Rajkot: ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ અભિયાન રાજકોટમાં સ્વદેશી ફેસ્ટિવલથી દિવાળીની ઉજવણીને મળી નવી દિશા
તા.15/10/2025
વાત્સલયમ્ સમાચાર
રાજ લક્કડ
‘વિકાસ સપ્તાહ’થી ‘સ્વદેશી મેળા’ સુધી રાજકોટમાં જોવા મળી આત્મનિર્ભર ભારતની ઝલક
Rajkot: આપણા જીવનમાં તહેવારોનું અનેરું મહત્વ છે, તેમાં પણ દિવાળી ખૂબ મોટો તહેવાર ગણાય છે. તહેવારોમાં થતી ખરીદીથી દેશની અર્થવ્યવસ્થાને બુસ્ટ મળે છે. દિવાળીમાં દરેક પરિવાર કોઈને કોઈ ચીજવસ્તુની ખરીદી કરી તહેવાર ઉજવતા હોય છે. ત્યારે દેશના પૈસા દેશમાં રહે, લોકો સ્વદેશી વસ્તુઓ ખરીદે અને દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવે તે જરૂરી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં સ્વદેશી વસ્તુની ખરીદી કરીને તહેવારો ઉજવવાનું અભિયાન શરૂ થયું છે. આ અભિયાનને રાજકોટ શહેર અને જિલ્લામાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “વિકાસ સપ્તાહ”ની ઉજવણી અન્વયે ‘શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫’ અને ‘આત્મનિર્ભર ભારત’ અભિયાન અંતર્ગત રેસકોર્ષ મેદાન ખાતે સ્વદેશી ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું. આ ફેસ્ટિવલમાં લોકોએ ખરીદી કરી “હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી” અભિયાનને સાર્થક બનાવ્યું છે.
સ્વદેશી મેળામાંથી ખરીદી કરનારા ફાલ્ગુનીબેન અને તેમની સહેલીઓ જણાવે છે કે, રાજકોટ કોર્પોરેશન દ્વારા જે “સ્વદેશી ફેસ્ટિવલ -૨૦૨૫”નું આયોજન થયું છે તે એકદમ સરસ છે. મેં અને મારા મિત્રોએ અહિંયાથી ખુબ જ સુંદર શોપીસ, શણગારેલી આરતીની થાળી, તેમજ બીજી ઘણી વસ્તુઓ ખરીદી છે. દિવાળી સમયે બજારમાં શણગારની વસ્તુઓની કિંમત ખૂબ વધારે હોય છે જ્યારે અહીં વાજબી ભાવમાં અને સ્થાનિક કલાકારો દ્વારા તૈયાર કરેલી સુંદર વસ્તુઓ મળી રહે છે. તમે પણ “સ્વદેશી ફેસ્ટિવલ -૨૦૨૫”માં આવો અને આપણે સૌ સાથે મળીને સ્વદેશી વસ્તુઓ ખરીદીને દેશના વડાપ્રધાન શ્રી મોદીજીનું “હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી” અભિયાનને ખરા અર્થમાં સાકાર કરીએ.
સ્ટોલધારક કિરણબેન વડગામા જણાવે છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના “હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી” અભિયાન થકી આપણાં દેશને મજબૂત અને સક્ષમ બનાવી શકાય છે. આપણાં દેશમાં બનેલી વસ્તુઓને પ્રમોટ કરીએ અને ઉપયોગમાં લઈએ તે આનંદ અને ગૌરવની વાત છે. હું “વેસ્ટમાંથી બેસ્ટ” વસ્તુઓ બનાવુ છું. મારા આર્ટિક્રાફ્ટમાં નકામી બોટલ, તૂટી ગયેલી બરણીઓનાં શો-પીસ, શણગારેલા બજોઠ, રજવાડી તોરણ, ડિઝાઇનર દિવડા જેવી વસ્તુઓ બનાવીને તેનું વેચાણ કરું છું. મેળામાં મને રાજકોટવાસીઓનો સારો સહકાર મળી રહ્યો છે અને મારી વસ્તુઓનું સારું એવું વેચાણ થયું છે.
રાજકોટમાં આયોજિત “સ્વદેશી ફેસ્ટિવલ-૨૦૨૫”માં આયુર્વેદિક ઔષધિઓ, કોસ્મેટિક, ડિઝાઇનર કપડાં, લાકડાનાં રમકડાં, ભરતગૂંથણના શો-પીસ, વાસણો, વાંસ સુશોભનની વસ્તુઓ,માટીકામના શો-પીસ, મુખવાસ, કુનાફા ચોકલેટ, મીણબત્તી, સ્ટોલ્સ અને દુપટ્ટા, તોરણ, મિલેટની વસ્તુઓ, ઘી-મધ,ગુલકંદ જેવી અનેક વસ્તુઓ સ્વદેશી સ્ટોરમાં ઉપલબ્ધ છે.