Rajkot: રાજકોટ જિલ્લામાં નાગરિક પુરવઠા અને પ્રધાનમંત્રી પોષણ યોજનાની કામગીરીની સમીક્ષા કરતા કલેક્ટરશ્રી ડૉ. ઓમ પ્રકાશ

તા.૧૮/૭/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
શહેર, જિલ્લામાં રાશનકાર્ડ ઈ.કે.વાય.સી.ની કામગીરી ૯૮.૧૫ ટકા પૂર્ણ
સી.એસ.આર. હેઠળ પોષણની કામગીરી વધુ સુદ્રઢ બનાવવા જિલ્લા કલેકટરશ્રી દ્વારા માર્ગદર્શન અપાયું
Rajkot: રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને રાજકોટ શહેર – જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ તેમજ પ્રધાનમંત્રી પોષણ યોજનાની જિલ્લાકક્ષાની સ્ટીયરિંગ કમ મોનીટરિંગ કમિટીની બેઠક યોજાઈ હતી.
જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે યોજાયેલી આ બેઠકમાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩, આવશ્યક ચીજવસ્તુઓના જથ્થા, પુરવઠા અને વહેંચણી, ‘વન નેશન, વન રાશન કાર્ડ’ યોજના, વાજબી ભાવની દુકાનોની તપાસ, રાશન કાર્ડ ઈ.કે.વાય.સી., સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી સહિતની બાબતે તાલુકાવાર અહેવાલની સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટરશ્રીએ વાડી વિસ્તાર સુધી રાશનકાર્ડનો લાભ પહોંચાડવા પર ભાર મૂક્યો હતો. આ તકે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી અજય ઝાપડાએ રાશન કાર્ડ ઈ.કે.વાય.સી.ની કામગીરી ૯૮.૧૫ ટકા પૂર્ણ થઈ હોવાનું જણાવ્યું હતું.
આ ઉપરાંત, પી.એમ. પોષણ યોજનાની બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા જણાવાયું હતું કે, બાળકોના સ્વાસ્થ્ય અને સ્વચ્છતાને ધ્યાનમાં રાખતા, ‘સ્વચ્છ હાથ, પોષણ સાથ’ પહેલ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત રસોઈયાઓને હેન્ડ ગ્લવ્ઝ, કેપ, એપ્રન આપવામાં આવશે. આ બેઠકમાં મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના, મધ્યાહન ભોજન યોજના, બાળકો અને શાળાઓની સંખ્યા, સ્કૂલ ન્યુટ્રીશન કિચન ગાર્ડન, નવા ભોજનશેડ બાંધકામ અને અંદાજીત બજેટ, દાતાઓના સહયોગથી મંજૂર થયેલા ડાઇનિંગ ટેબલ, કિચન-કમ-સ્ટોર નવા બનાવવા અને રીપેરિંગ, અધિકારીઓની રૂબરૂ મુલાકાત અને તપાસણી, તાલુકાકક્ષાએ તિથી ભોજન અને લોકભાગીદારી વિશે ચર્ચા કરવામાં આવી હતી. આ તકે કલેક્ટરશ્રીએ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સબિલિટી હેઠળ ખાનગી કંપનીઓના સહયોગથી પોષણની કામગીરી વધુ સુદ્રઢ બનાવવા માર્ગદર્શન આપ્યું હતું.
આ તકે ધારાસભ્યો શ્રી ડૉ. દર્શિતાબેન શાહ અને શ્રી રમેશભાઈ ટીલાળા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સંજયભાઈ પીપળીયા, પૂર્વ સાંસદ શ્રી રમાબેન માવાણી, અગ્રણીઓ શ્રી મનોજભાઈ રાઠોડ અને શ્રી રાજુભાઈ ઝૂંઝા, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી શ્રી આર. આર. ફૂલમાળી, જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી જનકસિંહ ગોહિલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી દિક્ષિતભાઈ પટેલ સહિત સંબંધિત અધિકારીઓ – કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.



