KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલના બોરૂ ગામે પાળેલા કૂતરા મુદ્દે બબાલ: બે જૂથો વચ્ચે મારામારી, સામસામી ફરિયાદ નોંધાઈ.

 

તારીખ ૨૧/૦૭/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના બોરૂ (બોરૂની મુવાડી) ગામે પાળેલા કૂતરા અને રસ્તામાં ટ્રેક્ટર મૂકવા જેવી બાબતે બે પાડોશી પક્ષો વચ્ચે ગાળાગાળી અને મારામારીનો બનાવ બન્યો છે. આ ઘટના સંદર્ભે કાલોલ પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષો દ્વારા સામસામી ફરિયાદો નોંધાવવામાં આવી છે

ફરિયાદી લક્ષ્મીબેન રાજેશભાઈ સોલંકી ના જણાવ્યા અનુસાર, ૧૯ જુલાઈ ૨૦૨૬ના રોજ સવારે ૧૧:૩૦ વાગ્યે તેઓ પોતાની પાળેલી કૂતરી લઈને બહાર નીકળ્યા હતા. તે વખતે સામા પક્ષના ધર્મિષ્ઠાબેન પ્રતાપસિંહ સોલંકીએ પોતાના કૂતરાઓને તેમની કૂતરી પાછળ દોડાવ્યા હતા. આ બાબતે બોલાચાલી થતાં સામા પક્ષ તરફથી ગાળાગાળી કરવામાં આવી હતી અને પ્રતાપસિંહ સોલંકી પાવડો લઈને મારવા દોડ્યા હતા.

ત્યારબાદ તે જ રાત્રે ૧૧:૦૦ વાગ્યાની આસપાસ પ્રતાપસિંહ સોલંકીએ ઘર બહાર આવી ગાળો બોલવાનું શરૂ કર્યું હતું. લક્ષ્મીબેનના પતિ અને સસરા ટ્રેક્ટર લઈને આવતાં ગાળો બોલવાની ના પાડતાં આરોપીઓ (પ્રતાપસિંહ સોલંકી, મનોજભાઈ સોલંકી અને પ્રેમકુમાર સોલંકી) ઉશ્કેરાઈ ગયા હતા અને ગડદાપાટુનો માર માર્યો હતો. આ ઉપરાંત પ્રતાપસિંહે પોતાનું ટ્રેક્ટર તેમના ટ્રેક્ટરમાં અથડાવી દેતાં ટ્રોલી વાગવાથી લક્ષ્મીબેનને ઈજા પહોંચી હતી.આ મામલે કાલોલ પોલીસે લક્ષ્મીબેનની ફરિયાદ પરથી ૫ આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે.

સામા પક્ષે ધર્મિષ્ઠાબેન પ્રતાપસિંહ સોલંકી (ઉં.વ. ૩૩) એ પણ પલટવાર કરતાં ફરિયાદ નોંધાવી છે. તેમના જણાવ્યા મુજબ, ૧૯ જુલાઈના રોજ સવારે લક્ષ્મીબેન પોતાની કૂતરી લઈને નીકળ્યા ત્યારે રખડતા કૂતરા તેમની પાછળ દોડતાં લક્ષ્મીબેને અચાનક તેમની સાથે બોલાચાલી કરી ગાળો આપી હતી.ત્યારબાદ રાત્રે ૧૧:૦૦ વાગ્યાના સુમારે લક્ષ્મીબેનના સસરા જશવંતસિંહ સોલંકીએ તેમના ઘર તરફ જવાના રસ્તામાં ટ્રેક્ટર આડું મૂકી દીધું હતું. ધર્મિષ્ઠાબેન અને તેમના પતિ પ્રતાપસિંહે ટ્રેક્ટર ખસેડવાનું કહેતાં જશવંતસિંહ, નરેશભાઈ, સંગીતાબેન અને ભાવીનભાઈ સહિતના લોકોએ ઉશ્કેરાઈને પ્રતાપસિંહને ગડદાપાટુનો ઢોર માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ધર્મિષ્ઠાબેનની ફરિયાદના આધારે કાલોલ પોલીસે ૮ સામાવાળા વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.કાલોલ પોલીસ સ્ટેશન દ્વારા બંને પક્ષોની ફરિયાદ નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!