
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા,તા-૨૫ જૂન : તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થતાં મુન્દ્રા તાલુકાના રતાડીયા ગામે ભારે ઉત્સાહ છવાયો છે. સરપંચ પદના ઉમેદવાર જુસબ ઇબ્રાહીમ કુંભાર જંગી બહુમતીથી વિજેતા થતાં ગ્રામજનોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. નોંધનીય છે કે, આ અગાઉ તેમના પુત્રવધૂ જેનાબેન હસણ જુસબ કુંભાર પાંચ વર્ષ સુધી સરપંચ પદે રહીને નોંધપાત્ર વિકાસ કાર્યો કર્યા હતા, જેના ફળસ્વરૂપે ગામલોકોએ તેમના સસરાને ફરીથી સરપંચ પદે ચૂંટી કાઢ્યા છે. આ જીત કુંભાર પરિવારનો રતાડીયા ગામ પર સતત બીજી વારનો દબદબો દર્શાવે છે.
“કિંગ મેકર” હસણભાઈની લોકપ્રિયતા અને મતદારોનો વિશ્વાસ :
આ ભવ્ય જીતનો શ્રેય મતદારોને આપતા, સસ્તી પ્રસિદ્ધિથી દૂર રહેનારા સરળ અને શાંત સ્વભાવના કિંગ મેકર હસણભાઈએ જણાવ્યું હતું કે આ જીત ખરા અર્થમાં મતદારોની છે. ગામનું નાનું બાળક પણ જ્યારે ‘હી વખતે પણ વરી હસણ ચૂંટાઈ આયો’ એમ કચ્છીમાં બોલે ત્યારે તેમની લોકપ્રિયતાનો ખ્યાલ સ્પષ્ટપણે આવી જાય છે. તેમની સક્રિય ભૂમિકા અને ગામના લોકો સાથેના ગાઢ સંબંધોએ આ વિજયમાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો છે.
“મોતીના હાર” પ્રતિક સાથે પ્રચંડ વિજય અને વિકાસના વચનો :
“મોતીના હાર”ના પ્રતિક સાથે 904 માંથી 471 મત મેળવીને જુસબભાઈએ પ્રચંડ વિજય મેળવ્યો હતો, જ્યારે તેમના બે પ્રતિસ્પર્ધીઓને “માત્ર હાર”થી સંતોષ માનવો પડ્યો હતો. જુસબભાઈએ મતદારોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતા ખાતરી આપી હતી કે, આપેલા વચનો મુજબ આગામી એક વર્ષમાં જ લોકો ગામના વિકાસના નક્કર ફળો જોઈ શકશે. આ વચન ગામના વિકાસ માટે નવી આશાઓ જગાવે છે.
ગામના પ્રાણ પ્રશ્નો અને નવનિયુક્ત સરપંચ સામેના પડકારો :
આ જીતની ઉજવણી વચ્ચે, રતાડીયાના મુખ્ય પ્રાણ પ્રશ્ન એવા ગુંદાલા સુધીના ચાર કિલોમીટરના રોડ પરના અસંખ્ય ખાડાઓનો મુદ્દો પણ ચર્ચામાં રહ્યો હતો. સ્થાનિક વર્તમાનપત્રોમાં આ અંગેના અહેવાલો બાદ, તલાટી સાહેબે રોડના ખાડાઓ પુરાવાને બદલે પંચાયત ઓફિસની સામે કપચી પાથરીને ઇન્ટર બ્લોકનું કામ પણ શરૂ કરાવી જાણે પ્રેસનોટનો જવાબ આપતા હોય એમ ગાજ્યા પર વરસ્યા હતા. જો કે, પંચાયતની બાજુમાં જ છેલ્લા ત્રણ મહિનાથી પાણીની લાઇન રિપેર ન થવાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે ત્યારે નવનિયુક્ત સરપંચ આવા સરકારી બાબુઓ પર શું પગલાં લે છે, તે જોવું રહ્યું, તેવી લોકમુખે ચર્ચા ચાલી રહી છે.
અપક્ષ ઉમેદવાર તિતિક્ષાબેન ઠક્કરનો પ્રેરણાદાયી સંદેશ : આ ઉપરાંત, ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિચારધારા અને પ્રેરણાથી પ્રેરાઈને પ્રથમ વખત અપક્ષ ઉમેદવારી નોંધાવી પ્રચાર કર્યા વગર જ અપેક્ષાથી પણ બમણા મત મેળવનાર તિતિક્ષાબેન પ્રકાશચંદ્ર ઠક્કરે જણાવ્યું હતું કે:
મન કે જીતે જીત હૈ, મન કે હારે હાર,હાર ગયે જો બીન લડે, ઉનપે હૈ ધિક્કાર.
તેમનો આ સંદેશ ચૂંટણીમાં ભાગ લેનારા દરેક ઉમેદવાર અને મતદાર માટે પ્રેરણાદાયી છે.
આ વિજય રતાડીયા ગામના વિકાસ માટે નવી આશાઓ લઈને આવ્યો છે. શું જુસબભાઈ અને તેમની ટીમ ગામના વિકાસના વચનો પૂરા પાડી શકશે અને ગામના પ્રાણ પ્રશ્નોનો ઉકેલ લાવી શકશે? તે સમય જ કહેશે.






