બાળકો માટે ચોકલેટ લેવા નીકળેલા શ્રમજીવીની લાશ ખરસાલીયા સ્ટેશન ની આગળ કૂવામાંથી લાશ મળતા ચકચાર.

તારીખ ૦૭/૦૩/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
વેજલપુર નજીક ખરસલિયા રેલવે સ્ટેશન પાસે આવેલ એક કૂવામાંથી 36 વર્ષીય શ્રમજીવી યુવાનનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, મૃતક તા ૦૩/૦૩ ના રોજ બપોરના ૧૩:૩૦ કલાકે પોતાના બાળકો માટે ચોકલેટ લેવા માટે નીકળ્યા હતા, પરંતુ તેઓ પરત ન ફરતા પરિવારજનો ચિંતિત બન્યા હતા.આસપાસ તપાસ કરતા મળી આવ્યા નહોતા. જેઓની લાશ શુક્રવારે બપોરે મળી આવી હતી.મૃતકનું નામ અલકાઈ નનુભાઈ કોન્દર (ઉંમર 36 વર્ષ) છે, જે મૂળ મધ્યપ્રદેશના રાજનગર તાલુકાના ઝમટુલી ગામના વતની હતા અને હાલ જીતપુરા ખરસાલીયા રેલવે સ્ટેશન વિસ્તારમાં રહી મજૂરીકામ કરી ગુજરાન ચલાવતા હતા.ઘટનાની જાણ થતા જ વેજલપુર પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. મૃતદેહને કૂવામાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. પોલીસ મથકે મૃતકના કાકાના દીકરા નોનેલાલ બિરજુભાઈ આદિવાસી દ્વારા જાણ કરવામાં આવતા પોલીસે એ.ડી. (અકસ્માત મોત) નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.હાલમાં પોલીસ આ વ્યક્તિ કૂવામાં કેવી રીતે પડ્યા કે કોઈ અન્ય કારણ છે, તે દિશામાં સઘન તપાસ કરી રહી છે.







