Rajkot: ૧૯ થી ૨૧ ડીસેમ્બર દરમિયાન યોજાનારા ‘‘સશક્ત નારી મેળા’’ના આયોજન અંગે કલેકટરશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠક

તા.૧૧/૧૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
મેળાના આકર્ષણો
મહિલાઓ સંચાલિત ફુડ કોર્ટ
વિવિધ વિભાગોના ૧૦૦ થી વધુ સ્ટોલ્સ
મહિલા સશક્તિકરણ અને સ્વદેશીને પ્રોત્સાહન
મહિલા સશક્તિકરણ તથા સ્વદેશીને પ્રોત્સાહન આપવાના આશયથી રાજકોટ ખાતે ૧૯ થી ૨૧ ડિસેમ્બર દરમિયાન “સશકત નારી મેળો” યોજાશે.
અમીન માર્ગના છેડે ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલા મેદાનમાં યોજાનારા આ મેળાના આયોજન અંગે જિલ્લા કલેકટરશ્રી ઓમપ્રકાશની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી. સંભવતઃ જિલ્લા પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં ૧૯ ડિસેમ્બરે સવારે ૧૦ વાગે મેળાનો પ્રારંભ થશે.
આ મેળામાં મહિલા આર્થિક વિકાસ નિગમ, આઈ.સી.ડી.એસ, મહિલા અને બાળ કલ્યાણ, કૃષિ, સ્વસહાય જુથો, કુટીર ઉદ્યોગ, જિલ્લા જેલ વગેરે વિભાગોના અંદાજે ૧૦૦ સ્ટોલ રાખવામાં આવશે, તથા મહિલાઓ સંચાલિત ફુડ કોર્ટનું પણ આયોજન કરવામાં આવશે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત, મહિલા નેતૃત્વનો વિકાસ અને સ્વદેશી સશક્તિકરણના વિઝન સાથે યોજાનારા આ મેળામાં ડ્રોન દીદી, લખપતિ દીદી, મહિલાઓ દ્વારા ચલાવતા સ્ટાર્ટ અપ્સ, ઉદ્યોગ સાહસિકો, પ્રગતિશીલ મહિલા ખેડૂતો વગેરેની સફળતા તથા સંઘર્ષ અંગે ઉપસ્થિતોને વાકેફ કરવામાં આવશે.
સ્વદેશીને પ્લેટફોર્મ અને પ્રોત્સાહન પૂરું પાડવાના આશયથી યોજાનારા આ મેળામાં વિવિધ ક્ષેત્રની અગ્રણી મહિલાઓ તેમના અનુભવોનું આદાન-પ્રદાન કરશે. મહિલા કેન્દ્રિત આજીવિકાને ઉત્તેજન આપવાના વિશેષ પ્રયાસો આ મેળામાં હાથ ધરવામાં આવશે. મહિલા મંડળ- મહિલા રાજકારણીઓ-મહિલા અમલદારોને વગેરેની સાફલ્ય ગાથાઓની પણ આ મેળામાં ચર્ચા કરવામાં આવશે.
આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી એ.કે.વસ્તાણી, નાયબ વન સંરક્ષક શ્રી યોગરાજસિંહ ઝાલા, સહકારી મંડળીઓના જિલ્લા રજિસ્ટ્રાર ડો.બિમલ પટેલ, નાયબ નિયામકશ્રી (આત્મા) ડો.એચ.ડી.વાદી, આઈ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ ઓફિસર શ્રી જનકસિંહ ગોહિલ, સી.ડી.એચ.ઓ. ડો.આર.આર.ફૂલમાલી, જિલ્લા લાઈવલીહૂડ મેનેજર શ્રી વી.બી.બસીયા તથા સંબંધિત સરકારી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



