Rajkot: વિકાસ સપ્તાહ – ૨૪ વર્ષ સફળ અને સક્ષમ નેતૃત્વનાં રાજકોટ જિલ્લામાં તા. ૦૭થી ૧૫ ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી કરાશે
તા.6/10/2025
વાત્સલયમ્ સમાચાર
આવતીકાલે સરધાર ખાતેથી વિકાસ સપ્તાહની ઉજવણીનો શુભારંભ
વિવિધ સ્પર્ધાઓ, સ્વદેશી મેળા, કૃષિ પ્રદર્શનો, વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત-લોકાર્પણ કાર્યક્રમોનું આયોજન
Rajkot: દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તા. ૦૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિવસે ગુજરાતના ૧૪મા મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. ત્યારથી ગુજરાતના વિકાસની વણથંભી યાત્રા શરૂ થઈ, તેને તા. ૦૭ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ સફળતાપૂર્વક ૨૪ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. જે અંતર્ગત ગુજરાતની જનહિતકારી સુશાસનની ગાથા જન-જન સુધી ઉજાગર કરવા તા. ૦૭ ઓક્ટોબરથી તા. ૧૫ ઓક્ટોબર સુધી સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉમંગભેર ઉજવણી કરાશે. જેના ભાગરૂપે રાજકોટ જિલ્લામાં પણ વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. આવતીકાલે સરધાર ખાતેથી વિકાસ સપ્તાહના કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવશે ત્યારબાદ કસ્તુરબાધામ તથા સણોસરા ગામ ખાતે પણ કાર્યક્રમ યોજવામાં આવશે.
વિકાસ સપ્તાહ દરમિયાન તા. ૦૭ના રોજ યુવા સશક્તિકરણ દિવસ નિમિત્તે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ક્વિઝ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા યોજાશે. તા. ૦૮ના રોજ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા રોજગાર મેળા અંતર્ગત યુવાનોને રોજગાર એનાયત પત્ર વિતરણ અને આઇ.ટી.આઇ.ના વિદ્યાર્થીઓને પ્રોવિઝનલ પ્લેસમેન્ટ ઓફર પત્રનું વિતરણ કરાશે. તા. ૦૮ના રોજ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પોષણ દિવસ નિમિત્તે ટેક હોમ રાશન, સરગવા અને મિલેટથી બનતી વાનગીઓનું નીદર્શન કરાશે. ઉપરાંત, તા. ૦૯ અને તા. ૧૦ના રોજ ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા ઉદ્યોગ સાહસિકતા દિવસ નિમિત્તે ઉદ્યમિતા સહાય મેળા, વેન્ડર ડેવલપમેન્ટ કાર્યક્રમ, રીવર્સ બાયર્સ સેલર મીટ, સ્ટાર્ટઅપ હેકાથોન, સ્ટાર્ટઅપ્સ દ્વારા પિચિંગ સેશન, ઉદ્યોગ સાહસિકોના ઉત્પાદનોના પ્રદર્શનનું આયોજન કરાયું છે.
આ સિવાય, તા. ૧૧ના રોજ પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભ વિતરણ, વિવિધ યોજનાઓ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનારી ગ્રામ પંચાયતોનું સન્માન, વિકાસ રથનું આયોજન, સરકારી સંસ્થાઓમાં “સ્વચ્છતા શપથ”નું આયોજન કરાયું છે. તા.૧૨ અને તા. ૧૩ના રોજ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા નગરપાલિકાઓના સહયોગથી સ્વદેશી મેળા, જાહેર સ્થળોની દિવાલો પર ભીંત ચિત્રો બનાવવાનું આયોજન છે. તા. ૧૪ના રોજ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા કૃષિ વિકાસ દિન નિમિત્તે રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ, પાક પરિસંવાદો, કૃષિ પ્રદર્શનો, પશુ આરોગ્ય મેળા યોજાશે, તેમજ તા. ૧૫ના રોજ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત-લોકાર્પણ કાર્યક્રમો યોજાશે.
બોક્સ
વિકાસ સપ્તાહની ઉજવણી સંદર્ભે જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
આવતીકાલથી શરૂ થનાર વિકાસ સપ્તાહ અંતર્ગત થનારા કાર્યક્રમોના આયોજન સહિતની બાબતો સંદર્ભે રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી ડો. ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં કલેક્ટરશ્રીએ વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત કરવાની થતી કામગીરી અને વ્યવસ્થાઓ સંદર્ભે વિસ્તૃત સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત, વિકાસ સપ્તાહ દરમિયાન વિવિધ કચેરીઓ દ્વારા હાથ ધરવામાં આવનારી પ્રવૃત્તિઓના આયોજનની વિગતો મેળવી સુચારૂ અમલીકરણ અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ તકે કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં સરધાર ખાતેથી વિકાસ રથનો શુભારંભ કરવામાં આવશે. આ વિકાસ રથ રાજકોટ જિલ્લાના વિવિધ ગામોમાં ફરશે અને સાથે સાથે છેવાડાના લોકોને વિવિધ યોજનાકીય લાભો તથા સ્વચ્છતા હી સેવા, એક પેડ મા કે નામ, મેદસ્વિતામુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત લોકજાગૃતિ સંદેશા પહોંચાડવામાં આવશે.