GODHARAGUJARATPANCHMAHAL

પંચમહાલ જિલ્લામાં સિવિલ ડિફેન્સ સ્વયંસેવકોની નિમણૂંક કરાશે

રસ ધરાવતા વ્યક્તિઓ તા.૨૨ મે થી તા.૨૫ મે ના રોજ સવારે ૧૦-૦૦ કલાકે સબંધિત તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ ઉપસ્થિત રહી નોંધણી કરાવી શકશે

 

*પંચમહાલ  ગોધરા*

નિલેશભાઈ દરજી શહેરા

પંચમહાલ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે હાલની પરિસ્થિતિને ધ્યાને લઈને જિલ્લામાં માનવસર્જિત તથા કુદરતી આપત્તિના સમયે બચાવ તથા રાહતની તેમજ રાષ્ટ્રસુરક્ષાની કામગીરી કરવા માટે તમામ તાલુકાઓ ખાતે સિવિલ ડિફેન્સ સ્વયંસેવકોની નિમણૂંક કરવામાં આવનાર છે.

આ માટે આગામી તા.૨૨ મે થી તા.૨૫ મે ના રોજ સવારે ૧૦-૦૦ કલાકથી સાંજના ૧૮-૦૦ કલાક સુધી પંચમહાલ જિલ્લાના સબંધિત તાલુકા મથકના પોલીસ સ્ટેશન ખાતે સ્વયંસેવકોની નિમણૂંકની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

જે અન્વયે ગોધરા તાલુકા માટે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે, કાલોલ તાલુકા માટે કાલોલ પોલીસ સ્ટેશન ખાતે, હાલોલ તાલુકા માટે હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે, ઘોઘંબા તાલુકા માટે રાજગઢ પોલીસ સ્ટેશન ખાતે, જાંબુઘોડા તાલુકા માટે જાંબુઘોડા પોલીસ સ્ટેશન, શહેરા તાલુકા માટે શહેરા પોલીસ સ્ટેશન ખાતે અને મોરવા (હડફ) તાલુકા માટે મોરવા (હડફ) પોલીસ સ્ટેશન ખાતે સવારે ૧૦-૦૦ કલાકે સ્વયંસેવકોની નિમણૂંકની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. જેમાં રસ ધરાવતા (સ્ત્રી/પુરૂષ) વ્યક્તિઓને તેમનું આધારકાર્ડ, ચુંટણી કાર્ડ, રેશનકાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, શાળા છોડયાનું પ્રમાણપત્ર, લાઈટ બિલ/ મિલકત વેરા પૈકી કોઈ પણ બે પુરાવા અને પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે સબંધિત સ્થળે હાજર રહેવા જણાવાયું છે.

સિવિલ ડિફેન્સ સ્વયંસેવક તરીકે નિમણૂંક મેળવવા ઈચ્છતા વ્યક્તિઓની ઉંમર ૧૮ વર્ષથી વધુ હોવી જોઈએ અને લાયકાત ઓછામાં ઓછું ધોરણ ૦૪ પાસ હોવા જોઈએ. ઈચ્છુક વ્યક્તિઓ નિરોગી, તંદુરસ્ત અને ભારતીય નાગરિકતા ધરાવતા હોવા જોઈએ. જેમાં માજી સૈનિકો, પોલિસમિત્ર, એનએસએસ, એનસીસી, વોલેન્ટિયર, સ્થાનિક તરવૈયાઓ, આપદા મિત્રો, ખાનગી સુરક્ષા, એજન્સીના કર્મચારીઓ, એન.જી.ઓ અને વિદ્યાર્થીઓ સ્વયંસેવકો તરીકે નોંધણી કરાવી શકે છે. આ પ્રક્રિયામાં NSS, NCC, NYKS, Ex.Army, પ્રાઇવેટ/ખાનગી સિક્યોરિટીને પ્રાથમિકતા આપવામાં આવશે.

પંચમહાલ જિલ્લામાં નિમણૂક પામનાર આ સિવિલ ડિફેન્સ સ્વયંસેવકોએ આપાતકાલીન પરિસ્થિતિમાં જરૂર પડ્યે તેમની સેવા આપવાની રહેશે અને તે બાબતે તેમને કોઈપણ પ્રકારનું વળતર મળવા પાત્ર રહેશે નહીં તેમ યાદીમાં વધુમાં જણાવાયું છે.

 

Back to top button
error: Content is protected !!