
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ગુજરાતનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી વરસી રહેલા વરસાદે સમગ્ર વાતાવરણને નવો ઓપ આપ્યો છે.ઉનાળાની આકરી ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકોને આ અણધાર્યા મેઘમહેરથી મોટી રાહત મળી છે,અને પ્રકૃતિ જાણે ચોમાસા પૂર્વે જ લીલીછમ બનીને સોળે કળાએ ખીલી ઉઠી છે.ડાંગ જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે.જિલ્લાના મુખ્ય મથક આહવામાં સૌથી વધુ 75 મીમી અર્થાત 3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો, જ્યારે સુબીર પંથકમાં 49 મીમી અર્થાત 2 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે ગુજરાતનાં એકમાત્ર ગિરિમથક સાપુતારામાં 45 મીમી (1.8 ઇંચ) અને વઘઇમાં 37 મીમી (1.5 ઇંચ) વરસાદ નોંધાયો હતો.ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં શનિવારે રાત્રીનાં અરસામાં તથા રવિવારે બપોરબાદ વીજળીના કડાકા-ભડાકા સાથે ક્યાંક મધ્યમ તો ક્યાંક ધોધમાર સ્વરૂપેનો વરસાદ વરસતા સમગ્ર પંથકોમાં પાણીની રેલમછેલ ફરી વળી હતી.ડાંગ જિલ્લામાં વરસાદી માહોલનાં પગલે સમગ્ર પંથકનાં વાતાવરણમાં અનેરી ઠંડક પ્રસરી હતી.ડાંગ જિલ્લાનાં અનેક ગામડાઓમાં ધોધમાર વરસાદને પગલે જમીન તરીતૃપ્ત બની હતી.ડાંગ જિલ્લામાં વરસાદી માહોલનાં પગલે નદી નાળા અને ઝરણાઓમાં પાણીની આવક વધી છે.ડાંગ જિલ્લો તેના ગાઢ જંગલો, ઊંચા ડુંગરો અને અપ્રતિમ કુદરતી સૌંદર્ય માટે રાજયમાં જાણીતો છે.હાલમાં વરસાદી માહોલનાં પગલે ડાંગના ડુંગરાળ પ્રદેશો અને ખીણ વિસ્તારોમાં અદભુત દ્રશ્યો જોવા મળી રહ્યા છે.ચારેબાજુ છવાયેલી ગાઢ લીલોતરી, ઝાકળથી ભીંજાયેલા વૃક્ષો અને વાદળછાયું વાતાવરણ ફરવા આવતા પ્રવાસીઓને મંત્રમુગ્ધ બનાવી રહ્યા છે.હાલમાં વરસાદી માહોલનાં પગલે ડાંગનાં સૌંદર્યમાં ચાર ચાંદ લાગી જવા પામ્યા છે.ખાસ કરીને,રવિવારે બપોર બાદ સાપુતારામાં ધોધમાર સ્વરૂપેનો વરસાદ વરસતા ઠંડકતાની શીત લહેર વ્યાપી જવા પામી હતી,જેને પગલે ત્યાં પહોંચેલા પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.અનેક પ્રવાસીઓ વરસાદની મજા માણતા, ચા-પકોડાની લિજ્જત માણતા અને કુદરતી સૌંદર્યને કેમેરામાં કેદ કરતા જોવા મળ્યા હતા.સાપુતારા ખાતે ફરવા આવેલ પ્રવાસીઓએ વિવિધ એડવેન્ચર એક્ટિવિટીઓનો આસ્વાદ માણી ધન્યતા અનુભવી હતી..




