GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: સરકારી ઈ-માર્કેટપ્લેસ (GeM) પોર્ટલ બન્યું વિક્રેતાઓ માટે ખરૂ રત્ન

તા.૪/૨/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

ખાસ લેખ – ડો. દિવ્યા ત્રિવેદી

વર્ષ ૨૩-૨૪માં ૧૦.૫ લાખ કરોડ, વર્ષ ૨૪-૨૫મા ૪ કરોડ લાખથી વધુનો થયો વ્યાપાર

૧.૬ લાખ સરકારી ખરીદદાર સંસ્થાઓ અને ૨૨.૫ લાખ વિક્રેતાઓ સાથે વ્યાપારનું વન સ્ટોપ પોર્ટલ

Rajkot: સરકારી ઈ-માર્કેટપ્લેસ (GeM)એ હાલમાં ભારતીય વિક્રેતાઓનું મનપસંદ ઓનલાઇન પોર્ટલ બની રહ્યું છે. “જેમ” એ વિવિધ સરકારી વિભાગો/સંસ્થાઓ/પીએસયુ દ્વારા જરૂરી સામાન્ય ઉપયોગની વસ્તુઓ અને સેવાઓની ઓનલાઈન પ્રાપ્તિની સુવિધા આપવા માટેનું વન સ્ટોપ પોર્ટલ છે.

સરકારી ખરીદદારો જેમ કે, કેન્દ્રીય મંત્રાલયો અને રાજ્ય વિભાગો, જાહેર ક્ષેત્રના સાહસો, સ્વાયત્ત સંસ્થાઓ, પંચાયતો, એકલ અને બહુ-રાજ્ય સહકારી મંડળીઓ વગેરે માલસામાન અને સેવાઓની પ્રાપ્તિ માટે જેમ પોર્ટલ પર નોંધાયેલા વિક્રેતાઓની સાથે સીધો વ્યાપાર કરે છે. GeMનો હેતુ જાહેર ખરીદીમાં પારદર્શિતા, કાર્યક્ષમતા અને ઝડપ વધારવાનો છે. તે ઈ-બિડિંગ, રિવર્સ ઈ-ઓક્શન અને ડિમાન્ડ એગ્રીગેશનના સાધનો પૂરા પાડે છે, જેથી સરકારી વપરાશકર્તાઓ તેમના નાણાં માટે શ્રેષ્ઠ મૂલ્ય પ્રાપ્ત કરી શકે છે. નાણાં મંત્રાલય દ્વારા સરકારી વપરાશકર્તાઓ માટે GeM થકી ખરીદીને અધિકૃત અને ફરજિયાત બનાવવામાં આવી છે. જેનો સીધો લાભ ખરીદનાર સંસ્થા સાથે જેમ પોર્ટલમાં જોડાયેલ વિક્રેતાઓને પણ મળે છે. હાલમાં ‘જેમ’ પોર્ટલ પર ૧.૬ લાખથી વધુ ખરીદનાર સંસ્થાઓ નોંધાયેલી છે, જેના દ્વારા છેલ્લા નાણાકીય વર્ષ ૨૩-૨૪માં ૧૦ લાખ ૫૪ હજાર ૦૬૧ કરોડની કિંમતના ૨૯ લાખથી વધુના ઓર્ડર આપવામાં આવેલ છે. જયારે છેલ્લા ૧૦ માસમાં જ ૪ લાખ કરોડથી વધુની જીએસવી (ગ્રોસ મર્ચેન્ડાઇઝ વેલ્યુ ) પ્રાપ્ત કરી છે. હાલમાં પોર્ટલ પર ૨૨.૫ લાખ વિક્રેતાઓ જોડાયેલા છે. જેમાં સેવા ક્ષેત્ર અને ઉત્પાદન બંને સંબંધિત વિક્રેતાઓ સમાવિષ્ટ છે.

https://gem.gov.in/ પોર્ટલ પરથી “જેમ”મા સમાવિષ્ટ સેવાઓ, ઉત્પાદનોની ખરીદીનો લાભ મેળવી શકાય છે. ‘જેમ’માથી ખરીદીથી અનેક લાભ છે. જેમકે, માલ/સેવાઓની વ્યક્તિગત શ્રેણીઓ માટે ઉત્પાદનોની સમૃદ્ધ સૂચિ હોવાથી શોધ, તુલના, પસંદગી અને ખરીદીની સુવિધા ઉપલબ્ધ બને છે. જ્યારે અને જ્યાં જરૂરી હોય ત્યારે અને ત્યાં થી જ, સામાન અને સેવાઓની ઑનલાઇન ખરીદી શકય છે. પારદર્શિતા અને ખરીદીની સરળતા પૂરી પાડે છે, સતત વિક્રેતા રેટિંગ સિસ્ટમથી ગુણવત્તાની ખાતરી આપે છે. ખરીદી, મોનિટરિંગ સપ્લાય અને ચૂકવણી માટે અદ્યતન યુઝર ફ્રેન્ડલી ડેશબોર્ડ, સરળ વળતર નીતિનો સમાવેશ પણ હોવાથી ખરીદનાર માટે સરળ રહે છે.

