Dhoraji: “સૂર્યઊર્જાથી ઝળહળશે ધોરાજીનું સુપેડી ગામ” રાજકોટ જિલ્લાના સુપેડીને “મોડેલ સોલાર વિલેજ” તરીકે વિકસાવવા તૈયાર કરાયેલ ડીપીઆરને સર્વાનુમતે મંજૂરી

તા.૧૮/૭/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
૧૯ જાહેર સંસ્થાઓ પર ૧૫૧.૨ કિલોવોટ ક્ષમતાના ગ્રીડ-કનેક્ટેડ રૂફટોપ સોલાર પ્લાન્ટ સ્થાપિત કરાશે
સુપેડી ગામ આગામી સમયમાં સમગ્ર રાજકોટ જિલ્લા માટે સ્વચ્છ ઊર્જાનું પ્રેરણાદાયી મોડેલ બનશે : રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી ડો. ઓમ પ્રકાશ
યોજનાના અમલીકરણ બાદ દર વર્ષે અંદાજે ૨.૨૬ લાખ યુનિટ સ્વચ્છ વીજળીનું થશે ઉત્પાદન : આશરે ૧૬૨ ટન કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનમાં ઘટાડો થશે
Rajkot, Dhoraji: ભારત સરકારના નવી અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય (MNRE) દ્વારા અમલમાં મૂકવામાં આવેલી “પ્રધાનમંત્રી સૂર્ય ઘર: મફત વીજળી યોજના” અંતર્ગત રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામને “મોડેલ સોલાર વિલેજ” તરીકે વિકસાવવામાં આવશે.
આ પ્રોજેક્ટ માટે તૈયાર કરવામાં આવેલા ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટને આજે જિલ્લા કલેક્ટર શ્રી ડૉ. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને યોજાયેલી જિલ્લા સ્તરીય સમિતિની બેઠકમાં સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી.
બેઠક દરમિયાન રાજકોટ ગ્રામ્ય વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર શ્રી જતીન બી. ઉપાધ્યાય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ DPR પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા મોડેલ સોલાર વિલેજ અમલીકરણ એજન્સી તરીકે તૈયાર કરવામાં આવ્યો છે. જિલ્લા સ્તરીય સમિતિની મંજૂરી બાદ હવે આ રિપોર્ટને ભારત સરકારના નવી અને નવીનીકરણ ઊર્જા મંત્રાલય સમક્ષ અંતિમ મંજૂરી તથા કેન્દ્રીય નાણાકીય સહાય મેળવવા માટે મોકલવામાં આવશે.
પ્રસ્તાવિત યોજના અમલમાં આવ્યા બાદ સુપેડી ગામને શું ફાયદો થશે?
ગ્રામ પંચાયત, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, શાળાઓ, આંગણવાડી કેન્દ્રો, સમુદાય ભવન અને પાણી પુરવઠા સહિત કુલ ૧૯ જાહેર સંસ્થાઓ પર ૧૫૧.૨ કિલોવોટ ક્ષમતાના ગ્રીડ-કનેક્ટેડ રૂફટોપ સોલાર પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે.
આ યોજનાના અમલીકરણ બાદ દર વર્ષે અંદાજે ૨.૨૬ લાખ યુનિટ સ્વચ્છ વીજળીનું ઉત્પાદન થશે.
આશરે ૧૬૨ ટન કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનમાં ઘટાડો થશે.
ગામના આશરે ૧૭૮૦ પરિવારોને પરોક્ષ રીતે આ યોજનાનો લાભ મળશે.
આ અંગે જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, આ યોજના ગ્રામ્ય વિસ્તારોને ઊર્જા આત્મનિર્ભર, પર્યાવરણપ્રેમી અને ટકાઉ વિકાસ તરફ આગળ વધારવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ છે. સુપેડી ગામ આગામી સમયમાં સમગ્ર રાજકોટ જિલ્લા માટે સ્વચ્છ ઊર્જાનું પ્રેરણાદાયી મોડેલ બનશે.
જિલ્લા કલેક્ટરશ્રીએ તમામ સંબંધિત વિભાગો, પીજીવીસીએલ તથા ગ્રામ પંચાયતને પરસ્પર સંકલન સાધીને આ પ્રોજેક્ટનું ગુણવત્તાસભર અને સમયબદ્ધ અમલીકરણ સુનિશ્ચિત કરવા જરૂરી સૂચનાઓ આપી હતી.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, જિલ્લા સ્તરીય સમિતિના સભ્યો, લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર, પીજીવીસીએલના અધિકારીઓ તથા વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


