Rajkot: રાજકોટના ઇતિહાસમાં સૌ પ્રથમવાર યોજાઈ સંસ્કૃત ગૌરવ પદયાત્રા: મેયર શ્રી નયનાબેન પેઢડીયા અને ધારાસભ્ય શ્રી ડો. દર્શિતાબેન શાહની વિશેષ ઉપસ્થિતિમાં સંસ્કૃત સપ્તાહ મહોત્સવનો શુભારંભ

તા.૮/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
સંસ્કૃત ગૌરવ પદયાત્રામાં જોડાતાં ૧૭૦૦ વિદ્યાર્થીઓ : પ્રાચીન સંસ્કૃતિને ઉજાગર કરતા ટેબ્લો પ્રદર્શિત કરાયા
સંસ્કૃત ભાષાને શીખીએ, સમજીએ અને રોજિંદા જીવનમાં ઉપયોગ કરીએ : મેયરશ્રી
સંસ્કૃત સંસ્કૃતિ છે, સંસ્કૃત સંસ્કાર છે : ધારાસભ્યશ્રી
Rajkot: ગુજરાત સરકાર શિક્ષણ વિભાગના રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા તા. ૦૬ ઓગસ્ટથી તા. ૧૨ ઓગસ્ટ સુધી આયોજિત સંસ્કૃત સપ્તાહ મહોત્સવનો રાજકોટમાં મેયર શ્રી નયનાબેન પેઢડીયા અને ધારાસભ્ય શ્રી ડો. દર્શિતાબેન શાહની વિશેષ ઉપસ્થિતિમાં ન્યૂ એરા સ્કૂલ ખાતે શુભારંભ કરાયો હતો. તેમજ રાજકોટના ઇતિહાસમાં સૌ પ્રથમવાર આયોજિત સંસ્કૃત ગૌરવ પદયાત્રાને મહાનુભાવોએ ઝંડી આપીને ન્યૂ એરા સ્કૂલથી પ્રસ્થાન કરાવ્યું હતું. જિલ્લા પંચાયત ચોક સુધી યોજાયેલી આ યાત્રામાં કુલ ૩૫ શાળાઓના આશરે ૧૭૦૦ વિદ્યાર્થીઓ જોડાયા હતા.
આ તકે મેયર શ્રી નયનાબેન પેઢડીયાએ જણાવ્યું હતું કે વિશ્વમાં સંસ્કૃત સૌથી પ્રાચીન ભાષા છે. આધુનિક યુગમાં પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રભાવને લીધે અન્ય ભાષાની ઘેલછા વધતી જાય છે. એવા વખતે દેવનાગરી લિપિ સંસ્કૃતના મહત્વને ઉજાગર કરવા સંસ્કૃત સપ્તાહ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સંસ્કૃત ભાષાને શીખીએ, સમજીએ અને રોજિંદા જીવનમાં ઉપયોગ કરીએ. તેમજ જનભાગીદારીથી આ અભિયાનને સફળ બનાવીએ.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી ડો. દર્શિતાબેન શાહે જણાવ્યું હતું કે સંસ્કૃતને તમામ ભાષાઓની માતા ગણાવી શકાય. કારણ કે માટાભાગની ભાષાઓનો ઉદ્ભવ સંસ્કૃત ભાષામાંથી થયો હતો. સંસ્કૃત ભાષા હજારો વર્ષ જૂની છે. સંસ્કૃત સંસ્કૃતિ છે, સંસ્કૃત સંસ્કાર છે. ભારતીય પરંપરાના મૂળમાં સંસ્કૃત છે. વેદો, પુરાણો, ધર્મગ્રંથો મુખ્યત્વે સંસ્કૃતમાં રચાયેલા છે. રાષ્ટ્રની સતત પ્રગતિ ત્યારે શક્ય છે, જ્યારે વિકાસ થવાની સાથે વિરાસત પણ જળવાય. આથી, ગુજરાત સરકારે સંસ્કૃતનો વ્યાપ કરવાનું બીડું ઝડપ્યું છે.
