અંકલેશ્વરમાં ચેઇન સ્નેચિંગ કરનાર બે આરોપી ઝડપાયા:મહિલાના ગળામાંથી 1.26 લાખની ચેઇન તોડી ભાગતા આરોપીઓને પોલીસે પકડ્યા, એક સગીર




સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વરમાં ધોળે દિવસે થયેલા ચેઇન સ્નેચિંગના બનાવમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. આ ઘટના જ્યોતિ ટોકીઝ વિસ્તારમાં બની હતી. હાંસોટ તાલુકાના અણીયાદ્રા ગામની નવી નગરીના રહેવાસી રમીલાબહેન પટેલ ખરીદી માટે અંકલેશ્વર આવ્યા હતા.
જ્યોતિ ટોકીઝ પાસે બસની રાહ જોઈ રહેલા રમીલાબહેનના ગળામાંથી આરોપીઓએ રૂ.1.26 લાખની કિંમતની સોનાની ચેઇન અને પેન્ડલ આંચકી લીધા હતા. મહિલાએ બૂમાબૂમ કરતાં લોકો એકત્ર થયા હતા. આરોપીઓએ ટોળાને ચપ્પુ બતાવી ચોરીની બાઇક પર ભાગવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપીઓનો પીછો કર્યો હતો. પકડાયેલા આરોપીઓમાં ઉત્તરપ્રદેશનો અભિષેક પટેલ અને એક સગીરનો સમાવેશ થાય છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ ચોરીની બાઇક પર ચેઇન સ્નેચિંગની ઘટનાઓને અંજામ આપતા હતા.
પોલીસે આરોપીઓની અગાઉની ક્રિમિનલ હિસ્ટ્રી અને અન્ય ગુનાઓની તપાસ શરૂ કરી છે. આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે.




