્રમુખ સંજયભાઈ રાઠોડ તેમજ તાલુકા પંચાયતના વિવિધ સમિતિઓના હોદ્દેદારો અને સંગઠનના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વહીવટી તંત્ર તરફથી કાલોલના મામલતદાર વિકાસ પટેલ, તાલુકા વિકાસ અધિકારી આર પી પ્રજાપતી સહિત વન વિભાગના અધિકારીઓ અને સ્ટાફ સક્રિયપણે જોડાયા હતા. મેદાપુર ગામે યોજાયેલા કાર્યક્રમમાં ગામના સરપંચ તથા પંચાયતના સભ્યો અને સ્થાનિક ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લઈ પર્યાવરણ બચાવવાના શપથ લીધા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે, વહીવટી તંત્ર અને આયોજકો દ્વારા આ કાર્યક્રમમાં સ્થાનિક સાંસદ સભ્ય તેમજ ધારાસભ્ય ઉપસ્થિત રહેવાના હોવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. જોકે, કોઈ કારણોસર બંને જનપ્રતિનિધિઓ કાર્યક્રમમાં હાજર રહી શક્યા નહોતા, જે સ્થાનિક સ્તરે અને કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આમ છતાં, સ્થાનિક પદાધિકારીઓ અને અધિકારીઓની હાજરીમાં વૃક્ષારોપણનો આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.