જેમમા રજીસ્ટર થવાથી વિક્રેતાને તમામ સરકારી વિભાગોમાં સીધો પ્રવેશ મળે છે. ન્યૂનતમ પ્રયત્નો સાથે માર્કેટિંગ માટે વન-સ્ટોપ શોપ મળે છે. ઉત્પાદનો/સેવાઓ પર બિડ/રિવર્સ ઓક્શન માટે, વિક્રેતાઓ માટે નવી પ્રોડક્ટ સજેશનની સુવિધા પણ પોર્ટલ પર ઉપલબ્ધ છે. બજારની સ્થિતિના આધારે ઓનલાઇન કિંમત પણ બદલી શકાય છે. વેચાણ, પુરવઠા અને ચુકવણીઓનું નિરીક્ષણ કરવા માટે યુઝર ફ્રેન્ડલી ડેશબોર્ડની સુવિધા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે વ્યવસાયને વધારવાની અમર્યાદિત તકો મળે છે. પોર્ટલ પર ઝડપી નિરાકરણ માટે ઓનલાઇન ફરિયાદ નિવારણ પદ્ધતિ પણ આપવામાં આવી છે. વળી મહિલાઓ અને નાના કારીગરો વગેરેના સમાવેશને પ્રોત્સાહન આપવા માટે અલ્પ સેવા ધરાવતા વિક્રેતા જૂથોને વિશેષાધિકારો સાથે પોતાની કળાને પોર્ટલ પર જોડી શકાય છે. જેમ પોર્ટલ પર વિક્રેતા બનવાના આટલા બધા લાભના કારણે જ સમગ્ર ભારતના વિક્રેતા માટે આજે જેમ પોર્ટલ પર રજીસ્ટર થવુ મહત્વનું બન્યું છે. જેમ એ તેમના માટે ખરેખર રત્ન સમાન બન્યું છે.

ચાલો જાણીએ શું કહે છે જેમ સાથે જોડાયેલા વિક્રેતાઓ

રાજકોટ ખાતે યોજાયેલ ભારતીય ઔદ્યોગિક મેળામાં ‘જેમ’ પોર્ટલ પર જોડાવા રજીસ્ટ્રેશન કરાવતા અરિત્વા ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડના નિકુંજભાઈ મારવીયા કહે છે કે, “હું ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન સોલ્યુશન સાથે જોડાયેલો છું. ગુજરાતમાં તો હું મારી પ્રોજેક્ટ વેચતો જ હતો પરંતુ જેમ પોર્ટલ પર રજીસ્ટર કરાવવાથી હવેથી સંપૂર્ણ ભારતમાં મારી પ્રોડક્ટ હું વેચી શકીશ. જેમમાં રજીસ્ટર થવાથી મારી પ્રોડક્ટને ઓલ ઓવર ઇન્ડિયા વિઝિબિલિટી મળી છે.”

તો ઓવિયન કાસ્ટ એન્ડ ફોર્જ લિમિટેડના સેન્ડ કાસ્ટિંગ ફાઉન્ડ્રીના કામ સાથે જોડાયેલા ભગીરથસિંહ સરવૈયાએ જેમ પ્લેટફોર્મને વિશાળ ગેટ-વે રૂપે જણાવી કહ્યું હતું કે, “જેમ અમારા જેવા ઉદ્યોગકારો માટે એવું પ્લેટફોર્મ છે કે જેમાં જોડાવાથી મારી પ્રોડક્ટ કે મેન્યુફેક્ચરિંગ પાર્ટસના વેચાણ અંગે અમને ડિફેન્સ, રેલવે જેવી વિશાળ સંસ્થાઓ સાથે જોડાવાનો ગેટ-વે મળે છે. સરકાર સંબંધિત વેચાણ અને ખરીદીમાં અમે સીધા જોડાઈ શકીએ છીએ.” તો રાજકોટના રેવાટેક એન્જિનિયરિંગના નિલેશભાઈ પાડેસરાએ સરકારના ઇ- માર્કેટ પ્લેસ દ્વારા માઈક્રો યુનિટને વિસ્તરવાનો અને નવી તકો પ્રાપ્ત કરવાનો મોકો મળશે તેમ જણાવી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

GeM પર વિક્રેતા તરીકે નોંધણી કરાવવા શું કરવું??

GeM પર વિક્રેતા તરીકે નોંધણી કરવા માટે પ્રથમ QR કોડ સ્કેન કરી, સંસ્થાનો પ્રકાર પસંદ કરો, PAN અથવા આધાર દ્વારા વ્યક્તિગત માહિતીની ચકાસણી કરો, સંપૂર્ણ વપરાશકર્તા પ્રોફાઇલ બનાવો, CIN, PAN, DIPP ઉદ્યમ અને ITR વિગતો સબમિટ કરો, એન્ટિટી માટે પૂરક વિગતો સબમિટ કરો બસ આટલા પગલાં બાદ નોંધણી પૂર્ણ થશે. આ અંગે ‘જેમ’ના હેલ્પ ડેસ્ક – helpdesk-gem@gov.in/1800-102-3436/1800-419-3436 નો સંપર્ક પણ કરી શકાશે. તો, આવો જેમ પોર્ટલ પર જોડાઈ સીધા ભારતભરમાં વ્યાપાર કરો…

Back to top button
error: Content is protected !!