આગામી તારીખ ૧૦ થી ૧૩મી ઓગષ્ટ દરમિયાન સમગ્ર રાજ્યની સાથે બનાસકાંઠા જિલ્લામાં પણ “હર ઘર તિરંગા” અભિયાન યોજાનાર છે. આ અભિયાનને સફળ બનાવવા તેમજ સુચારુ આયોજન અર્થે, બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી વરુણકુમાર બરનવાલના અધ્યક્ષ સ્થાને પાલનપુર કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી વરુણકુમાર બરનવાલે “હર ઘર તિરંગા” ઉત્સવને વધુ સઘન અને અસરકારક બનાવવા માટે અને જનજન સુધી તેના સંદેશા સાથે જાગૃતિ ફેલાય તે માટેના વિવિધ પ્રયાસો કરવા અધિકારીઓને સૂચન કર્યું હતું. તેમણે જિલ્લાની તમામ સરકારી-ખાનગી મિલકતો, વ્યાપારી સંકુલો, શાળાઓ, ઘરો પર તિરંગો લહેરાવા અને આ અવસરમાં સૌ નાગરિકો, અધિકારીઓ અને કર્મચારીઓને સહભાગી થવા અનુરોધ કર્યો હતો.આ બેઠકમાં “હર ઘર તિરંગા” કાર્યક્રમના નોડલ અધિકારી અને યુવા વિકાસ અધિકારીશ્રી પ્રિતેશ સોનીએ ૧૦ થી ૧૩ ઓગષ્ટ સુધી આયોજીત સમગ્ર કાર્યક્રમની રૂપરેખા વિશે પ્રેઝન્ટેશન આપ્યું હતું. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી સી.પી.પટેલ, એડિશનલ કલેકટર શ્રીમતી દેવાહુતિ, નાયબ વન સંરક્ષકશ્રી અભયકુમાર સિંહ સહિત જિલ્લાના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.