GUJARATKUTCHMANDAVI

ગણેશોત્‍સવની ઉજવણીમાં પીઓપી મૂર્તિઓના તળાવો, નદીઓમાં વિસર્જન પર પ્રતિબંધ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી ,તા-૨૬ ઓગસ્ટ  : તા.૨૭/૦૮/૨૦૨૫ થી તા.૦૬/૦૯/૨૦૨૫ સુધી ગણેશોત્સવની ઉજવણી થનાર છે. આ તહેવારની ઉજવણી દરમિયાન જુદા જુદા વિસ્તારોમાં ગણેશ ઉત્સવ મંડળીઓ દ્વારા ગણેશજીની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે છે અને શોભાયાત્રા કાઢવામાં આવે છે. દર વર્ષે ગણેશોત્સવનો તહેવાર ખૂબ ઉત્સાહ અને ધામધૂમપૂર્વક મનાવવામાં આવે છે. ચાલુ વર્ષે તા.૨૭/૦૮/૨૦૨૫થી ભગવાનશ્રી ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવશે તથા તા.૦૬/૦૯/૨૦૨૫ સુધીમાં આ પ્રતિમાઓનું વિસર્જન થનાર છે. આ મહોત્સવ દરમિયાન કચ્છ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તથા મૂર્તિ બનાવવા માટે કેમિકલયુક્ત રંગોના ઉપયોગ થતા હોય આવી મૂર્તિઓને નદી તથા તળાવના પાણીમાં વિસર્જન કરવાથી પાણીમાં રહેતા પાણીજન્ય જીવો, માછલી તેમજ મનુષ્યને પણ નુકશાન થતું હોઈ જેથી પાણી તથા પર્યાવરણમાં થતા પ્રદૂષણને અટકાવવા કેન્દ્રીય પ્રદુષણ બોર્ડ દ્વારા આપવામાં આવેલ ગાઇડલાઇન મુજબ તેમજ સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ વખતો-વખતના ઠરાવો અને નામદાર સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા મુર્તિઓના વિસર્જન અંગે આપવામાં આવેલી ગાઇડ લાઇનની ચુસ્તપણે અમલવારી કરવાની થાય છે. જેથી આ બાબતે જરૂરી પ્રતિબંધ મુકવા દરખાસ્ત રજુ થયેલ છે. જે ધ્યાને લેતા જરૂરી હુકમો કરવો જરૂરી જણાય છે.કચ્છ-ભુજ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ડી.પી.ચૌહાણે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩થી સમગ્ર કચ્છ જિલ્લાની હદમાં આવેલ દરેક સંસ્થા/મહોલ્લાના વ્યવસ્થાપકોએ તા.૨૭/૦૮/૨૦૨૫ થી તા.૦૬/૦૯/૨૦૨૫ (બન્ને દિવસો સહિત) સુધી આ જાહેરનામાનો ચુસ્તપણે અમલવારી કરવા જણાવાયું છે.સમગ્ર કચ્છ જિલ્લામાં પરંપરાગત કુદરતી/પ્રાકૃતિક માટી તેમજ બાયોડિગ્રેબલ, ઇકો ફ્રેન્ડલી અને ટોક્ષિક ન હોય તેવા કાચા માલમાંથી મૂર્તિઓ બનાવવાની રહેશે. પ્લાસ્ટર ઓફ પેરિસ (POP), પ્લાસ્ટીક, થર્મોકોલ, પોલીસ્ટાયરીનમાંથી બનેલ મૂર્તિઓ પર સંપૂર્ણપણે પ્રતિબંધ રહેશે. મૂર્તિની ઉંચાઇ બાબતે સંબંધિત સ્થાનિક સ્વરાજની સંસ્થાના સક્ષમ સતાધિકારીએ નદીઓ/તળાવો/જળાશયો (વોટરબોડી) ઘ્યાને લઈ ધારાધોરણ નક્કી કરવાના રહેશે. જળાશયોમાં પ્રદૂષણ અટકાવવા માટે મૂર્તિઓ કે તેના આભુષણો બનાવવા માટે માત્ર સૂકા ફૂલોનો, ઘાસ વગેરે અને વૃક્ષોના કુદરતી રેઝિનનો ઉપયોગ મૂર્તિઓને આકર્ષક