Rajkot:વિકાસ મહોત્સવ :- સામાન્ય તાવથી માંડીને જટિલ બીમારીના ઈલાજ માટે શ્રેષ્ઠ આરોગ્ય સેવા પુરી પાડતી રાજકોટની સિવિલ અને એઇમ્સ હોસ્પિટલ
તા. 9/10/2025
વાત્સલયમ્ સમાચાર
આલેખન : રાજકુમાર
એઇમ્સમાં ઓ.પી.ડી. પાંચ લાખને પાર, એન.આઈ. સી. યુ. સહીત ૨૬૦ બેડની ઇન્ડોર સુવિધાનો ૮ હજારથી વધુ દર્દીઓએ લીધેલો લાભ
સિવિલ હોસ્પિટલ ખાતે એપ્રિલ થી સપ્ટેમ્બર – ૨૦૨૫ માં ૪.૫૮ લાખ ઓ.પી.ડી., ૩૨ હજારથી વધુ દર્દીઓની ઇન્ડોર સારવાર
સિવિલ હોસ્પિટલમાં રૂ. ૧૦૦ કરોડના ખર્ચે નિર્મિત ગાયનેક અને બાળકોની ૯ માળની અલાયદી હોસ્પિટલ ખાતે ચાલુ વર્ષે ૧.૧૧ લાખ ઓ.પી.ડી., ૫,૩૫૨ પ્રસૂતિ
પી.એમ.એસ.એસ.વાય. બિલ્ડીંગમાં આધુનિક ઓપરેશન થીએટર સાથે ન્યુરોલોજી, નેફ્રોલોજી, કાર્ડિયોલોજી, યુરોલોજી, રુમેટોલોજી, એન્ડોક્રાઇન, ગેસ્ટ્રોલોજી સહિતના કાર્યરત વિભાગો
Rajkot: સામાન્ય તાવથી માંડીને ગંભીર અકસ્માત અને અન્ય જટિલ બીમારીઓમાં નિઃશુલ્ક કે નજીવા દરે ઉત્તમ સારવાર મળી રહે તે માટે દર્દીઓએ ચિંતા કરવા જેવું નથી, કારણકે સરકારે લોકોના આરોગ્યની ખેવના કરતી આધુનિક હોસ્પિટલ્સ રાજકોટમાં ઉપલબ્ધ કરાવી છે.
રાજકોટની પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલમાં સમય સાથે અત્યાધુનિક પી.એમ.એસ.એસ.વાય અને મેટરનિટી અને ચાઈલ્ડ હોસ્પિટલ સૌરાષ્ટ્રના દર્દીઓની સારવાર તથા સેવામાં અગ્રેસર રહી છે. સમગ્ર ગુજરાતના દર્દીઓને ખુબ જ ઓછા દરે શ્રેષ્ઠ સેવા પુરી પાડતી ગુજરાતની પ્રથમ એઇમ્સ હોસ્પિટલ સુપર સ્પેશ્યાલિટી અને ઇન્ફ્રાસ્ટ્રકચર સાથે સેવાઓનો ફલક વધારી રહી છે.
વિકાસ પુરુષ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનને ૨૪ વર્ષ પૂર્ણ થતાં *વિકાસ સપ્તાહ* ની ઉજવણી હાલ સમગ્ર રાજ્યમાં ચાલી રહી છે, ત્યારે રાજકોટને તેમના દ્વારા અપાયેલી એઇમ્સ રૂપી દેનને કેમ ભૂલી શકાય ? રાજકોટ ખાતે કાર્યરત ગુજરાતની પ્રથમ અને એક માત્ર એઇમ્સની ઓ.પી.ડી. સેવાનો આજ સુધીમાં ૫,૮૨,૮૩૯ થી વધુ લોકોએ લાભ લીધો છે. ૨૬૦ બેડની ઇન્ડોર પેશન્ટ સુવિધા સાથે ફૂલ ફ્લેજમાં ચાલી રહી છે. જેનો ૮ હજારથી વધુ દર્દીઓએ લાભ મેળવ્યો છે.
અહીં દર્દીઓની સારવાર માટે જરૂરી લેબ ટેસ્ટ સામાન્ય દરે કરી આપવામાં આવે છે, જેમાં ૬,૧૪,૮૧૦ લેબ રિપોર્ટ કરી આપવામાં આવ્યા છે. તો ટ્રોમા સહીત ઇમર્જન્સીના ૧૭ હજાર થી વધુ કેસમાં એઇમ્સ હોસ્પિટલ દર્દીને નવજીવન આપવામાં સહાયક બની છે.
