Rajkot; ધ્વનિ પ્રદૂષણ અટકાવવા કલેકટરશ્રી પ્રભવ જોશી દ્વારા ટીમનું ગઠન કરાયું
તા.૫/૬/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
ટીમ દ્વારા રાજકોટના રંગોલી પાર્ક વિસ્તારમાં ધ્વનિ પ્રદુષણ અંગે ૧૫ પાર્ટી પ્લોટની તપાસ કરાઈ: ૩ ગુના દાખલ, સ્પીકર કબજે કરાયા
Rajkot: રાજકોટ શહેરનાં રંગોલી પાર્ક વિસ્તારમાં આવેલ ખુલ્લા પાર્ટી પ્લોટમાં થતા કાર્યક્રમોના કારણે વારંવાર થતા ધ્વનિ પ્રદુષણ અંગે સ્થાનિકો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. આ અંગે કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી પ્રભવ જોશીએ મામલતદારશ્રી-રાજકોટ તાલુકા, પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, તાલુકા પોલીસ સ્ટેશન અને આર.એમ.સી.ના અધિકારીશ્રીઓની તપાસ ટીમ બનાવી રંગોલી પાર્ક વિસ્તારમાં આવેલ તમામ પાર્ટી પ્લોટની તપાસ કરવા આદેશ કર્યો હતો.
તપાસ ટીમ દ્વારા તા.૨૯/૦૫/૨૦૨૫ના રોજ રંગોલી પાર્ક વિસ્તારમાં આવેલ કુલ-૧૫ પાર્ટી પ્લોટની તપાસ કરવામાં આવી હતી. ધ્વનિ પ્રદુષણ અંગે જી.પી.સી.બી.ના નિયમો તથા પોલીસ કમિશનરશ્રી, રાજકોટ શહેરના જાહેરનામાના ભંગ બદલ પાર્ટી પ્લોટના માલિક/આયોજકો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ મુજબના કુલ-૩ ગુન્હાઓ નોંધવામાં આવ્યા હતા. ધ્વનિ પ્રદુષણ ફેલાવતા સાઉન્ડ સિસ્ટમ/ડી.જે.ના સ્પીકર પોલીસ દ્વારા કબ્જે લેવામાં આવ્યા હતા. સંયુક્ટ ટીમ દ્વારા તમામ પાર્ટી પ્લોટના માલિકોને ધ્વનિ પ્રદુષણ અંગેના પ્રવર્તમાન નિયમો અને પોલીસ કમિશનરશ્રી, રાજકોટના જાહેરનામાની અમલવારીનું ચુસ્તપણે પાલન કરવા સુચના આપવામાં આવી હતી.
આગામી સમયમાં પણ ધ્વનિ પ્રદુષણ અંગેના નિયમોના ભંગ બદલ પ્રદુષણ નિયંત્રણ બોર્ડ-રાજકોટ, પોલીસ કમિશનરશ્રી-રાજકોટ શહેર, રાજકોટ મહાનગર પાલિકા અને મામલતદારશ્રી, રાજકોટ તાલુકા દ્વારા સમયાંતરે કાર્યવાહી કરવામાં આવશે તેમ જિલ્લા વહીવટી તંત્રની યાદીમાં જણાવાયું છે.