બનાવવા માટે કરવાનો રહેશે તેમજ મૂર્તિઓ, પંડાલ કે શણગારમાં સિંગલ યુઝ પ્લાસ્ટીક અને થર્મોકોલ મટીરીયલ્સનો ઉપયોગ સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે. મૂર્તિઓને રંગવા માટે ઈકોફ્રેન્ડલી, બાયો ડિગ્રેડેબલ, નોન-ટોક્ષિક અને પાણી આધારીત કુદરતી ડાઇ/રંગોનો ઉપયોગ કરવાનો રહેશે. જ્યારે ટોક્ષીક, નોન-બાયોડિગ્રેડેબલ, રાસાયણિક ડાઈ/રંગો તથા ઈનેમલ અને સિન્થેટિક ડાઈ આધારિત રંગોના ઉપયોગ પર સંપૂર્ણપણે પ્રતિબંધ રહેશે. મૂર્તિઓના બ્યૂટિફિકેશન માટે પેઇન્ટ અને અન્ય ઝેરી રસાયણો તથા અન્ય સામગ્રીની જગ્યાએ માત્ર કુદરતી સામગ્રી અને રંગોથી બનાવેલા દૂર કરી શકાય તેવા અને ધોવા યોગ્ય સુશોભન કપડાંનો ઉપયોગ કરવાનો રહેશે. છોડમાંથી માત્ર કુદરતી રીતે બનતા રંગો (ફૂલો, છાલ, પુંકેસર, પાંદડા, મૂળ, બીજ, આખા ફળો) અથવા રંગીન ખડકોનો ઉપયોગ રંગ માટે કરવાનો રહેશે. મૂર્તિઓના વિસર્જન પહેલા મૂર્તિઓના તમામ ફૂલો, પાંદડાઓ અને કૃત્રિમ આભૂષણો દૂર કરવાના રહેશે અને માત્ર આવી મૂર્તિઓને પુરતી સલામતી સાથે નિયુક્ત જગ્યાએ વિસર્જિત કરવાની રહેશે, વિસર્જન સમયે મૂર્તિઓ નદીઓ,તળાવનાં કિનારે રાખવી નહીં. નદી કે તળાવમાં પધરાવવી નહીં તેમજ કૃત્રિમ તળાવો બનાવ્યા સિવાય વિસર્જન કરવું નહીં શકય હોય ત્યાં સુધી નાની મૂર્તિઓનું વિસર્જન ઘરે ઘરે ઈકો ફ્રેન્ડલી રીતે કરવાનું રહેશે એટલે કે,પાણીથી ભરેલી ડોલમાં અને મૂર્તિ સંપૂર્ણ રીતે ઓગળી ન જાય ત્યાં સુધી તેને વિસર્જનની સ્થિતિમાં રાખવાની રહેશે મૂર્તિઓની બનાવટમાં અન્ય ધર્મના લોકોની લાગણીઓ દુભાય તેવા ચિન્હો/નિશાનીઓ રાખવી નહીં. ગણેશજીની મૂર્તિઓના સ્થાપના દિવસ બાદ મૂર્તિકારોએ વેચાણ ન થયેલી તથા બનાવટ દરમિયાન ખંડિત થયેલ મૂતિઓને બિનવારસી હાલતમાં મૂકવી નહીં. મૂર્તિકારો જે જગ્યાએ મૂર્તિઓ બનાવવાની કામગીરી કરે છે તે જગ્યા તથા વેચાણ માટે રાખે છે તે જગ્યાની આજુબાજુ તથા નજીકમાં કોઇપણ પ્રકારની ગંદકી કરવા કે કોઇપણ પ્રકારની મૂર્તિ રોડ ઉપર જાહેરમાં ટ્રાફિકમાં અડચણરુપ થાય તે રીતે ખુલ્લી રાખવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. કચ્છ જિલ્લા બહારથી મૂર્તિઓ લાવી વહેંચનાર મૂર્તિકારો/વેપારીઓને પણ આ સૂચનાઓ લાગુ પડશે. વિસર્જન સરઘસ માટેની પરવાનગીમાં દર્શાવેલ રૂટ સિવાય અન્ય રૂટ ઉપર શોભાયાત્રા કાઢવી નહીં.આ હુકમના કોઇપણ ખંડ કે ભાગનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે.આ હુકમ સમગ્ર કચ્છ જિલ્લાના વિસ્તાર માટે લાગુ પડશે. આ જાહેરનામું તા.૨૭/૦૮/૨૦૨૫થી તા.૦૬/૦૯/૨૦૨૫ સુધી અમલમાં રહેશે.

Back to top button
error: Content is protected !!