Rajkot: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજકોટમાં મેદસ્વિતા નિવારણ યોગ શિબિરોનો પ્રારંભ
તા.૨૧/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
વિરાણી બહેરા-મૂંગા શાળા અને રણછોડદાસ હોલ ખાતે આશરે ૨૦૦ જેટલાં લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું
Rajkot: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ના સંકલ્પને સાકાર કરવા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૫મા જન્મદિવસ નિમિત્તે રાજ્યભરમાં ૭૫ સ્થળોએ મેદસ્વિતા નિવારણ યોગ શિબિરનું આયોજન કરાયું છે.
રાજકોટ શહેરમાં હાલમાં ચાર સ્થળોએ યોગ કેમ્પ ચાલી રહ્યા છે. જે પૈકી ઇસ્ટ ઝોન કો-ઓર્ડીનેટર શ્રી મીતાબેન તેરૈયા સંચાલિત ગત તા. ૧૭ના રોજ વિરાણી બહેરા-મૂંગા શાળા (ઢેબર રોડ) ખાતે આયોજિત યોગ શિબિરમાં પ્રથમ દિવસે મેયર શ્રી નયનાબેન પેઢડીયા તથા ધારાસભ્ય શ્રી ડો. દર્શિતાબેન શાહે ઉપસ્થિત રહીને સાધકોને પ્રોત્સાહિત કર્યા હતાં. તેમજ ગત તા. ૨૦ના રોજ રણછોડદાસ કમ્યુનિટી હોલ ખાતે યોજાયેલી યોગ શિબિરમાં ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળાએ લોકોને નિયમિત યોગાભ્યાસ કરવાની પ્રેરણા આપી હતી.
આ બંને યોગ શિબિરમાં આશરે કુલ ૨૦૦ જેટલાં લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ શિબિરમાં દરરોજ સાધકોને ધ્યાન, પ્રાણાયામ, યોગાસનો, સૂર્ય નમસ્કાર થકી સ્થૂળતાને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. એટલું જ નહીં, સાધકોને મગનું પાણી, ગ્રીન ટી જેવા ડીટોક્સ ડ્રિંક અપાય છે. શિબિરોમાં યોગ ટીચર, યોગ કોચ ઉપરાંત ટ્રસ્ટી શ્રી પ્રશાંતભાઈ વોરા, આચાર્ય શ્રી કશ્યપભાઈ પંચોલી, શ્રી પ્રફુલ્લભાઈ ગોસ્વામી, શ્રી રજનીભાઈ બાવીસી સહિત અગ્રણીઓ જહેમત ઉઠાવી રહ્યાં છે.