જૂનાગઢ જિલ્લા આર.સી.એચ.ઓ. હેલ્થ બ્રાંચની અધ્યક્ષતામાં તાજેતરમાં પલ્સ પોલીયો રસીકરણ (SNID) રાઉન્ડની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં IPPI સ્ટીઅરીંગ કમિટીની રચના અને સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.ભારત દેશ હવે પોલીયો મુક્ત બની ચુક્યો છે. તેમ છતાં પણ કોઈપણ માર્ગથી દેશમાં પોલિયોનો વાઇરસ ફરીથી પ્રવેશી ના શકે તે માટે સતત, સમયાંતરે અને નિયમિત રીતે પોલીયો રસીકરણ ઝુંબેશ દરેક જિલ્લામાં ચલાવવામાં આવતી હોય છે. જેનાથી આપણે સફળ રીતે પોલીયોના રાક્ષસને નથી શકયા છીએ.જૂનાગઢ જિલ્લામાં આગામી તા.૧૨/૧૦/૨૦૨૫ ના રોજ પલ્સ પોલીયો રસીકરણ (SNID) રાઉન્ડ યોજાશે. જેમાં મેનપાવર, લોજીસ્ટીકસ અને વેક્સીન સપ્લાઈ એન્ડ ડીસ્ટરીબ્યુશનની ચર્ચા કરવામાં આવી હતી. આગામી રાઉન્ડમાં કુલ ૭૧૪ જેટલા સ્થાયી બૂથ, ૧૯ મોબાઈલ બૂથ અને ૩૬ ટ્રાન્સીટ બૂથ ખાતે સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૨૩૬૪ જેટલા કર્મચારીઓ દ્વારા ૧,૦૩,૫૭૪ જેટલા બાળકોને પોલીયોની રસી આપવામાં આવશે.આ ઉપરાંત કુલ ૧૧૮ રૂટમાં ૧૧૮ જેટલા ઝોનલ સુપરવાઈઝર દ્વારા સમગ્ર કામગીરીનું સુચારુ રીતે લાઈઝનીંગ પણ હાથ ધરવામાં આવશે.
જૂનાગઢ જિલ્લામાં ખાસ કરીને વાડી વિસ્તારમાં રહેતા લોકો, મજુરી કામે આવતા પરપ્રાંતીય લોકો, નેશ વિસ્તારમાં રહેતા પરિવારોના ૦ થી ૫ વર્ષના એકપણ બાળક પોલીયોની રસીથી વંચિત ના રહે તે માટે માઈક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે. અને તમામ બાળકોને આવરી લેવામાં આવે તે માટે ખાસ અનુરોધ જિલ્લા વહીવટી તંત્ર, જૂનાગઢ દ્વારા કરવામાં આવ્યો હતો. તેમ સભ્ય સચિવશ્રી, પલ્સ પોલીયો સ્ટીઅરીંગ કમિટી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા પંચાયત, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટર :અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