GUJARATKUTCHMANDAVI

માતાના મઢ ખાતે શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરાવતા આરોગ્ય કમિશનર અને કચ્છ જિલ્લા પ્રભારી સચિવશ્રી હર્ષદ પટેલ.

શિક્ષણની યાત્રામાં પગરવ માંડતા ૪૩ ભૂલકાઓને સ્નેહભેર પ્રવેશ અપાવતા કચ્છ પ્રભારી સચિવશ્રી હર્ષદ પટેલ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.

શાળામાં આજે પ્રવેશ લઈ રહેલા બાળકો આવતીકાલના ભારતનું ભવિષ્ય છે – પ્રભારી સચિવશ્રી હર્ષદ પટેલ

નખત્રાણા,તા-૨૬જૂન : કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં આજથી ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ -૨૦૨૪નો પ્રારંભ થયો છે ત્યારે કચ્છના લખપત તાલુકાના માતાના મઢ પ્રાથમિક શાળા ખાતે પ્રભારી સચિવશ્રી અને આરોગ્ય કમિશનર શ્રી હર્ષદ પટેલે ભૂલકાઓને શાળામાં પ્રવેશ અપાવીને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. પ્રભારી સચિવશ્રી હર્ષદ પટેલ સહિત મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરીને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. શિક્ષણની યાત્રામાં પગરવ માંડતા ભૂલકાઓને શૈક્ષણિક કીટ તેમજ સ્નેહભેર આવકાર આપીને પ્રભારી સચિવશ્રીએ શાળામાં પ્રવેશ અપાવ્યો હતો. બાલવાટિકામાં ૩૭ અને ધો.૦૧ માં ૦૬ બાળકો એમ કુલ ૪૩ બાળકોને પ્રભારી સચિવશ્રીએ પ્રવેશ અપાવ્યો હતો.આ પ્રસંગે પ્રભારી સચિવશ્રીએ જણાવ્યું હતું કે, શાળાકીય શિક્ષણ અને કેળવણીમાં ગુજરાત સરકારના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમે મહત્વનો ભાગ ભજવ્યો છે. સરકારના પ્રયાસોથી કન્યાઓની ભાગીદારી શિક્ષણના ક્ષેત્રમાં સતત વધી રહી છે. આજના બાળકોને આવતીકાલના ભારતનું ભવિષ્ય ગણાવીને પ્રભારી સચિવશ્રીએ ઉમેર્યું કે, બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ મળે તે ખૂબ જ જરૂરી છે અને એ આપણા સૌની સહિયારી જવાબદારી છે. માતાના મઢ પ્રાથમિક શાળામાં સરકારશ્રીની સાથે જીએમડીસી, આશાપુરા ફાઉન્ડેશન અને માતાના મઢ જાગીર ટ્રસ્ટના શૈક્ષણિક અનુદાન માટે પ્રભારી સચિવશ્રીએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.માતાના મઢ ગ્રામ પંચાયત અને એસ.એમ.સી કમિટી દ્વારા પ્રભારી સચિવશ્રીનું સન્માન કરવામાં આવ્યું હતું. શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરીને પ્રભારી સચિવશ્રીએ જીવનમાં ખૂબ પ્રગતિ કરો તેમ શુભેચ્છાઓ પાઠવી હતી. શાળા પ્રવેશોત્સવ બાદ પ્રભારી સચિવશ્રીએ એસ.એમ.સીની બેઠકમાં હાજરી આપીને સ્કૂલમાં જરૂરી તમામ સુવિધાઓ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ સહિતની વિગતો મેળવીને માર્ગદર્શન આપ્યું હતું.આ પ્રસંગે લખપત તાલુકા પંચાયત પ્રમુખશ્રી જશુભા જાડેજા, નાયબ માહિતી નિયામક મિતેષ મોડાસિયા, આર.સી.એચ.ઓશ્રી જે.એ.ખત્રી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી સામંતભાઈ વસરા, બી.આર.સી કોર્ડિનેટર શ્રી જે.ડી. મહેશ્વરી, આશાપુરા ફાઉન્ડેશનના પ્રતિનિધિશ્રી પ્રીતિબેન જાડેજા, શાળાના આચાર્ય શ્રી જયપાલભાઈ ભારમલ, શ્રી અરવિંદભાઈ શાહ સહિત ગ્રામજનો, શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!