GUJARATKUTCHMANDAVI

નોકરીમાં જોડાયા પહેલા પણ બાળકને જન્મ આપનારી સરકારી મહિલા કર્મચારીને મળશે પ્રસુતિ રજાનો લાભ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી- માંડવી કચ્છ.

માંડવી,તા-03 મે : સરકારશ્રીના નાણા વિભાગના ગુજરાત મુલ્કી સેવા (રજા) નિયમો, ૨૦૦૨ના નિયમ-૬૯ તેમજ નાણાં વિભાગના તા. ૧૩/૧૧/૨૦૧૪ ના જાહેરનામા તેમજ તા. ૨૪/૯/૨૦૨૨ ના ઠરાવથી કાયમી કે ફિકસ પગાર પર નિમણૂંક પામેલ મહિલા સરકારી કર્મચારીને નોકરીમાં જોડાયા બાદથી જ દિન-૧૮૦ની માતૃત્વ રજા મંજૂર કરવા બાબતે જોગવાઈ કરવામાં આવેલ છે. પરંતુ, મહિલા સરકારી કર્મચારી નોકરીમાં જોડાય તે પહેલાં માતૃત્વ ધારણ કરેલ હોય તો તેઓને માતૃત્વ રજા મળવાપાત્ર થાય કે નહીં તે બાબતે કેટલાક કિસ્સાઓમાં સચિવાલયના વહિવટી વિભાગો/ખાતાના વડા/અન્ય કચેરીઓ દ્વારા અવારનવાર નાણા વિભાગને પૃચ્છા કરવામાં આવતી હતી. આ બાબતે જરૂરી સ્પષ્ટતા પ્રસિધ્ધ કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. દરમ્યાન ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ સહિત વિવિધ કર્મચારી સંગઠનો દ્વારા પણ આ અંગે સરકારમાં અને નાણાં વિભાગમાં વખતો વખત રજૂઆતો કરવામાં આવી હતી. આખરે રાજય સરકારના નાણાં વિભાગે આ બાબતે જરૂરી સ્પષ્ટતાઓ કરી ઠરાવ બહાર પાડ્યો છે.આ બાબતે રાજ્ય સરકારના નાણાં વિભાગના ઉપસચિવ પી.એમ. ભરડવા દ્વારા તા.૩૦/૪/૨૦૨૫ ના બહાર પાડવામાં આવેલ પત્રની વિગતો આપતા રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યાધ્યક્ષ હરિસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર માતૃત્વ રજાની મૂળ વિભાવના મુજબ ખરેખર બાળકના જન્મ પછી તેની સારસંભાળ માટે માતૃત્વ રજા મળવાપાત્ર થાય છે. પરંતુ સરકારશ્રીના હકારાત્મક અને કર્મચારી હિતલક્ષી અભિગમના કારણે સરકારે પુખ્ત વિચારણાના અંતે એવો ઠરાવ કર્યો છે કે કાયમી તેમજ હંગામી નોકરી પરના મહિલા સરકારી કર્મચારી નોકરીમાં જોડાયા પહેલાં બાળકને જન્મ આપેલ હોય તો ૧૮૦ દિવસમાંથી બાળકના જન્મની તારીખથી નોકરીમાં જોડાયા તારીખના પહેલાંની તારીખ સુધીના એટલા દિવસો બાદ કરતા બાકી રહેતા દિવસો જેટલી માતૃત્વ રજા મળવાપાત્ર થશે. જેમાં ફરજ પર હાજર દિવસ રજામાં ગણવાનો રહેશે નહિ. આ ઠરાવનો અમલ તા.૨૪/૦૯/૨૦૨૨ થી કરવાનો રહેશે. ગુજરાત મુલ્કી રોવા (રજા) નિયમો, ૨૦૦૨ ના નિયમ-૬૯ માં ઉક્ત સુધારા હવે પછી જાહેરનામા દ્વારા આમેજ કરવામાં આવશે. નાણા વિભાગના તા. ૨૪/૦૯/૨૦૨૨ના ઠરાવની માતૃત્વ રજાને લગતી અન્ય તમામ સૂચનાઓ યથાવત રહેશે.રાજ્ય સરકારના આ નિર્ણયને રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, મહામંત્રી જૈમિન પટેલ, કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ નયનસિંહ જાડેજા, કેરણા આહિર હરદેવસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, વિલાસબા જાડેજા સહિતનાઓએ આવકાર્યો છે.

Back to top button
error: Content is protected !!