Rajkot: ૦૨ સપ્ટેમ્બર વિશ્વ નાળિયેર દિવસઃ પ્રકૃતિના અમૂલ્ય વરદાન સમાન નાળીયેરની મહત્તાને સમજવાનો અવસર

તા.૧/૯/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
આલેખન – કેતન સારેસા
પાણી, કાચલી અને છાલ : નાળિયેરનો દરેક ભાગ ઉપયોગી
નાળિયેર પાણીને એનર્જી બૂસ્ટર અને વેઇટ લોસનો સાથી ગણાવી શકાય
ડાયેટિશિયન શ્રી અંકિતાબેન રાવલ
Rajkot: દર વર્ષે ૨ સપ્ટેમ્બરના રોજ વિશ્વભરમાં ‘વિશ્વ નાળિયેર દિવસ’ ઉત્સાહપૂર્વક ઉજવાય છે. ભારતીય સંસ્કૃતિ નાળિયેરને માત્ર એક સાધારણ ફળ નહીં, પરંતુ પવિત્ર ‘શ્રીફળ’ અને તેના વૃક્ષને ‘કલ્પવૃક્ષ’ ગણવામાં આવ્યું છે; કારણ કે માનવજીવન માટે ઉપયોગી છે. માંગલિક કાર્યોથી લઈને સ્વાદ અને સ્વાસ્થ્ય સુધી નાળિયેર આપણી જીવનશૈલી સાથે જોડાયેલું છે. પ્રકૃતિની આ ભેટ માત્ર તરસ છીપાવવા પૂરતી સીમિત નથી, પરંતુ તંદુરસ્તી અને આજીવિકા બંને માટે આધારરૂપ છે.

એક વૃક્ષમાંથી બનતી અગણિત રોજિંદી વસ્તુઓ :
નાળિયેરના વૃક્ષની સૌથી મોટી વિશેષતા એ છે કે તેનો કોઈપણ ભાગ બિનઉપયોગી નથી. તેના મીઠા પાણી અને પૌષ્ટિક મલાઈમાંથી તાજા પીણાં, શેક, આઈસ્ક્રીમ, મીઠાઈ અને રસોઈમાં વપરાતો પાવડર બને છે. સૂકા કોપરામાંથી નીકળતું શુદ્ધ તેલ રસોઈ ઉપરાંત આયુર્વેદિક દવાઓ, સાબુ અને શેમ્પૂ બનાવવામાં વપરાય છે. નાળિયેરની કાચલીમાંથી ટકાઉ વાટકા, કપ, ચમચી, કલાત્મક ગૃહસુશોભનની વસ્તુઓ તૈયાર થાય છે. જ્યારે તેની બહારની છાલના રેસામાંથી મજબૂત દોરડા, પગલૂછણિયા, ગાદલા અને ખેતી-બાગાયત માટે ઉત્તમ ગણાતું ‘કોકોપીટ’ બનાવવામાં આવે છે. તેનાં પાંદડામાંથી સાવરણી તથા છાપરા તેમજ થડના લાકડામાંથી ટકાઉ ફર્નિચર બને છે.
સિવિલ હોસ્પિટલના ડાયેટિશિયન અંકિતા રાવલ જણાવે છે કે નાળિયેરમાંથી શરીરને જરૂરી સોડિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ પૂરતા પ્રમાણમાં મળી રહે છે. ખાસ કરીને ડેન્ગ્યુ, ઝાડા-ઊલટી કે શરીરમાં પાણી ઘટી જાય (ડીહાઇડ્રેશન થાય) ત્યારે નાળિયેર પાણી તાત્કાલિક ઊર્જા આપે છે. ઉપરાંત, થાઇરોઇડ, હૃદયની તકલીફો, ગર્ભાવસ્થા અને સ્તનપાન કરાવતી માતાઓ માટે પણ ટોપરું અને નાળિયેર પાણી પોષણની દ્રષ્ટિએ ખૂબ ફાયદાકારક છે. જો કે, ક્યા દર્દીને કયો ખોરાક કેટલી માત્રામાં આપવો તે, ડાયેટિશિયન દર્દીના રિપોર્ટ્સ જોઈને જ નક્કી કરી શકાય છે; જેમ કે, કિડની કે ડાયાલિસિસના દર્દીઓને વધુ પડતા પોટેશિયમને કારણે નાળિયેર પાણી પીવાનું ટાળવાની સલાહ અપાય છે અને ડાયાબિટીસના દર્દીઓમાં શુગર લેવલ મુજબ જ તેનું પ્રમાણ નક્કી થાય છે.”
તેમણે મેદસ્વિતા ઘટાડવા અંગે જણાવ્યું હતું કે “વજન ઘટાડવા માટે માત્ર ડાયેટિંગ પૂરતું નથી, પરંતુ યોગ્ય આહાર અને કસરત બંનેનું સંતુલન જરૂરી છે. યોગ્ય ડાયેટથી બોડી ફેટ ઘટે છે અને દરરોજ ૪૦થી ૪૫ મિનિટની કસરત કે વૉકિંગ કરવાથી વજન ઘટે છે. ૨૦૦ મિલી નાળિયેર પાણીમાંથી માત્ર ૪૮ કેલરી મળે છે, જે વજન ઘટાડવાની પ્રક્રિયા દરમિયાન શરીરની ઊર્જા જાળવી રાખે છે. જો આહારમાં કાર્બોહાઇડ્રેટ્સ અને શુગર પર નિયંત્રણ રાખી, પૂરતા પ્રવાહી સાથે નિયમિત કસરત કરવામાં આવે, તો એક મહિનામાં સરળતાથી ૪ થી ૫ કિલો વજન ઘટાડી શકાય છે.”
ઉલ્લેખનીય છે કે ગુજરાતનો વિશાળ સાગર કિનારો નારિયેળીના ઉત્પાદનમાં મહત્વની ભૂમિકા ભજવે છે, ત્યારે સ્વાથ્ય માટે અમૃત સમાન લીલાછમ નાળિયેરનું પાણી માત્ર બીમાર જ નહીં પરંતુ તંદુરસ્ત લોકો માટે પણ શ્રેષ્ઠ ડાયેટ છે.


