AHAVADANGGUJARAT

નવસારી-ડાંગ NHAI દ્વારા આહવાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગની જાળવણી ન રાખતા,વાહનચાલકોની સુરક્ષા સામે પ્રશ્નાર્થ સર્જાયા.

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં આહવાથી શામગહાનને જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ હાલમાં ભારે વાહનો અને લક્ઝરી બસો માટે એક મોટો પડકાર બની ગયો છે.રાષ્ટ્રીય ધોરીમાર્ગની બન્ને બાજુએ વૃક્ષોની નમેલી ડાળીઓ અને વાંસનાં ઝાડી ઝાંખરા રસ્તા પર આવી ગયા છે,જેના કારણે વાહનવ્યવહારમાં અવરોધ ઊભો થઈ રહ્યો છે.ખાસ કરીને માર્ગનાં વળાંકો પર આ સમસ્યા વધુ ગંભીર બની છે.જેના પગલે સામેથી આવતા વાહનો દેખાતા નથી,જેથી અહી અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઓથોરિટી (NHAI) દ્વારા આ માર્ગની જાળવણી અને દેખરેખમાં સ્પષ્ટ નિષ્ફળતા જોવા મળી રહી છે.આ સમસ્યા ત્યારે વધુ વકરી છે જ્યારે વઘઈથી સાપુતારાને જોડતા સાકરપાતળ ગામ નજીક આવેલા નંદીના ઉતારાનો બ્રિજ ‘ક્રિટિકલ પુઅર કેટેગરી’માં આવતા ડાંગ કલેક્ટરનાં તા. 12 જુલાઈ 2025ના જાહેરનામાથી તેના પર ભારે વાહનોનાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.આ પ્રતિબંધને કારણે, સુરત તરફથી આવતા ઘણા ભારે વાહનો અને લક્ઝરી બસોએ વઘઈથી ડાયવર્ઝન લઈને આહવા થઈને સાપુતારા જવુ પડી રહ્યુ છે.પરિણામે, આહવા-શામગહાન માર્ગ પર અચાનક ભારે વાહનોનો ધીમે ધીમે ધસારો વધ્યો છે.આ વધારાના ભારણને કારણે પહેલાથી જ અવ્યવસ્થિત એવા આ માર્ગની સ્થિતિ વધુ બગડી શકે છે, જ્યા વાંસની ઝાડીઓ અને વૃક્ષોની ડાળીઓ ઠેરઠેર માર્ગ પર લચી પડી છે.જયારથી આ માર્ગ નેશનલ હાઈવે ઓથોરિટીને સોંપવામાં આવેલ છે ત્યારથી નેશનલ હાઇવે ઓથોરિટી વિભાગ દ્વારા આ માર્ગ પર કોઈપણ પ્રકારનું સુપરવિઝન કે દેખરેખ રાખવામાં આવતી નથી.સ્થાનિકોનું કહેવું છે કે NHAIની બેદરકારીને કારણે આ માર્ગ ‘ધનીદોરી વગરનો’ એટલે કે જાળવણી વિનાનો થઈ ગયો છે.જો આ માર્ગ પર સતત ભારે વાહનો દોડતા રહેશે, તો તેમાં કોઈ શંકા નથી કે તેની સ્થિતિ એટલી હદે બગડશે કે તે ‘ચંદ્રભૂમિ’ને પણ શરમાવે તેવો ખાડાટેકરાવાળો બની જશે.વાહનચાલકો અને સ્થાનિક નાગરિકોની સલામતી માટે, NHAI દ્વારા તાત્કાલિક ધોરણે આ માર્ગ પરની અવરોધરૂપ ડાળીઓ અને વાંસને હટાવવા તેમજ માર્ગની યોગ્ય જાળવણી કરવી અત્યંત જરૂરી બન્યુ છે.જેથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગે તેવી લોકમાંગ ઉઠવા પામી છે..

Back to top button
error: Content is protected !!