Rajkot: પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાજકોટ મહાનગરમાં યોજાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા’

તા.૧૨/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
મહામૂલી આઝાદીમાં આવતા વિઘ્નરૂપ પરિબળો સામે હંમેશા જાગૃત રહેવું જોઈએ
‘હર ઘર તિરંગા’ અભિયાન થકી દેશવાસીઓના હદયમાં દેશભક્તિના અતૂટ ઉત્સાહનો સંચાર
રેસકોર્સથી જ્યુબિલી ચોક સુધીની યાત્રામાં હજ્જારો લોકો જોડાયા
ચોમેર લહેરાતા તિરંગાએ દેશભક્તિનો માહોલ સર્જી દીધો
Rajkot: પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાજકોટ મહાનગરમાં આજે સવારે ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ હતી. બહુમાળી ભવન, રેસકોર્સ ખાતેથી શરૂ થયેલી આ યાત્રામાં હજ્જારો લોકોએ તિરંગા સાથે જોડાઈને રાષ્ટ્રધ્વજ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. જ્યુબિલી ચોક ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ સાથે આ યાત્રા વિરામ પામી હતી. યાત્રા દરમિયાન ચોમેર લહેરાતા તિરંગાએ દેશભક્તિનો માહોલ સર્જી દીધો હતો.
કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે બહુમાળી ભવન ખાતે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પુષ્પાંજલિ અર્પણ કરી હતી. એ પછી લોકોને સંબોધતા કહ્યું હતું કે, આજે “હર ઘર તિરંગા યાત્રા”માં રાજકોટવાસીઓ મોટી સંખ્યામાં જોડાયા છે તે જોઈને મારી છાતી ગર્વથી ફૂલી રહી છે. દેશની આઝાદી માટે અંગ્રેજો સામેની લડાઈમાં અનેક નામી-અનામી વીરોએ બલિદાન આપ્યું છે તથા આજીવન જેલવાસ પણ ભોગવ્યો હતો. તેઓની પ્રબળ દેશભાવનાને કારણે જ આપણો દેશ ગુલામીમાંથી મુક્ત થયો. ત્યારે દરેક દેશવાસીઓના હદયમાં દેશભક્તિના અતૂટ ઉત્સાહનો સંચાર થાય તે હેતુસર રાજ્યભરમાં “હર ઘર તિરંગા” યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
તેમણે ઉમેર્યું હતું કે, આપણને મળેલી મહામૂલી આઝાદીમાં આવતા વિઘ્નરૂપ પરિબળો સામે હંમેશા જાગૃત રહેવું જોઈએ. દરેક વ્યક્તિની અંદર રાષ્ટ્રભાવના ધબકતી રહે અને દેશ માટે એક થઈને લડત આપવા હરહંમેશ તૈયાર રહીશું તો આઝાદી સામે કોઈ ઊંચી આંગળી નહિ કરી શકે. ભારતના દુશ્મનોએ પહલગાવ ખાતે આતંકી હુમલો કર્યો, ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા આંતકીઓના સ્થળોનો ખાતમો કરીને આજે દેશ આખો અડીખમ ઊભો છે. ‘ઓપરેશન સિંદૂર’ થકી દેશની સેનાએ એકતા અને અખંડિતતાનો પરિચય દુનિયાભરને આપી દીધો છે. જેના માટે ભારતીય જવાનોને જેટલા બિરદાવીએ તેટલું ઓછું છે.
વધુમાં મંત્રીશ્રીએ રાષ્ટ્રભાવનાનો સંદેશો આપતા કહ્યું હતું કે, વીર સૈનિકો સરહદો ઉપર ૨૪ કલાક ઠંડી, ગરમી અને વરસાદ સહન કરીને દેશની સીમાઓની રક્ષા કરી રહ્યા છે. જેના કારણે આજે આપણે સૌ સલામતી અનુભવીએ છીએ, ત્યારે આપણી પણ ફરજ બને છે કે, દેશના કલ્યાણ માટે હંમેશા જાગૃત રહીએ અને જરૂર પડ્યે બલિદાન આપવા તૈયાર રહીએ. ઉપરાંત આપણી અંદરની રાષ્ટ્રભાવના વધુ મજબૂત બને એ દિશામાં સાથે મળીને કામ કરીએ એ જ આજના કાર્યક્રમનો મૂળ હેતુ છે.
આ અવસરે મેયર શ્રીમતી નયનાબહેન પેઢડીયાએ જણાવ્યું હતું કે, આપણો રાષ્ટ્રધ્વજ એ રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક છે. નાગરિકોમાં રાષ્ટ્રભાવના પ્રગટ થાય તે હેતુથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.દેશની વિકાસયાત્રાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, દેશસેવા માટે માત્ર ઈચ્છાશક્તિ જોઈએ. ઓપરેશન સિંદૂર એ ભારતની સેનાની હિંમતનું પરિણામ છે. આ ઓપરેશનથી ભારતીય સૈન્યએ સાબિત કર્યું છે કે, તે આતંકવાદ સામે ઝુકશે નહીં. તેમણે તિરંગા યાત્રામાં સૌને ઉત્સાહભેર જોડાવા આહવાન કર્યું હતું.
આ તકે રાજકોટ મહાનગર પાલિકાના કમિશનર શ્રી તુષાર સુમેરાએ સ્વાગત પ્રવચન કર્યું હતું તેમજ યાત્રામાં જોડાવા બદલ સૌનો આભાર માન્યો હતો. આ તકે અગ્રણીશ્રી ભરત બોઘરાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.ત્યારબાદ મહાનુભાવોએ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં હજ્જારો લોકો તિરંગો લઈને ઉત્સાહભેર જોડાયા હતા. યાત્રાના રૂટમાં વિવિધ સ્ટેજ પર રજૂ થતી દેશભક્તિપૂર્ણ તથા સાંસ્કૃતિક કૃતિઓએ અનોખું આકર્ષણ જમાવ્યું હતું.
આ યાત્રામાં ધારાસભ્યોશ્રી ડૉ. દર્શિતાબહેન શાહ, શ્રી ઉદયભાઈ કાનગડ, શ્રી રમેશભાઈ ટીલાળા, અગ્રણી શ્રી માધવ દવે, ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, દંડક શ્રી મનીષભાઈ રાડીયા, શાસકપક્ષના નેતા શ્રીમતી લીલુબહેન જાદવ તથા કોર્પોરેટરશ્રીઓ, રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર ઝા, જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ, નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી મનીષ ગુરવાની તથા શ્રી હર્ષદ પટેલ, જિલ્લા પોલીસ વડા શ્રી હિમકર સિંહ, ડીસીપી-ક્રાઈમ ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ, પૂર્વ સાંસદ શ્રી મોહનભાઈ કુંડારિયા, અન્ય અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.










