વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં વઘઇથી સાપુતારાને જોડતા આંતર રાજય ધોરીમાર્ગનાં સાકરપાતળ ગામ નજીકનો નંદીનાં ઉતારાનો બ્રિજ ભારે વાહનો માટે પ્રતિબંધિત હોવા છતાંય લકઝરી અને આઈસર ટેમ્પો સહીત ટ્રકો બેરોકટોક પણે અવરજવર કરી જાહેરનામાનાં ધજીયા ઉડાવી રહ્યા છે..
વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્ય સરકાર સફાળી જાગીને એલર્ટ મોડમાં આવી છે.સાથે રાજય સરકારે દરેક જિલ્લાનાં જૂના અને જર્જરિત બ્રિજો અંગે તાત્કાલિક રિપોર્ટ મંગાવી કાર્યવાહીની સૂચનાઓ આપી હતી.પરંતુ ડાંગ જિલ્લામાં આ સરકારી સૂચનાઓ અને જાહેરનામાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યુ છે.ડાંગ જિલ્લાનાં વહીવટી તંત્રને જાણે લોકોનાં જીવની કોઈ પણ પરવા ન હોય તથા તંત્ર દ્વારા અમલવારીમાં મુકાયેલ જાહેરનામા કાગળ પર જ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.વઘઈથી સાપુતારાને જોડતા મહત્ત્વના આંતરરાજ્ય ધોરીમાર્ગ પર આવેલા સાકરપાતળ ગામ નજીકનાં ‘નંદી ઉતારા’ બ્રિજને ‘ક્રિટિકલ પુઅર કેટેગરી’માં મુકવામાં આવ્યો છે.એક વર્ષ માટે આ બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકતુ જાહેરનામું પણ ડાંગ જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે, તેમ છતાંય લક્ઝરી બસો, ટ્રક અને આઈસર ટેમ્પો જેવા ભારે વાહનો બેરોકટોક પણે પસાર થઈ રહ્યા છે, જે કોઈ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી રહ્યા છે.આંતરરાજ્ય ધોરી માર્ગ નં. SH 9 ઉપર અંબિકા નદી પર આવેલા 108 મીટરની લંબાઈ ધરાવતા આ બ્રિજનું નિરીક્ષણ એક્સપર્ટ ટીમ દ્વારા કરવામાં આવ્યું હતુ. તેના રિપોર્ટમાં આ બ્રિજને ‘ક્રિટિકલ પુઅર કેટેગરી’માં સમાવવામાં આવ્યો છે, જે દર્શાવે છે કે બ્રિજ અત્યંત નબળી સ્થિતિમાં છે અને તેના પર ભારે વાહનોનું ભારણ જોખમી સાબિત થઈ શકે છે. આ રિપોર્ટના આધારે, ડાંગ જિલ્લા મેજિસ્ટ્રેટ શાલિની દુહાને એક જાહેરનામું બહાર પાડીને ભારે કોમર્શિયલ વાહનોની અવરજવર પર એક વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો હતો.જાહેરનામામાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે આ બ્રિજનો ઉપયોગ ટાળીને વાહનચાલકોએ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવો.આ વૈકલ્પિક માર્ગોમાં (1) બોરગાવ હાથગઢ-સુરગાણા-ઉમરથાણા-બિલ્ધા-આવધા-ધરમપુર રોડ અને (2) હાથગઢ-સુરગાણા-ઉમરથાણા-બોપી-કાવડેજ-વાંસદા રોડનો સમાવેશ થાય છે. જાહેરનામાનો ભંગ કરનારને કાયદેસરની કાર્યવાહી હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે તેવી ચેતવણી પણ આપવામાં આવી હતી. પરંતુ તંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલું આ જાહેરનામું માત્ર કાગળ પર જ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.કારણ કે વાસ્તવિકતા કંઇક જુદી જ છે.જિલ્લાના પ્રવેશદ્વાર વઘઈ ખાતે રોજબરોજ આર.ટી.ઓ. (RTO) ના અધિકારીઓ હાજર હોવા છતા વઘઇ સાપુતારા માર્ગનાં સાકરપાતળ બ્રિજ પરથી બેરોકટોક પણે ભારે વાહનો પસાર થઈ રહ્યા છે.શનિ રવિવારના રોજ પણ ટ્રક અને લક્ઝરી બસો સહિતના મોટા વાહનો કોઈ પણ રોકટોક વગર બ્રિજ પરથી પસાર થતા જોવા મળ્યા હતા.આ પરિસ્થિતિ જોતા સ્થાનિક લોકોમાં તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. શું આર.ટી.ઓ. અને વહીવટી તંત્ર આ ગંભીર બેદરકારીથી અજાણ છે ? કે પછી જાણીજોઈને આંખ આડા કાન કરી રહ્યું છે ? આવા અનેક સવાલ સાથે આરટીઓ અને તંત્રના અધિકારીઓની કામગીરી શંકા ઉપજાવનારી જોવા મળી રહી છે.સાપુતારા જેવા પ્રવાસન સ્થળને જોડતા આ મુખ્ય માર્ગ પર વાહનોની સતત અવરજવર રહે છે. જો આ જર્જરિત બ્રિજ પર કોઈ દુર્ઘટના સર્જાશે તો અનેક નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાઈ શકે છે.વડોદરાની ઘટના બાદ પણ જો તંત્ર સબક ન લે તો ભવિષ્યમાં ડાંગમાં પણ ગંભીર પરિણામો આવી શકે છે.ત્યારે આ જવાબદારી કોની રહેશે ?ત્યારે તંત્ર તાત્કાલિક આ મામલે કડક પગલાં ભરે, જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરે અને જાહેરનામાનો કડક અમલ કરાવે તેવી લોક માંગ ઉઠી છે. જો યોગ્ય અમલવારી કરવામાં નહીં આવે તો કાગળ પરના કાયદાઓનો કોઈ અર્થ રહેશે નહીં અને લોકોના જીવ પર જોખમ તોળાતું રહેશે.ત્યારે બેદરકાર આરટીઓ વિભાગના અધિકારીઓ અને વહીવટી તંત્રના અધિકારીઓ ભારે વાહનોની અવરજવર બંધ કરાવવામાં સફળ રહેશે કે પછી કોઈ દુર્ઘટનાના ને આમંત્રણ આપશે તે તો આવનાર સમયમાં જોવુ જ રહ્યુ..