રાજકોટ એઇમ્સમાં માત્ર ૧૦ રૂ. માં ઓ.પી.ડી. વિભાગમાં નિદાન કરી આપવામાં આવે છે. જેમાં બાળકોના, સ્ત્રી રોગ, આંખ, કાન, ગળા, મોં, ફેફસા, ચામડી, જનરલ મેડિસિન, મનોચિકિત્સક સહિતના વિભાગમાં દર્દીઓને તપાસ કરી આપવામાં આવે છે. જેમાં દર્દીઓને વધુ સારવાર અર્થે દાખલ કરી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સ દ્વારા સારવાર કરી આપવામાં આવે છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી સહીત તમામ વિભાગમાં ઓ.પી.ડી. તેમજ ઇન્ડોર સારવાર વિભાગ કાર્યરત છે. વર્ષ ૨૦૨૪માં રાજકોટ સિવિલની વિક્રમી ૧૦ લાખથી વધુની ઓ.પી.ડી., ૧૬૦૦ બેડની હોસ્પીટલમાં ૫૦ હજારથી વધુ સર્જરી સાથે ૧.૨૨ લાખ લોકોને ઇન્ડોર સારવાર પૂરી પાડવામાં આવી હતી.
ચાલુ વર્ષે એપ્રિલ થી સપ્ટેમ્બર – ૨૦૨૫ માં સિવિલ હોસ્પિટલ ખાતે ૪,૫૮,૫૩૯ ઓ.પી.ડી., ૩૨,૯૨૭ દર્દીઓની ઇન્ડોર સારવાર, ૭૬૫૭ મેજર સર્જરી, ૧૮૦૦૩ માઇનોર સર્જરી, ૨,૦૪,૭૪૦ એક્સ-રે, તેમજ માતૃત્વ અને બાળ હોસ્પિટલ (ઝનાના) ખાતે ૧,૧૧,૭૮૧ ઓ.પી.ડી., ૩,૦૦૫,૯ મહિલા બાળ દર્દીઓની સારવારતેમજ ૫,૩૫૨ પ્રસૂતિ દ્વારા નવજાત બાળ અવતરણ કરવામાં આવ્યું છે.
સિવિલ હોસ્પિટલ ખાતે પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અંતર્ગત તૈયાર કરવામાં આવેલી પાંચ માળની બિલ્ડીંગમાં અત્યાધુનિક ઓપરેશન થીએટરમાં ન્યુરોલોજી, નેફ્રોલોજી, કાર્ડિયોલોજી, યુરોલોજી, રુમેટોલોજી, એન્ડોક્રાઇન, ગેસ્ટ્રોલોજી સહિતના વિભાગોમાં દર્દીઓને સારવાર-સર્જરી કરી આપવામાં આવે છે. તો અહીં ડાયાલીસીસ કેન્દ્રમાં કિડનીના દર્દીઓને નિઃશુલ્ક ડાયાલીસીસ કરી આપવામાં આવે છે. યુ.એન.મહેતા હોસ્પિટલના સહયોગથી અહીં હૃદય રોગનું નિદાન તેમજ સારવાર કરી આપવામાં આવે છે. તો કેન્સર સહિતની બીમારીની અહીં ઓ.પી.ડી. સૌરાષ્ટ્ર કેન્સર રિસર્ચ સેન્ટરના સહયોગથી કરવામાં આવે છે.
સૌરાષ્ટ્ર કચ્છના ગાયનેક અને બાળ દર્દીઓ માટે રૂ. ૧૦૦ કરોડના ખર્ચે નિર્મિત હોસ્પિટલમાં ૫૦૦ બેડ ઉપરાંત વધારાના ૨૦૦ બેડની સુવિધા સાથે કુલ ૭૦૦ બેડની સુવિધા, સૌરાષ્ટ્રની પ્રથમ મિલ્ક બેન્ક, ટ્રાઈએઝ, થ્રી લેયર એન.આઈ.સી.યુ., ડી.ઈ.આઈ.સી., એન.આર.સી. પ્લે ગ્રાઉન્ડ સહિતની સુવિધા આ કેમ્પસમાં ઉપલબ્ધ કરાવાઈ છે.
ઓર્થોપેડિક વિભાગમાં મણકા, ખભાના દર્દીઓની જટિલ સર્જરી કરી આપ્યાના અનેક કેસ જોવા મળે છે. તો પ્લાસ્ટિક, જનરલ સર્જરી સહિતના વિભાગમાં લાખો દર્દીઓએ આયુષ્માન ભારત યોજના હેઠળ નિઃશુલ્ક સારવાર મેળવી છે. ઈ.એન.ટી., વિભાગ હેઠળ કોકલીયર ઇમ્પ્લાન્ટ સર્જરી થકી ૨૦૦ જેટલા બાળકોની શ્રવણ શક્તિ ખીલવી આપી છે.
સિવિલ હોસ્પિટલ ખાતે સ્કીન બેન્ક, કેથ લેબ, બ્લડ બેન્ક સહિતની સુવિધા ઉપલબ્ધ છે. કોરોના મહામારીમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવેલી સારવારથી અનેક દર્દીઓના જીવ બચાવી શકાયા હતાં.
રાજકોટ એ સૌરાષ્ટ્રનું હબ છે, અહીં રોજબરોજ વિવિધ જિલ્લાઓમાંથી અનેક જરૂરિયાતમંદ દર્દીઓ સારવારની આશાએ આવે છે, જેના જીવનું રખોપું કરતી સિવિલ અને હવે એઈમ્સ હોસ્પિટલ દર્દીઓ માટે દેવદૂત સમાન બની રહી છે.