MORBI:પીએમ આવાસ યોજના થકી દરેક જરૂરિયાતનંદ સુધી પહોંચી પાકી છતની સાથે સામાજિક સધ્ધરતા અને સુરક્ષા

MORBI:પીએમ આવાસ યોજના થકી દરેક જરૂરિયાતનંદ સુધી પહોંચી પાકી છતની સાથે સામાજિક સધ્ધરતા અને સુરક્ષા
સરકારની સહાયથી હવે હું મારું ઘરનું પાકું મકાન બનાવવા જઈ રહ્યો છું”લાભાર્થીશ્રી સબીરભાઈ ખોખર
પ્રધાનમંત્રી આવાસ યોજના થકી અનેક જરૂરિયાત મંદ લોકોના ઘરના ઘરનું સપનું સાકાર બન્યું છે ત્યારે મોરબીમાં આવાસ યોજનાનો લાભ લઈ મોરબીના ખેવારીયા ગામના વતની સબીરભાઈ ખોખરે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.અંત્યોદયથી સર્વોદયના એક આદર્શ ઉદ્દેશ્ય સાથે સરકાર દ્વારા છેવાડાના માનવીને તમામ યોજનાઓ સાથે સાંકળી લેવાના ઘનિષ્ઠ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દેશનો દરેક નાગરિક વિકાસની મુખ્ય ધારામાં આવી આર્થિક તેમજ સામાજિક રીતે સધ્ધર બને તે માટે અનેક યોજનાઓ આજ ઘર ઘરમાં વિકાસના અજવાળા પાથરી રહી છે. તેમાં સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના દરેક ગરીબ પરિવાર માટે આશીર્વાદ બની રહી છે. કાચા મકાનમાં રહેતા અને માંડ પરિવારનું ગુજરાન કરતા દરેક દેશવાસીના આંખમાં સોનેરી સમણું સેવાઈ રહ્યું છે. આ સપનામાં સાર્થકતા ના રંગ ભર્યા છે આવાસ યોજનાએ. જ્યાં દરેક ગામડામાં ઘર ઘર સુધી પહોંચી પાકી છતની સાથે સામાજિક સધ્ધરતા અને સુરક્ષા.મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લઈ સરકાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા સબીરભાઈ ખોખર જણાવે છે કે, મારે પહેલા કાચું મકાન હતું જેના કારણે ચોમાસામાં બહુ તકલીફ પડતી હતી, તાલુકા પંચાયત માંથી મને પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે માહિતી મળતા તે યોજનામાં લાભ મેળવવા માટે મેં અરજી કરી હતી. યોજના નો લાભ મને મળવાપાત્ર હોવાથી થોડા સમયમાં જ અરજી મંજૂર કરી દેવામાં આવી અને વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો. જેના ભાગરૂપે મારા ઘરના બાંધકામ માટે રૂ. ૧,૨૦,૦૦૦ મંજૂર કરવામાં આવ્યા છે જેમાંથી પહેલા હપ્તા પેટે ૩૦,૦૦૦ જમા પણ થઈ ગયા છે. સરકારની સહાયથી હવે હું મારું ઘરનું પાકું મકાન બનાવવા જઈ રહ્યો છું. જરૂરિયાત મંદ માટેની આ ખૂબ સારી યોજના છે જે બદલ હું સરકારનો આભાર માનું છું.






