વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા,તા-૧૬ જુલાઈ : કિલ્લોલ કરતી ૬ વર્ષની રાયશ્રીને અચાનક હદયની બીમારીનું નિદાન થતાં કચ્છ મુન્દ્રા તાલુકાના મોટા કપાયાના વાડીમાં મજૂરી કામ કરતા પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. પિતા ગોપાલભાઇ બતિયાને દીકરીની સારવાર કઇ રીતે કરાવવી તે પ્રશ્ન કોરી ખાતો હતો. પરંતુ રાજ્ય સરકાર વ્હારે આવીને રાયશ્રીની નિ:શુલ્ક સર્જરી કરાવી આપતા રાય આજે ફરી હસતી રમતી થઈ છે.ગોપાલભાઇ બતિયા જણાવે છે કે, અમે પહેલા મુન્દ્રા તાલુકાના ઝરપરા વાડી વિસ્તારમાં રહેતા હતા. રોજગારી અર્થે ત્યાંથી સ્થળાંતર કરીને તાલુકાના મોટા કપાયા વાડી વિસ્તારમાં રહેવા આવ્યા ત્યારે આરબીએસકે ટીમ દ્વારા અમારા ઘરની મુલાકાત લઇને બાળકીને આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન હ્દયમાં કંઇ સમસ્યા હોવાનું માલૂમ પડતા વધુ તપાસ માટે ૨-ડી ઇકો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. નિષ્ણાંત ડોકટર્સ દ્વારા તપાસના અંતે બાળકીને જન્મજાત હદયની ખામી હોવાનું જણાયું હતું. મેડિકલની ભાષામાં ડોક્ટરે Congenital Heart Disease(VSD) હોવાનું કહીને તત્કાલ ઓપરેશન કરાવવું પડશે તેવું જણાવતા ઓપરેશન માટે કંઇ રીતે નાણાં ભેગા થશે તે સવાલ ઉભો થયો હતો. પરંતુ રાજ્ય સરકાર રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ દેશના ભવિષ્ય એવા બાળકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને તમામ સારવાર નિ:શુલ્ક કરી આપતી હોવાનું ડોક્ટરે જણાવતા હૈયામાં રાહત થઇ હતી.તેમણે ઉમેર્યું હતું કે, વધુ સારવાર માટે દીકરીને અમદાવાદ યુ.એન.મહેતા હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી. જ્યાં એક માસ પૂર્વે દીકરીનું સફળ ઓપરેશન કરાતા હાલમાં રાયશ્રી એકદમ સ્વસ્થ છે. ફરીથી હસતી-રમતી રાયને જોઇને પરિવારની ખુશીનો પણ પાર નથી.