Rajkot: ૧૬ ઓક્ટોબર- વિશ્વ ખાદ્ય દિવસ – “હેન્ડ ઇન હેન્ડ ફોર બેટર ફૂડસ એન્ડ બેટર ફ્યુચર”
તા.16/10/2025
વાત્સલયમ્ સમાચાર
આલેખન: રિધ્ધિ ત્રિવેદી
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના સુપોષિત રાષ્ટ્રના સંકલ્પને સાર્થક કરતા પોષણ માસ, સ્વસ્થ નારી સશક્ત પરિવાર, ફીટ ઇન્ડિયા મુવમેન્ટ, મેદસ્વિતા મુક્ત, મિલેટ્સ મહોત્સવ સહિતના અભિયાનો
Rajkot: अन्नं प्राणस्य प्राणः स्यात् એટલે અન્ન એ મુખ્ય શક્તિ છે જે પ્રાણને બચાવે છે. જીવનમાં અન્નનું મહત્વને ભારતીય સંસ્કૃતિના સોળ સંસ્કારોમાં અન્નપ્રાશન સંસ્કાર સમજાવે છે. ભોજન શારીરિક પોષણ માટે જ નહિ પરંતુ અધ્યાત્મિક, સામાજિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભોજનના મહત્વને કારણે જ સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠન (FAO) દ્વારા ૧૬ ઓક્ટોબરના રોજ “વિશ્વ ખાદ્ય દિવસ” ઉજવવામાં આવે છે. વિશ્વના અનેક દેશોના લોકો પર્યાવરણ તથા ભૌગોલિક પરિસ્થિતિના લીધે યોગ્ય પોષણયુક્ત ખોરાક મેળવી શકતા નથી, ત્યારે અનેક લોકોનો ભૂખમરો દૂર કરવાની અને ટકાઉ ખાદ્ય પ્રણાલીઓને આગળ વધારવાની જરૂરિયાત તાકીદની બની જાય છે, જેના ભાગરૂપે આ વર્ષની થીમ “હેન્ડ ઇન હેન્ડ ફોર બેટર ફૂડસ એન્ડ બેટર ફ્યુચર” એટલે કે “સારા ખોરાક અને સુંદર ભવિષ્ય માટે સહિયારા પ્રયાસ કરીએ” રાખવામાં આવી છે.
આપણાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહિલાઓ અને બાળકોના વિકાસ થકી દેશના વિકાસનો મંત્ર અપનાવ્યો છે, આથી, વડાપ્રધાનશ્રીએ બાળકો અને મહિલાઓને સુપોષિત અને સશક્ત બનાવવા માટે પોષણ અભિયાન, પોષણ સંગમ, સ્વસ્થ નારી સશક્ત પરિવાર, ફીટ ઇન્ડિયા મુવમેન્ટ, મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન, મિલેટ્સ મહોત્સવ સહિતના અભિયાનો હાથ ધર્યા છે. જેના ભાગરૂપે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનાં માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં કાર્યરત આ અભિયાનોને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
વાત કરીએ, રાજકોટ જિલ્લાની તો વિવિધ આંગણવાડી કેન્દ્રોમાં તા.૧૭ સપ્ટેમ્બરથી ૧૬ ઓક્ટોબર સુધી પોષણ માસની ઉજવણી અન્વયે ટેક હોમ રાશનમાંથી પિઝ્ઝા, પુડલા, ભાખરી, નાનખટાઈ જેવી પૌષ્ટિક વાનગીઓ, જુવાર, બાજરી, કોદરી, રાગી, સામો, કાંગ જેવા પોષણયુક્ત ધાનોથી ખીચડી, ઢોકળા, ઉપમા, રોટલી, મીઠાઈ, સેવ ખમણી સહિતની આરોગ્યવર્ધક અને સ્વાદિષ્ટ વાનગીઓ થકી પોષણનાં મહત્વને ઉજાગર કરવામાં આવ્યું છે. સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અન્વયે આરોગ્ય કેન્દ્ર દ્વારા ગાયનેક, આંખ-કાન-ગળાનું ચેકઅપ, ડેન્ટલ ચેકઅપ, બ્લડ પ્રેશર, બ્લડ સુગર સહિતનાં હેલ્થ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત, મેદસ્વિતામુક્ત ગુજરાત અભિયાન અન્વયે યોગ શિબિર, આરોગ્ય તપાસ સહિતની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.