KALOL(Panchamahal)PANCHMAHAL

વેજલપુર પાસે હોટલના પાર્કિંગમાં તસ્કરી: ભોપાલના કોન્ટ્રાક્ટરની કારનો કાચ તોડી ૧ લાખની મત્તાની ચોરી

 

તારીખ ૦૩/૦૪/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

પાવાગઢ દર્શન કરી પરત ફરી રહેલા મધ્યપ્રદેશના ભોપાલના એક સરકારી કોન્ટ્રાક્ટરની કારને નિશાન બનાવી અજાણ્યા શખ્સો રૂ. ૧ લાખથી વધુની રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ જતાં ચકચાર મચી છે. વેજલપુર પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, ભોપાલ ખાતે રહીને સરકારી કોન્ટ્રાક્ટનું કામ કરતા વિનોદપ્રસાદ યાદવ પોતાના મિત્ર અને ડ્રાઈવર સાથે બોલેરો કારમાં પાવાગઢ દર્શન કરવા આવ્યા હતા. દર્શન કરીને પરત ફરતી વખતે રાત્રિના સમયે તેઓ વેજલપુર નજીક આવેલી હોટલ ગ્રાન્ડ એકતા ખાતે જમવા માટે રોકાયા હતા. તેમણે પોતાની કાર હોટલના પાર્કિંગમાં લોક કરીને પાર્ક કરી હતી.

જમીને પરત આવ્યા બાદ વિનોદપ્રસાદે જોયું તો કારની ખાલી સાઈડનો ફિક્સ કાચ તૂટેલી હાલતમાં હતો. કારનો દરવાજો ખોલીને જોતા અંદર સામાન વેરવિખેર પડ્યો હતો. તપાસ કરતા કારની પાછળની સીટ પર રાખેલ મરુન રંગના પાકીટમાંથી રૂ. ૧,૦૦,૦૦૦ રોકડા અને બીજા ખાનામાં રાખેલ અંદાજે રૂ. ૫૦૦ થી ૭૦૦ ની પરચુરણ રકમ ગાયબ હતી. તસ્કરોએ પાકીટની ચેન તોડીને આ રકમની ચોરી કરી હતી.ચોરીની આ ઘટના બાદ હોટલના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા, પરંતુ તેમાં કોઈ ચોક્કસ કડી હાથ લાગી નહોતી. અંતે વિનોદપ્રસાદ યાદવે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ચોરીનો ગુનો દાખલ કર્યો છે અને તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!