RAMESH SAVANI
આગલા 5 વરસમાં શું કામ કરશો તે કહો, 2047નું કેસરી ગાજર કેમ દેખાડો છો?
[પાર્ટ-1]
વડાપ્રધાને 15 ઓગસ્ટ 2024ના રોજ, સ્વતંત્રતા દિને, દિલ્હીના લાલ કિલ્લા પરથી 103 મિનિટનું લાંબુ ભાષણ આપ્યું. શું આ ભાષણથી દેશને કોઈ નવી દિશા મળશે ખરી?
વડાપ્રધાન માત્ર બોલે છે કે કંઈ કામ કરે છે? કથની અને કરણી વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં? આ દ્રષ્ટિએ વડાપ્રધાનના આ 11માં ભાષણનું પોસ્ટમોર્ટમ કરવું જરુરી છે. એટલું ચોક્કસ કહી શકાય કે તમને આ ભાષણ ઉત્તમ હાસ્યલેખ જેવું લાગશે ! તો થઈ જાવ તૈયાર ! ગભરાશો નહીં, સંક્ષિપ્તમાં જ જોઈશું.
ભારત માતા કી જય.
મેરે પ્યારે દેશવાસિઓ,
મેરે પરિવારજન !
આઝાદી માટે પોતાનું જીવન સમર્પિત કરનારા, ફાંસીના માંચડે ચડનારા, અસંખ્ય આઝાદીના દીવાનોને નમન કરવાનો આ પર્વ છે. (આઝાદીની લડતમાં RSSના નેતાઓએ ભાગ લીધો ન હતો, તેનો અફસોસ વ્યક્ત કર્યો હોત તો મેરે પ્યારે દેશવાસિઓ’ શબ્દમાં વજન ઉમેરાત ! મોદીજી કંઈક ભૂલ થાય છે; આઝાદી તો 2014માં મળી હતી તેમ તમારા જ સંસદસભ્ય કંગના રનૌત કહે છે, એને માઠું નહીં લાગે? અંધભક્તો પોતાનું માથું દિવાલ સાથે નહીં અથડાવે?)
મેરે પ્યારે દેશવાસીઓ,
આપણા કિસાનો/ જવાનો/ આપણી માતા-બહેનો/ દલિત, પીડિત, શોષિત, વંચિતોની સ્વતંત્રતા પ્રત્યે નિષ્ઠા, લોકતંત્ર પ્રત્યે એમની શ્રદ્ધા; પૂરા વિશ્વ માટે એક પ્રેરક ઘટના છે. આજે હું એ સૌને આદરપૂર્વક નમન કરું છું. (લોકોને સ્વતંત્રતા પ્રત્યે નિષ્ઠા છે, લોકતંત્ર પ્રત્યે શ્રદ્ધા છે; પરંતુ સાહેબ તમે તો પત્રકારોને/ એક્ટિવિસ્ટોને ખોટા કેસમાં જેલમાં પૂરો છો. લોકતંત્રના આધારસ્તંભ સમાન મીડિયાને તમે ચાપલૂસ બનાવી મૂક્યું છે. તમે તો વિપક્ષમુક્ત ભારત ઈચ્છો છો ! સુપ્રિમકોર્ટના જજોને પ્રેસ કોન્ફરન્સ કરી લોકોને લોકશાહી બચાવવાની અપીલ કરવી પડે તે ઘટના શરમજનક કહેવાય કે નહીં? દલિતો/ આદિવાસીઓ/ ગરીબ-વંચિતોના માનવ અધિકાર માટે કામ કરતી એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ સંસ્થાને દેશમાંથી કેમ કાઢી મૂકી? કાળાનાણાથી વિપક્ષના MLAની ખરીદી કરી વિપક્ષની રાજ્ય સરકારો ગબડાવો છો તેને લોકતંત્રની હત્યા કહી શકાય કે નહીં?)
