
તા.૬/૬/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજ્યના નાગરિકોના જીલ્લા કક્ષાના પ્રશ્નોનું નિવારણ ન્યાયિક તેમજ અસરકારક રીતે તે જીલ્લા કક્ષાએ જ થાય તે માટે “સ્વાગત ફરિયાદ નિવારણ” કાર્યક્રમ યોજવામાં આવે છે, જે અંતર્ગત રાજકોટમાં આગામી તા.૨૭/૦૬/૨૦૨૪ ના રોજ સવારે ૧૧ કલાકે કલેક્ટર કચેરી ખાતે ત્રીજા માળે સભાખંડમાં જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે. જેમાં મહેસુલી તંત્ર, જિલ્લા પંચાયત, પોલીસ વિભાગ, PGVCL, GSRTC, પાણી પુરવઠા બોર્ડ નાં અધિકારીઓ તથા કલેકટરશ્રી પ્રશ્નો સાંભળશે.
આ અંતર્ગત લાંબા સમયથી નિકાલ ન આવતો હોય તેવા પ્રશ્નો રજુ કરી શકાશે. અરજદારનું પૂરું નામ, સરનામું, ફોન નંબર તેમજ અગાઉ પ્રશ્ન રજુ કરેલ હોય તો તેની માહિતી, પ્રશ્ન સંબંધે લાગુ પડતા ખાતાને કરેલી રજુઆતો અને પ્રત્યુત્તરો તેમજ જરૂરી આધારો તેમજ અરજદારની સહી સાથે સ્પષ્ટ અને મુદ્દાસર રીતે પ્રશ્ન રજુ કરવાનો રહેશે. રાજકોટ જિલ્લાના મહેસુલી તંત્રને લગતાં પ્રશ્નો જિલ્લા કલેકટર કચેરી ખાતે તા.૧૦/૦૬/૨૦૨૪ સુધીમાં રજૂ કરવાની રહેશે. તાલુકા કક્ષાના પ્રશ્નો તાલુકા કચેરીએ રજુ કરવાના રહેશે. અલગ વિષયના પ્રશ્નો માટે અલગ અરજી કરવાની રહેશે. અરજદાર પોતાના પ્રશ્નની જ રજૂઆત કરી શકશે. એક વખત રજૂ થઈ ગયેલા પ્રશ્નો, અધૂરી વિગતોવાળા, સરકારી કર્મચારીને લગતા પ્રશ્નો, કોર્ટ મેટર તેમજ અંગત રાગદ્વેષના પ્રશ્નો ધ્યાને લેવાશે નહિ, તેમ કલેકટર કચેરી, રાજકોટની યાદીમાં જણાવવામાં આવ્યું છે.



