Rajkot: ‘વિરાસતથી વિકાસ-૨૦૨૬’ લોકમેળામાં રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરીનો પ્રદર્શન સ્ટોલ ‘વિકસિત ભારત, વિકસિત ગુજરાત’ની ગાથા વર્ણવશે

તા.૧/૯/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
આલેખન – હેમાલી ભટ્ટ
લોકમેળામાં માહિતી કચેરીના સ્ટોલ નં. ડી-૪ ખાતે કઠપૂતળી કલા, કીર્તિ તોરણ, સેલ્ફી પોઈન્ટ અને વીડિયો ડિસ્પ્લે થકી સરકારની સિદ્ધિઓ રજૂ કરાશે
ડિજિટલ ગવર્નન્સ અને કલ્યાણકારી યોજનાઓની ઝાંખી પ્રસ્તુત થશે
માહિતી કચેરીના સ્ટોલ પર રાજકોટના એઈમ્સ, ઈન્ટરનેશનલ એરપોર્ટ અને અટલ સરોવરની વિકાસગાથા ઉજાગર થશે
Rajkot: રાજકોટના’વિરાસતથી વિકાસ-૨૦૨૬’ લોકમેળામાં પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ દ્વારા સ્ટોલ નં. ડી-૪ ખાતે ‘વિકસિત ભારત,વિકસિત ગુજરાત’ની થીમ પર આકર્ષક અને માહિતીસભર પ્રદર્શન સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્ટોલ થકી રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ, નીતિઓ અને સિદ્ધિઓની યશગાથા મુલાકાતીઓ સુધી પહોંચાડવામાં આવશે.
પ્રદર્શન સ્ટોલના ખાતે ભવ્ય ‘કીર્તિ તોરણ’ની પ્રતિકૃતિ ઊભી કરવામાં આવી છે, જે ગુજરાતના અનંત અનાદિ વારસાની અનુભૂતિ કરાવશે. આ સિવાય પ્રદર્શનમાં આકર્ષક બેકલાઇટ વોલ અને વીડિયો ડિસ્પ્લેના માધ્યમથી સરકારની પ્રગતિગાથા વર્ણવવામાં આવશે. મેળો માણવા આવતા નાગરિકો અને યુવાનો પોતાના ફોનમાં યાદગાર ક્ષણો કંડારી શકે તે માટે વિશેષ ‘સેલ્ફી પોઈન્ટ’ પણ તૈયાર કરાયો છે.
આ પ્રદર્શનમાં ‘ડિજિટલ ગવર્નન્સ, ટ્રાન્સપરન્ટ ગવર્નન્સ’ અંતર્ગત ૧૦૦થી વધુ ઓનલાઈન નાગરિક સેવાઓ, ડીબીટી દ્વારા સીધી સહાય અને ‘સ્વાગત’ કાર્યક્રમની ચાર સ્તરીય પારદર્શી ફરિયાદ નિવારણ વ્યવસ્થાની યશગાથા રજૂ કરાશે. આ ઉપરાંત, વૈશ્વિક રોકાણ અને રોજગારી ક્ષેત્રે ‘વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ’, ગિફ્ટ સિટી, ભારતનું પ્રથમ પ્લગ-એન્ડ-પ્લે સ્માર્ટ સિટી ધોલેરા સર અને દેશની પ્રથમ સેમિકન્ડક્ટર પોલિસી જેવી ટેકનોલોજીકલ તથા ઔદ્યોગિક સિદ્ધિઓ સહિતની વિવિધ ક્ષેત્રની ઉપલબ્ધિઓ દર્શાવવામાં આવશે. વિશેષરૂપે રાજકોટના આંગણે આકાર પામેલા એઈમ્સ, હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ અને અટલ સરોવર જેવા પ્રકલ્પો રજૂ કરીને રાજકોટની વિકાસયાત્રા પ્રદર્શિત કરવામાં આવશે, જે લોકમેળાના મુલાકાતીઓ માટે યાદગાર નઝરાણું બની રહેશે. આ સાથે જ રાજ્ય સરકારના માહિતી ખાતામાં નોંધાયેલા અનુભવી કલાકારો દ્વારા લોકમેળા દરમિયાન દરરોજ કઠપૂતળીના બે વિશેષ કાર્યક્રમો રજૂ કરવામાં આવશે, જે બાળકોથી લઈને મોટેરાઓ સુધીના તમામ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.


