Rajkot: મુખ્યમંત્રીશ્રીએ જાહેર કરેલ 10 હજાર કરોડના કૃષિ રાહત પેકેજનો લાભ લેવા માટે 29 નવેમ્બર સુધીમાં અરજી કરવા ખેડૂતોને અપીલ

તા.૨૫/૧૧/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: મુખ્યમંત્રીશ્રીના કૃષિ રાહત પેકેજનો લાભ લેવા માગતા ખેડૈતોએ ૨૯ નવેમ્બર સુધીમાં ગ્રામ્ય કક્ષાએ VCE/VLE મારફત અરજી કરાવી લેવા રાજકોટ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જણાવાયું છે.
ઓક્ટોબર માસમાં થયેલ કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલ પારાવાર નુકશાની સમયે રાજ્ય સરકારના ખેતીવાડી ખાતાના અધિકારીઓ, ગ્રામ સેવકો સાથે મળીને ગણતરીના દિવસોમાં રાજકોટ વિભાગ હેઠળના ૩૯ તાલુકાઓમાં ખેતીમાં થયેલ નુકશાનીનો સર્વે પૂર્ણ કર્યો હતો.
રાજયના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ૧૦ હજાર કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જેના ભાગ રૂપે ખેડૂતોને નુકશાની પામેલ પાક બિન પિયત, પિયત કે બહુ વર્ષાયુ હોય તો પણ સમાન પ્રકારે ૩૩% કે તેથી વધુ નુકશાનીના કિસ્સામાં રૂ. ૨૨૦૦૦/- પ્રતિ હેક્ટર લેખે વધુમાં વધુ બે હેક્ટર એટલે કે ૪૪૦૦૦/- જેટલી સહાય ચૂકવવાનું જાહેર કરવામાં આવ્યું છે.
હાલ જ્યારે શિયાળુ વાવેતરનો સમય છે ત્યારે ખુબ મહેનતમાં પરોવાયેલ કૃષિકારોને આ અંગેની તલસ્પર્શી વિગતો રાજ્યના ખેતીવાડી ખાતા દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે અને જો દિવસે ખેડૂતોને નવરાશ ન હોય તો રાત્રીના સમયે પણ ગ્રામ્ય કક્ષાએ “કૃષિ રાહત પેકેજ–ઓક્ટોબર, ૨૦૨૫” ની અરજીઓનો બહોળો પ્રતિસાદ ખેડૂતો દ્વારા સૌરાષ્ટ્ર – કચ્છનાં ખેડૂતો દ્વારા મળી રહ્યો છે. જેની અરજી કરવામાં બાકી રહી ગયેલ ખેડૂતોને તા. ૨૯-૧૧-૨૦૨૫ સુધીમાં તાત્કાલિક ધોરણે ગ્રામ્ય કક્ષાએ VCE/VLE મારફત અરજી કરાવી લેવા ખેતીવાડી ખાતાની યાદીમાં જણાવાયું છે.



