GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ ખાતે ત્રિદિવસીય “નેશનલ સ્પોર્ટ્સ ડે”ની ઉજવણીનો પ્રારંભ

તા.૨૯/૮/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

મેયરશ્રી, સાંસદ સભ્યશ્રીઓ તેમજ ધારાસભ્યશ્રીની ઉપસ્થિતિમાં મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ ખાતે ખેલાડીઓનું સન્માન, ફિટ ઈન્ડિયા શપથ, હોકી મેચનો પ્રારંભ

Rajkot: ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે તા.૨૯ થી ૩૧ ઓગસ્ટ સુધી “નેશનલ સ્પોર્ટ્સ ડે”ની ઉજવણી કરવામાં આવી રહી છે.

જે અંતર્ગત આજરોજ રાજકોટમાં મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ-રેસકોર્સ ખાતે મેયરશ્રી નયનાબેન પેઢડીયા, સંસદ સભ્યો સર્વેશ્રી પરસોત્તમભાઈ રૂપાલા, શ્રી રામભાઈ મોકરિયા, ધારાસભ્ય શ્રી ડૉ. દર્શિતાબેન શાહ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.

સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં સાંસદશ્રી તેમજ ધારાસભ્યશ્રી સહિતના મહાનુભાવોની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં હોકી ગ્રાઉન્ડ ખાતે હોકીની મેચનો શુભારંભ કરવામાં આવ્યો હતો. સાથોસાથ ઉપસ્થિત વિદ્યાર્થીઓ તેમજ ખેલાડીઓએ ‘ફીટ ઈન્ડિયા’ના શપથ લીધા હતાં. આ સાથે રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ ઉત્કૃષ્ઠ દેખાવ કરનારા ખેલાડીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, ‘નેશનલ સ્પોર્ટ્સ ડે’ નિમિત્તે આવતીકાલે તા. ૩૦મી ઓગસ્ટે પોલીસ હેડ ક્વાર્ટર ખાતે વોલીબોલ તથા રસ્સા ખેંચની સ્પર્ધા રાખવામાં આવશે. જેમાં પોલીસ વિભાગ, કોર્પોરેશન વિભાગ, જિલ્લા પંચાયત તથા કલેક્ટર કચેરીની પુરુષ ટીમ અને મહિલા ટીમ એમ ચાર-ચાર ટીમો વચ્ચે સ્પર્ધા થશે. જ્યારે તા. ૩૧મી ઓગસ્ટે ‘ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ’ અને ‘મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અન્વયે રાજકોટ મહાનગર તથા નગરપાલિકા કક્ષાએ ‘સાયકલ ઓન સન્ડે’નું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે કલેકટર શ્રી ડો. ઓમપ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનંદુ સુરેશ ગોવિંદ, રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ શ્રી મહેશ જાની, નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી હર્ષદ પટેલ, જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી રમાબેન મદ્રા, વિવિધ રમતના કોચ સહિત બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને રમતવીરો ઉપસ્થિત રહ્યાં હતા.

Back to top button
error: Content is protected !!