મલાવ-2 આંગણવાડીમાં પોષણ સંગમ યોજનાનું પરિણામ: અતિકુપોષિત બાળક થયું સામાન્ય,રાજ્યપાલના હસ્તે મળી પોષણ કીટ.

તારીખ ૨૦/૦૫/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના મલાવ-2 આંગણવાડી કેન્દ્ર ખાતે ICDS વિભાગની “બાળક પોષણ સંગમ યોજના” અંતર્ગત નોંધપાત્ર સફળતા મળી છે. આંગણવાડીના એક બાળકને અતિકુપોષિત કેટેગરીમાંથી બહાર લાવીને સામાન્ય શ્રેણીમાં લાવવામાં સફળતા મળી છે જ્યાં આંગણવાડી કાર્યકર અને હેલ્પરના સતત પ્રયાસો, નિયમિત પોષણયુક્ત આહાર અને વાલીઓના સહયોગથી બાળકના સ્વાસ્થ્યમાં સુધારો થયો છે. બાળકના વજન અને ઊંચાઈમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે ત્યારે આ સિદ્ધિ બદલ બાળક અને તેના પરિવારને તાજેતરમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ના હસ્તે પોષણ કીટ એનાયત કરવામાં આવી હતી. કીટમાં પોષણયુક્ત ખાદ્ય સામગ્રી અને બાળકના વિકાસ માટે જરૂરી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારે આઇસીડીએસ પોગ્રામ ઓફિસર રમીલાબેન ચૌધરી એ જણાવ્યું કે “પોષણ સંગમ યોજના” હેઠળ અતિકુપોષિત અને કુપોષિત બાળકોને ચિન્હિત કરીને તેમને ખાસ ધ્યાન આપવામાં આવે છે. મલાવ-2 આંગણવાડીના આ પરિણામથી અન્ય કેન્દ્રોને પણ પ્રેરણા મળશે.કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લા આઇસીડીએસ શાખા પોગ્રામ ઓફિસર રમીલાબેન ચૌધરી, સીડીપીઓ મેડમ મોનિશાબેન પંચાલ,તથા મુખ્ય સેવિકાબેન સોનલબેન રાઠવા સહિત આંગણવાડી કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.









