સાવલી ભાજપ યુવા પ્રમુખની આત્મહત્યા થી ખળભળાટ: પરિણીતા અને ડેસર પોલીસ કર્મચારીઓ સામે માનસિક ત્રાસનો આક્ષેપ.

તારીખ ૧૪/૦૬/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. કાલોલ તાલુકાની સરહદને અડીને આવેલા ધનતેજ ગામમાં સાવલી તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રફુલસિંહ પર્વતસિંહ સોલંકીએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેતાં સમગ્ર પંથકના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે.
ઘટનાની વિગત અને પરિવારના ગંભીર આક્ષેપ મળતી માહિતી મુજબ, ધનતેજ ગામના નિવૃત ASI પર્વતસિંહ ચંદ્રસિંહ સોલંકીના પુત્ર પ્રફુલસિંહે પોતાના જ ઘરના રૂમમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. પરિવારજનોના જણાવ્યા અનુસાર, પ્રફુલસિંહ છેલ્લા કેટલાક દિવસોથી ભારે માનસિક તણાવ (ડિપ્રેશન) હેઠળ હતા.પરિવારે આ મામલે અત્યંત ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું છે કે:ગામની જ એક પરિણીત મહિલા અને ડેસર પોલીસ મથકના કેટલાક કર્મચારીઓ દ્વારા પ્રફુલસિંહને સતત માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હતો ત્યારે આ અસહ્ય માનસિક પ્રેશર અને ત્રાસથી કંટાળીને જ તેમણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું પરિવારનું સ્પષ્ટ કહેવું છે ત્યારે પોલીસ તપાસ અને ન્યાયની માંગ પરિવારજનો એ કરી છે જ્યાં ઘટનાની જાણ થતાં જ પરિવારજનોએ તાત્કાલિક ડેસર પોલીસને વાકેફ કરી હતી. ડેસર પોલીસે હાલ અકસ્માત મોત (એકિડન્ટલ ડેથ) નો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પરિવારના સનસનીખેજ આક્ષેપોને ધ્યાનમાં રાખીને પોલીસે તમામ પાસાઓ પર ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. બીજી તરફ, પીડિત પરિવારે આ સમગ્ર મામલાની ઉચ્ચસ્તરીય તપાસ કરાવીને જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી ન્યાયની અપીલ કરી છે જ્યાં આજરોજ સવારે ૯:૦૦ વાગ્યે પ્રફુલસિંહ સોલંકીની અંતિમયાત્રા નીકળી હતી, જેમાં સમગ્ર પંથક હિબકે ચડ્યો હતો. સાવલી તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો, યુવા મોરચાના સભ્યો સહિત ધનતેજ અને આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. એક આશાસ્પદ યુવા નેતાને ગુમાવતાં સમગ્ર સાવલી પંથકમાં ગમગીની અને શોકનું મોજું ફરી વળ્યું છે.








