Rajkot: રાજકોટની બોલબાલા સેવા સંસ્થા બની સૌરાષ્ટ્રના પુરઅસરગ્રસ્તોની અન્નપૂર્ણા

તા.૧/૯/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
૭ દિવસમાં રાજકોટ સહિત જામનગર, જુનાગઢ, ગોંડલ વિસ્તારોના ૭૦ હજાર લોકોને ભોજન વિતરણ કરાયું
Rajkot: રાજકોટ જિલ્લામાં અતિ ભારે વરસાદને કારણે અનેક લોકો આકસ્મિક પરિસ્થિતિનો ભોગ બન્યા હતા, અનેક ઘરોમાં પાણી ભરાયા તો હજારો લોકોને આશ્રયસ્થાનોમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. આ સમયે રાજકોટની બોલબાલા સેવા સંસ્થાએ આ તમામ અસરગ્રસ્તોની અન્નપૂર્ણા બની માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
રાજકોટની બોલબાલા સેવા સંસ્થા વર્ષોથી જરૂરિયાતમંદોને ભોજન પૂરું પાડી રહી છે.અન્નદાન પ્રોજેક્ટ હેઠળ બોલબાલા ટ્રસ્ટ દ્વારા હરતું ફરતું અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે. જેમાં દરરોજ રાજકોટ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વસતા હજારો જરૂરિયાતમંદોને નિ:શુલ્ક ભોજન વિતરણની સેવા કરવામાં આવે છે. અતિવૃષ્ટિના સમયમાં પણ સંસ્થા દ્વારા રોજના ૧૦,૦૦૦ જેટલા લોકોને ભોજન વિતરણ કરવામાં આવી રહ્યું હતું. સંસ્થા દ્વારા આશ્રયસ્થાનોમાં, લોકમેળામાં,પાણી ભરાયેલ નીચાણવાળા વિસ્તારોમાં તેમજ ઝુંપડપટ્ટી વિસ્તારમાં થેપલા, સૂકીભાજી ઉપરાંત રોટલી, શાક, દાળ, ભાત સહિતનું ગરમ ભોજન પહોંચાડવામાં આવી રહ્યું હતું.
સંસ્થાના સ્વયંસેવક શ્રી સંગીતાબેન ઝાપડિયા કહે છે કે, સામાન્ય દિવસોમાં સંસ્થા દ્વારા રોજ ૫૦૦૦થી વધુ લોકોને ભોજન વિતરીત કરવામાં આવે છે, જેમાં ભારે વરસાદની સ્થિતિ વખતે સંસ્થાના ૨૦૦ જેટલા સ્વયંસેવકો- આગેવાનો સૌએ સાથે મળીને રાજકોટ ઉપરાંત જામનગર, જુનાગઢ અને ગોંડલ વિસ્તારોના કુલ ૭૦,૦૦૦ લોકોને ભોજન વિતરિત કર્યું છે. બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા “જરૂરિયાત મંદને અન્ન” તે જ મંત્રને ધ્યાન રાખીને સેવા કરવામાં આવી રહી છે. ટ્રસ્ટ દ્વારા અન્નદાન ઉપરાંત મેડિકલ સાધન સેવા કેન્દ્ર પણ ચલાવવામાં આવે છે. આ કેન્દ્ર દ્વારા જરૂરિયાતમંદ લોકોને મેડિકલ બેડ, કાંખ ઘોડી, વ્હીલ ચેર, ઓક્સિજનના બાટલા જેવા ૩૨ પ્રકારના વિવિધ મેડિકલ સાધનો અતિ રાહત દરે પૂરા પાડવામાં આવે છે.
બોલબાલા સંસ્થા દ્વારા સતત સાત દિવસ સુધી ગરમ ભોજન સાથે અનેક વિસ્તારોમાં બુંદી, ગાંઠિયા, લાડુ, કોરા નાસ્તા સાથેના ફુડ પેકેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. જેમાં રોજના અંદાજે બે થી અઢી હજાર ફૂડ પેકેટ વિતરીત કરવામાં આવ્યા હતા. બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટમાં પુર અસરગ્રસ્તોની મદદ માટે વરિષ્ઠ નાગરિક એવા અનેક વૃદ્ધોએ પણ ભોજન બનાવવાથી લઈ વિતરણ કરવા સુધી વિવિધ તબક્કે સેવા આપી હતી. આમ, મુશ્કેલીના આ સમયમાં બોલબાલા ટ્રસ્ટે તંત્ર સાથે સહકાર સાધી અનેક લોકો સુધી અન્ન પહોંચાડી “માનવસેવા એ જ પ્રભુ સેવા” ના મંત્રને ચરિતાર્થ કર્યો હતો.