પ્યારે દેશવાસિઓ, આ વરસે અને પાછલા કેટલાંક વરસોમાં કુદરતી આફતોમાં અનેક લોકોએ પરિવારજન ખોયા છે. સંપત્તિ ગુમાવી છે. હું આજે તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. હું તેમને વિશ્વાસ અપાવું છું કે આ દેશ આ સંકટના સમયે એ બધાંની સાથે છે. (PM CARES Fundમાંથી મદદ કરી હોય તો તેનો હિસાબ દેશવાસિઓને કેમ આપતા નથી? આવો વિશ્વાસ તો તમે નોટબંધી વેળાએ આપ્યો હતો, શું કાળુ નાણું ખતમ થયું? 10 વરસ પૂરા થયા છતાં વિદેશમાંથી કાળું નાણું લાવવાનો સમય ન મળ્યો?)
મેરે પ્યારે દેશવાસિઓ, આઝાદી પહેલાના દિવસો યાદ કરીએ. સેંકડો સાલની ગુલામીમાં દરેક કાળખંડ સંઘર્ષનો રહ્યો. યુવાનો/ બુજુર્ગ/ કિસાન/ મહિલા/ આદિવાસી ગુલામી સામે લડતા રહ્યા.(વળી તમે કંગના રનૌતના ઐતિહાસિક જ્ઞાનનું અપમાન કર્યુ?)
સાથિઓ, જુલ્મી શાસક/ અપરંપાર યાતનાઓ/ સામાન્યથી સામાન્ય માણસોનો વિશ્વાસ તોડવાની દરેક તરકીબ, છતાં એ વખતે 40 કરોડની વસ્તીએ જે જુસ્સો દેખાડ્યો, સામર્થ્ય દેખાડ્યું, એક સપનું લઈને ચાલ્યા…40 કરોડ લોકોએ દુનિયાની મહાસત્તાને ઉખાડીને ફેંકી દીધી ! આપણને ગર્વ છે કે આપણી રગોમાં એમનું લોહી વહે છે. જો 40 કરોડ લોકો ગુલામીની બેડી તોડી શકે તો 140 કરોડ દેશના મેરે નાગરિક, મેરે પરિવારજન સંકલ્પ લઈને ચાલી નિકળે, કદમથી કદમ મેળવી, ખંભાથી ખંભો મેળવીને ચાલી નિકળે તો પડકારો ગમે તેટલા હોય, અભાવની માત્રા ગમે તેટલી તીવ્ર હોય, આપણે સમૃદ્ધ ભારત બનાવી શકીએ. 2047 સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકીએ. (સાહેબ, પહેલા નક્કી કરો કે આપ સાચા છો કે કંગના રનૌત? જો આઝાદી ભીખમાં મળી હોય અને અસલી આઝાદી 2014માં જ મળી હોય તો આ પિષ્ટપિંજણ કેમ કરો છો? છેલ્લા 10 વરસમાં દેશની આર્થિક બેહાલી કરવામાં કંઈ બાકી રાખ્યું નથી. ડોલરના મુકાબલે રુપિયો સતત ગગડતો જાય છે. ગરીબો વધુ ગરીબ બન્યા છે. આગલા 5 વરસમાં શું કામ કરશો તે કહો, 2047નું કેસરી ગાજર કેમ દેખાડો છો?)
સાથિઓ, જો 40 કરોડ દેશવાસિઓ પોતાના પુરુષાર્થથી/ સમર્પણથી/ ત્યાગથી/ બલિદાનથી આઝાદી અપાવી શકે તો 140 કરોડ દેશવાસી, એ ભાવથી સમૃદ્ધ ભારત પણ બનાવી શકે છે. (સાહેબ, લોકો તો પુરુષાર્થ/ સમર્પણ/ ત્યાગ/ બલિદાન આપશે જ, પણ આપે કોઈ જવાબદારી નિભાવવાની હેય છે કે નહીં? માત્ર ધાણીફૂટ ભાષણો જ કરવાના છે?)
સાથીઓ, જો દેશ માટે મરવાની પ્રતિબદ્ધતા આઝાદી અપાવી શકે તો દેશ માટે જીવવાની પ્રતિબદ્ધતા સમૃદ્ધ ભારત પણ બનાવી શકે છે. (સાહેબ, ખૂબ સરસ સંવાદ આપ બોલી શકો છો, પરંતુ ભૂખ્યા પેટે આપના અમૃત વચનો અમને દંભી/ નાટકીયા લાગે છે !)rs