વલસાડના તિથલ સરકારી આયુર્વેદ દવાખાનામાં ૧૨ થી ૩૫ વર્ષની યુવતીઓ માટે વિશેષ યોગ શિબિર યોજાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
યોગ એ યુવા મહિલાઓ માટે એક શક્તિશાળી માધ્યમ છે, જે શરીર, મન અને જીવનશૈલીને એક નવી દિશા આપે છેઃ ડો. ધર્મિષ્ઠા ઠાકોર: રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પ્રેરિત અને નિયામકશ્રી આયુષની કચેરી દ્વારા સંચાલિત તથા વલસાડ જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ- ૨૦૨૫ તથા “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત વલસાડના તિથલ ખાતે આંગણવાડી નંબર ૦૨ ખાતે તિથલના સરકારી આયુર્વેદ દવાખાનાના મેડિકલ ઓફિસર ડૉ.ધર્મિષ્ઠા પટેલ દ્વારા ૧૨ થી ૩૫ વર્ષની યુવતીઓ માટે વિશેષ યોગ શિબિર રાખવામાં આવી હતી.
આ યોગ શિબિરનો હેતુ સમજાવતા ડો. ધર્મિષ્ઠા પટેલે યુવા મહિલાઓને જણાવ્યું કે, યોગ દ્વારા મહિલાઓમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સંબંધી જાગૃતિ ફેલાવી રોજબરોજની જીવનશૈલીમાં યોગને સામેલ કરવું મહત્વનું છે.
યુવા મહિલાઓ માટે યોગ માત્ર શરીરના લાભ સુધી સીમિત નથી પરંતુ તે મન, ભાવનાઓ અને જીવનશૈલીને પણ સુંદર રીતે સકારાત્મક બનાવી શકે છે. વિવિધ આસોનોનો નિયમિત અભ્યાસ કરવાથી વિવિધ લાભ જોવા મળે છે, એવા ખાસ આસનો છે જેમ કે, સુપ્ત બદ્ધકોનાસન, ભૂજંગાસન જે માસિકસ્ત્રાવ સમયમાં થતો પેટનો દુખાવો અને માથાનો તણાવ ઘટાડે છે. યોગ શરીરમાં હોર્મોનલ સંતુલન લાવે છે જેનાથી PCOD/PCOSમાં મદદરૂપ થાય છે. ચક્રાસન, અર્ધ કટી ચક્રાસન, ધનુરાસન, પશ્ચિમોતાસન જેવા વિવિધ આસનોથી પીઠ, પેટ, કમર અને પગના માંસપેશી મજબૂત થાય છે. પ્રાણાયામ અને આસનો આરોગ્ય માટે લાભદાયી છે તેનાથી રજસાવ નિયમિત થાય છે. યુવાનીમાં વધતું વજન યોગ દ્વારા સરળતાથી નિયંત્રિત થાય છે. શરીર સ્ફૂર્તિભર્યું અને આકર્ષક બને છે. આમ, “યોગ એ યુવા મહિલાઓ માટે એક શક્તિશાળી માધ્યમ છે, જે શરીર, મન અને જીવનશૈલીને એક નવી દિશા આપે છે”.