આ કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓએ સંસ્કૃત ગીત ‘ભવતુ ભારતમ્’ પર નૃત્ય, સરોજીની નાયડુ ગર્લ્સ સ્કૂલની વિદ્યાર્થીનીઓએ શાસ્ત્રીય નૃત્ય, ન્યૂ એરા સ્કૂલની વિદ્યાર્થીનીઓએ ‘મધુરાષ્ટકમ્’ સ્તોત્ર પર નૃત્ય, ધર્મેન્દ્રસિંહ આર્ટ કોલેજની વિદ્યાર્થીનીઓએ સંસ્કૃત ગરબો તથા વિદ્યાર્થીઓએ શ્રીકૃષ્ણ અને અર્જુનની ભૂમિકા ભજવીને શ્રીમદ્ ભગવદ્ ગીતાના ભક્તિ યોગના શ્લોકોનું ગાન કરીને પ્રેષકોને મંત્રમુગ્ધ કર્યા હતાં. સહયોગી બેન્કના પ્રતિનિધિઓ અને શાળા સંચાલકોને મોમેન્ટો આપીને તેમનું સન્માન કરાયું હતું. મહાનુભાવોએ સંસ્કૃત સંબંધિત વસ્તુઓ અને પુસ્તકની પ્રદર્શની નિહાળી હતી. તેમજ વિદ્યાર્થીઓને સંસ્કૃત યાત્રા માટે ટોપીનું વિતરણ કરાયું હતું.
આ કાર્યક્રમનો આરંભ દીપ પ્રાગટય અને દેવોની સ્તુતિના ગાનથી કરાયા બાદ મહાનુભાવોનું પુષ્પગુચ્છ અને પુસ્તકથી સ્વાગત કરાયું હતું. જિલ્લા શિક્ષણાધિકારી શ્રી દિક્ષીતભાઈ પટેલે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એજ્યુકેશન ઇન્સ્પેક્ટર શ્રી મહેશભાઈ ધંધુકિયા અને શિક્ષક શ્રી ભાવેશભાઈ ભટ્ટે કર્યું હતું. તેમજ સંસ્કૃતમાં અનેક શ્લોકો કંઠસ્થ કરનારા શ્રી ઉત્તમભાઈ મારુનું પુષ્પગુચ્છથી સન્માન કરાયું હતું.
આ અવસરે જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ડો. અશોકભાઈ વાણવી, નોડેલ અધિકારી શ્રી યોગેશભાઈ ભટ્ટ, ખાનગી શાળા સંચાલકો શ્રી અજયભાઈ પટેલ, શ્રી જિતુભાઈ ધોળકીયા સહિત શિક્ષણ કચેરીનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
સંસ્કૃત ગૌરવ યાત્રાના આકર્ષણો
સંસ્કૃત ગૌરવ યાત્રામાં વૈદિક અને પૌરાણિક ગ્રંથો, નટરાજ અને મહેશ્વર સૂત્રો, પ્રાચીન વલભી વિદ્યાપીઠની પ્રતિકૃતિ, સંસ્કૃત સાહિત્ય પરિચય, સાયન્સ ઈન સંસ્કૃત, પ્રાચીન ઋષિઓ અને વિદુષીઓના સંવાદો અને શાસ્ત્રીય નૃત્ય નિદર્શન અને સાહિત્ય નિદર્શન જેવા સાત ટેબ્લો રજૂ કરવામાં આવ્યા હતા. યાત્રાના રૂટ પર સંસ્કૃત ગરબા, સંસ્કૃત સુભાષિતો અને સંસ્કૃત ગીતોની રમઝટ બોલી હતી. ભારત સરકારના વિવિધ વિભાગોના સંસ્કૃત સૂત્રો અને સંસ્કૃત સુભાષિતોના આશરે ૧૦૦ બેનરો, ૩૦ રંગબેરંગી છત્રીઓ, ૨૬૦ મેઘધનુષ્યના સાત રંગની ધ્વજાઓ સાથે વિદ્યાર્થીઓ અને શિક્ષકો આ યાત્રામાં જોડાયા હતાં. આ યાત્રા દરમિયાન ‘સંસ્કૃત ભાષા, મધુરા ભાષા’, ‘વદતુ સંસ્કૃતમ્, જયતુ સંસ્કૃતમ્’નો જયઘોષ કરવામાં આવ્યો હતો. આ રેલીના રૂટ પર સંસ્કૃત ગૌરવ યાત્રા સેલ્ફી પોઇન્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં.







