Rajkot: વિકાસ સપ્તાહ રાજકોટ જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ કચેરી દ્વારા પોષણ દિવસ ઉજવાયો
તા. 9/10/2025
વાત્સલયમ્ સમાચાર
Rajkot: ગુજરાત રાજ્યમાં સગર્ભાઓ, ધાત્રીઓ અને તેમના બાળકોને પૂરતું પોષણ મળે, તે હેતુસર તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંનિષ્ઠ પ્રયાસો કર્યા હતા. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૦૭ ઓક્ટોબર, ૨૦૦૧ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતાં, જેને ૨૪ વર્ષ પૂર્ણ થયા છે. તેમની આ સંકલ્પ સિદ્ધિની ગાથાને જન-જનમાં ઉજાગર કરવા રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે. જે અંતર્ગત ૦૯ ઓક્ટોબરે પોષણ દિવસ ઉજવવામાં આવ્યો હતો.
રાજકોટ જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ કચેરી દ્વારા પોષણની થીમ આધારિત જિલ્લા, તાલુકા, સેજા અને આંગણવાડી કક્ષાએ વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જે અન્વયે આયોજિત ‘સુપોષણ સંવાદ’ કાર્યક્રમમાં ઉપસ્થિતોને ધાત્રી માતાઓ, નવજાત શિશુઓ અને બાળકોને આહાર આપવાની પદ્ધતિઓ વિશે સમજાવવામાં આવ્યું હતું. તેમજ ‘અન્નપ્રાશન’ કાર્યક્રમમાં બાળકોના અન્નપ્રાશન સંસ્કાર (ભોજન ચખાડવું) કરાવવામાં આવ્યા હતાં.
આ ઉપરાંત, ‘પોષણ ભી, પઢાઈ ભી’ સૂત્રને સાકાર કરવા માટે ૧૧ વર્ષથી ૧૪ વર્ષની કિશોરીઓને પોષણ અને બિનપોષણ સેવાઓનો લાભ આપવામાં આવ્યો હતો. આંગણવાડી કેન્દ્રોની દિવાલ ઉપર પોષણ વિષયક સૂત્રોનું આલેખન કરવામાં આવ્યું હતું. તેમજ આંગણવાડી કેન્દ્રોના સ્ટાફ અને લાભાર્થીઓએ પોષણ શપથ લીધા હતાં.